Gujarati News

Gujarati News

News of Thursday, 13th January 2022

કાલે મકર સંક્રાંતિની સાંજે સ્‍પેશ સ્‍ટેશન નિહાળવાનો લ્‍હાવો ચુકતા નહી : વિજ્ઞાન જાથા

રાજકોટ તા. ૧૩ : આવતીકાલે મકર સંક્રાંતિ છે. ત્‍યારે કાલે સાંજે ૭.૩૦ કલાકે આકાશમાં સ્‍પેશ શટલ નિહાળવાની અલભ્‍ય તક પણ મળશે. આ રોમાંચક લ્‍હાવો ચુકવા જેવો ન હોવોનું ભારત જન વિજ્ઞાન જાથાની યાદીમાં જણાવાયુ છે. જાથાની યાદીમાં જણાવાયુ છે કે સાડા ચાર લાખ કિલોગ્રામ વજનનું અવકાશ મથક (સ્‍પેશ સ્‍ટેશન) પ્રતિ કલાક ૨૮,૮૦૦ કિ.મી. ની ઝડપે પૃથ્‍વીની પ્રદક્ષિણા કરે છે. આમ તો પૃથ્‍વી ઉપરથી દરરોજ સ્‍પેશ સ્‍ટેશન પસાર થતુ હોય છે. પરંતુ પૃથ્‍વીની નજીકના અંતરેથી પસાર થતુ હોય તેવી ભૌગોલિક ઘટના કાલે સર્જાવાની હોય નરી આંખે તેજ લીસોટા જેવું સ્‍પેશ સ્‍ટેશન પસાર થતુ નિહાળી શકાશે. અલગ અલગ શહેરમાં તેની પસાર થવાની સમય અવધી અલગ અલગ છે. રાજકોટમાં ૭ કલાકને ૩૫ મીનીટે મધ્‍ય આકાશમાં જોવા મળશે. તો અમદાવાદમાં ૭ કલાકને ૩૬ મીનીટે જોવા મળશે. વડોદરા, સુરત, હિંમતનગર ઉપરાંત રાજયભરના લોકો નરી આંખે ચાર મીનીટ સુધી સ્‍પેશ શટલ જોઇ શકશે. જાથા દ્વારા સ્‍પેશ સેન્‍ટર નિહાળવા રાજયભરમાં  જિલ્લા મથકોએ આવી વ્‍યવસ્‍થા ગોઠવવામાં આવી છે. જે માટે અંકલેશ ગોહિલ, નિર્ભય જોશી, કિશોરગીરી ગોસાઇ, ગૌરાંગ કારીયા, રૂચિર કારીયા, રાજુ યાદવ તેમજ અન્‍ય શુભેચ્‍છકો જહેમત ઉઠાવી રહ્યા હોવાનું જાથાના રાજયના ચેરમેન એડવોકેટ જયંત પંડયા (મો.૯૮૨૫૨ ૧૬૬૮૯) ની યાદીમાં જણાવાયુ છે.

(5:34 pm IST)