Gujarati News

Gujarati News

News of Thursday, 13th January 2022

પતંગબાજો સાવચેતીથી પતંગ ઉડાડે : પદાધિકારીઓની અપીલ

નગરજનોને મકરસંક્રાંતિ પર્વની શુભેચ્‍છા પાઠવતા પ્રદિપ ડવ, ડો. દર્શિતા શાહ, પુષ્‍કર પટેલ, વિનુ ધવા તથા સુરેન્‍દ્રસિંહ વાળા

રાજકોટ તા. ૧૩ : મકરસંક્રાંતિ પર્વની શહેરના નગરજનોને શુભેચ્‍છા તેમજ પતંગબાજો પતંગના દોરથી પક્ષીઓ ઘાયલ ન થાય, વાહન ચાલકો અકસ્‍માતનો ભોગ ન બને અને પોતે પણ અગાશી પરથી પડવાના અને વીજળીના તારથી બચવા પુરતી કાળજી રાખે તેવી અપીલ મેયર ડો. પ્રદિપ ડવ સહિતના  પદાધિકારીઓ દ્વારા કરવામાં આવી છે.
મેયર ડો.પ્રદિપ ડવ, ડે.મેયર ડો.દર્શિતાબેન શાહ, સ્‍ટેન્‍ડિંગ કમિટી ચેરમેન પુષ્‍કરભાઈ પટેલ, શાસક પક્ષ નેતા વિનુભાઈ ઘવા, શાસક પક્ષ દંડક સુરેન્‍દ્રસિંહ વાળા એક સંયુક્‍ત યાદીમાં જણાવે છે કે, મકરસંક્રાંતિ પર્વની શહેરના નગરજનોને શુભેચ્‍છા તેમજ પતંગબાજો પતંગના દોરથી પક્ષીઓ ઘાયલ ન થાય, વાહન ચાલકો અકસ્‍માતનો ભોગ ન બને અને પોતે પણ અગાશી પરથી પડવાના અને વીજળીના તારથી બચવા પુરતી કાળજી રાખે.
વિશેષમાં નિર્દોષ પક્ષીઓની ખુબ જ કાળજી રાખવી સવારે ૬ વાગ્‍યા થી સવારના ૧૦:૦૦ વાગ્‍યા દરમ્‍યાન પક્ષીઓ તેના માળામાંથી બહાર આવી ચણ શોધવા માટે આકાશમાં ઉડી નીકળતા હોય છે. જયારે સાંજના ૬ થી ૭ વાગ્‍યા દરમ્‍યાન પક્ષીઓ પોતાના માળામાં પરત ફરતા હોય છે. આ સમય દરમ્‍યાન હવામાં પક્ષીઓની પણ ખુબ ઉડાઉડ થતી હોય છે. આવા સમયે પતંગબાજો પતંગ ચગાવવાનું ટાળે અને પક્ષીઓ ઘાયલ થતા બચે તે પક્ષીના હિતમાં અત્‍યંત આવશ્‍યક છે. પદાધિકારીઓએ વધુમાં કહ્યું હતું કે, જો ક્‍યાય પણ પક્ષીઓને પતંગના દોરા કે અન્‍ય કોઈ કારણે ઈજા થવાનું જાણવા મળે તો ત્રિકોણબાગ ખાતે પક્ષીની સારવાર માટે સારવાર કેન્‍દ્ર કાર્યરત છે.વિશેષમાં નગરજનો પણ મકરસંક્રાંતિપર્વની ઉજવણી સાથે કોઈ અકસ્‍માતો ન બને અને એમાંય ખાસ કરીને બાળકોનું પણ ખાસ ધ્‍યાન રાખે, રસ્‍તાઓ પર પણ પતંગ લુંટવા માટે બાળકો દોડાદોડી કરતા હોય છે. ત્‍યારે વાહન ચાલકો પણ પોતાનું વાહન ધીમે ચલાવે અને વાહન ચાલકને પણ રસ્‍તા પર દોરો આડો ન આવે તેવું ખાસ ધ્‍યાન રાખે તેમજ પતંગબાજો ખાસ કરીને અગાશી પરથી પડવાના, વીજળીના તારથી બચવા પુરતી કાળજી રાખે, તેમ અંતમાં પદાધિકારીઓએ જણાવેલ.

 

(3:48 pm IST)