Gujarati News

Gujarati News

News of Tuesday, 13th September 2022

આજી છલોછલઃ ભાદર ૧ાા ફુટ બાકીઃ ન્‍યારીનો એક દરવાજો ખોલાયો

ભાદરવાના ભડાકાઃ મેઘકૃપાથી રાજકોટનું જળસંકટ દૂરઃ આખુ વર્ષ નિરાંત : મેઘરાજાની અવિરત મહેર : રાજકોટ સહિત ૬ જીલ્લાના ૨૨ ડેમોમાં ૦ાા થી ૬ ફુટ નવા પાણીની આવક : આજીડેમની હાલની સપાટી ૨૮.૬૦ ફુટ પહોંચી તથા ન્‍યારી ડેમ ૨૪.૩૦ ફુટ ભરાયો

રાજકોટ,તા. ૧૨ : સૌરાષ્‍ટ્રનો દરિયો ગણાતો જેતપુર નજીકનો ભડભાદર ડેમ છલકાવાની તૈયારીમાં છે, મેઘરાજાની અવિરત મહેરથી ગઇ કાલે ૦ાા ફુટની નવા પાણીની આવક થતા હાલની જીવંત સપાટી ૩૨.૬૦ ફુટે પહોંચી છે. આ ડેમ ૩૪ ફુટે છલકાય છે. લાખો લોકોના હૈયા પુલકિત બન્‍યા છે.
તો રાજકોટ માટે અત્‍યંત મહત્‍વનો અને લોકલાડીલો આજી-૧ ડેમ છલોછલ બની ગયો છે. પોણા ફુટની ધોધમાર આવક થતા આ ડેમની સપાટી ૨૮.૬૦ ફુટે પહોંચી છે. ઓવરફર્લો છલકાવામાં ૦.૪૦ ફુટ બાકી છે. આજીડેમ ૨૯ ફુટે છલકાય છે. રાજકોટનો આજી ડેમ પ્રેમી જનતા ખુશખુશાલ બની ગઇ છે. ન્‍યુ રાજકોટના વિસ્‍તારોમાં પાણી પુરૂ પાડતા અને કાલાવડ રોડ પર આવેલા ન્‍યારી-૧ ડેમની હાલની સપાટી ૨૪.૩૦ ફુટે પહોંચી છે. ડેમમાં ૧૧૧૨.૦૫૫ એમ.સી.એફ.ટી. જળજથ્‍થો સંગ્રહીત થયો છે. ન્‍યારી -૧ ડેમ તેની નિર્ધારિત સપાટી ભરાઇ જતા રૂલ લેવલ મુજબ ડેમનો એક દરવાજો ૬ ઇંચ ખોલવામાં આવ્‍યો છે. ડેમની કુલ સપાટી ૨૫ ફુટ છે.  મેઘરાજાએ ગઇ કાલે અનેક જીલ્લામાં હળવા-મધ્‍યમ-ભારે વરસાદ વરસાવતા રાજકોટ સહિત ૬ જીલ્લાના ૨૨ ડેમોમાં ૦ાાથી ૬ ફુટ નવા પાણીની આવક થઇ છે. વાદપરી, બંગાવડી, વર્તુ-૨, વઢવાણ ભોગાવો તથા સોરઠી ડેમ છલોછલ અને ઓવરફલો થઇ રહ્યા છે.

 

(3:27 pm IST)