Gujarati News

Gujarati News

News of Thursday, 13th January 2022

૩૦૦ જિલ્લામાં કોરોનાનો પોઝિટીવીટી રેટ પ% થી વધુ

લોકો અંગે ચિંતા વ્યકત કરી છે જેઓ ઓમિક્રોનને ઓછો ઘાતક અને સામાન્ય શરદી-ઉધરસ માનીને ચાલે છે ઃ સ્વાસ્થ્ય મંત્રાલયનું નિવેદન

નવી દિલ્હી,તા.૧૩ઃ ઓમિક્રોન વેરિઅન્ટ અંગે વિશ્વ આરોગ્ય સંસ્થાએ ફરી ચેતવણી આપતા કહ્યું છે કે, જે લોકોએ કોવિડ-૧૯ વેક્સીન નથી લીધી એ લોકો માટે આ વેરિઅન્ટ બહુ નુકસાનકારક છે. જો કે, આ વેરિઅન્ટ ડેલ્ટાની સરખામણીમાં ઓછો ઘાતક છે તો પણ એનાથી એ લોકોને ખતરો છે જેમણે કોરોના રસીકરણ નથી કરાવ્યું. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને એ લોકો અંગે ચિંતા વ્યક્ત કરી છે જેઓ ઓમિક્રોનને ઓછો ઘાતક અને સામાન્ય શરદી-ઉધરસ માનીને ચાલે છે. તો ભારતમાં નીતિ આયોગ (સ્વાસ્થ્ય)ના અધ્યક્ષ ડો વી કે પૌલે સ્વાસ્થ્ય મંત્રાલયની સાપ્તાહિક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે ઓમિક્રોન વેરિઅન્ટને હળવાશમાં ન લેવો જોઈએ. એ ભલે નબળો લાગી રહ્યો હોય. જો કે, એનું એક કારણ એ પણ છે કે દેશમાં મોટા પાયે વેક્સીનેશનને લીધે લોકોને આ વેરિઅન્ટ સામે સુરક્ષા મળી રહી છે. તો કેટલાક દેશોમાં આ વેરિઅન્ટે આરોગ્ય સેવાઓને ખૂબ પ્રભાવિત કરી છે.

દેશમાં કોવિડ-૧૯ સંબંધિત સ્થિતિ અંગે સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે દેશના ૩૦૦ જિલ્લાઓમાં કોવિડ-૧૯ કેસનો પોઝિટીવિટી રેટ ૫ ટકાથી વધુ છે. તેમાં મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, દિલ્હી, તમિલનાડુ, કર્ણાટક, ઉત્તર પ્રદેશ, કેરળ અને ગુજરાતના જિલ્લાઓનો સમાવેશ થાય છે. બુધવારે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે કોવિડ વીકલી પોઝિટીવિટી રેટ ઓફ હાઈ રિસ્ક સિટીની યાદી બહાર પાડી. આમાં ગયા અઠવાડિયે બંગાળમાં કોરોના સંક્રમણનો પોઝિટીવિટી રેટ સૌથી વધુ ૬૦.૨૯ હતો. જે દિલ્હી, મુંબઈ, બેંગ્લોર અને ચેન્નાઈ કરતા વધુ છે.

આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, કોલકાતામાં સૌથી વધુ વીકલી પોઝિટીવિટી રેટ છે. સરકારી ડેટા અનુસાર, ૫ થી ૧૨ જાન્યુઆરી વચ્ચે મુંબઈનો પોઝિટીવિટી રેટ ૨૬.૯૫ ટકા, બેંગલુરુમાં ૧૨.૨૯ ટકા, થાણે ૩૧.૫૪ ટકા, ચેન્નામાંઈ ૨૩.૩૨ ટકા, પુણેમાં ૨૩.૪ ટકા અને કોલકાતામાં ૬૦.૨૯ ટકા છે. તો દિલ્હીમાં પોઝિટીવિટી રેટ લગભગ ૨૩ ટકા આસપાસ હતો.

(4:57 pm IST)