Gujarati News

Gujarati News

News of Tuesday, 13th September 2022

રાજકોટમાં કર્મચારીઓના જંગી દેખાવો : જૂની પેન્‍શન યોજના શરૂ કરો : ૧૭મીએ માસ સી.એલ.: ૩૦મીથી બેમુદતી હડતાલ

જંગી રેલી નીકળી : રવિવાર રજા હોવા છતાં મુખ્‍યમંત્રીને સંબોધી કલેકટરને આવેદન

રાજકોટમાં ગઇકાલે રાજય સરકારના હજારો કર્મચારીઓએ જંગી રેલી કાઢી કલેકટરને આવેદન પાઠવ્‍યું હતું. (તસ્‍વીરઃ સંદીપ બગથરીયા)
રાજકોટ,તા. ૧૨ : ગુજરાત રાજ્‍ય કર્મચારી મહામંડળે ગઇ કાલે રાજકોટમાં જંગી રેલી કાઢી મુખ્‍યમંત્રીને સંબોધી કલેકટરને આવેદન પાઠવી -સુત્રોચ્‍ચાર સાથે કલેકટર કચેરી ગજવી મુકી હતી અને જુની પેન્‍શન યોજના પુનઃ શરૂ કરવા તથા અન્‍ય પ્રશ્‍નો સંદર્ભે રજુઆતો કરી હતી.
આવેદનમાં ઉમેર્યું હતુ કે, કેન્‍દ્ર સરકાર દ્વારા તા. ૧/૧/૨૦૦૫થી ઓલ્‍ડ પેન્‍શન સ્‍કીમ બંધ કરી નેશનલ પેન્‍શન સ્‍કીમ (NPS) કર્મચારીઓ માટે લાગુ કરવામાં આવેલ છે. ગુજરાત સરકાર દ્વારા તા. ૧/૪/૨૦૦૫થી NPS લાગુ કરવામાં આવેલ છે. તા. ૧/૪/૨૦૦૫ પછી સરકારી નોકરીમાં દાખલ થનાર કર્મચારીઓને નિવૃતિ બાદ મળતુ આજીવન પેન્‍શન બંધ કરવામાં આવેલ છે. કર્મચારીઓના પગારની ૧૦% રકમની સામે સરકારશ્રી દ્વારા ૧૦% હિસ્‍સો મળી કુલ રકમ NPSમાં જમા થાય છે.  જે રકમ શેર બજાર, મ્‍યુચ્‍યુઅલ ફંડોમાં રોકાણ કરવામાં આવે છે. જેથી કર્મચારીને નિવૃતિ સમયે મળવાપાત્ર રકમ નિヘતિ રહેતી નથી અને નિવૃતિબાદ જમા રહેલ  રકમનું કોઇ પણ બેંકમાં ડિપોઝીટ કરવામાં આવે છે જે રકમનું વ્‍યાજ નહીંવત હોવાથી ઘડપણમાં જીવનનિર્વાહ કરવો કે કુટુંબનું ભરણપોષણ કરવું ખૂબ મુશ્‍કેલીસભર બને છે.
ગુજરાત રાજ્‍ય સંયુકત કર્મચારી મોરચો અને ગુજરાત રાજ્‍ય કર્મચારી મહામંડળ દ્વારા સરકારીમાં કર્મચારીઓના પડતર પ્રશ્‍નો બાબતે ચર્ચા-વિચારણા કરીને તે પ્રશ્‍નોનું હકારાત્‍મક નિરાકરણ આવે તે માટે વારંવાર રજુઆતો કરવા છતાં કર્મચારીઓના પ્રશ્‍નોનું નિરાકરણ ન આવતા તમામ કર્મચારી આલમમાં અસંતોષ અને રોષની લાગણી વ્‍યાપેલ છે.જે અંગે ગુજરાત રાજ્‍ય સંયુકત કર્મચારી મોરચો અને ગુજરાત રાજ્‍ય કર્મચારી મહામંડળની તા. ૯/૮/૨૦૨૨ના રોજ સામાન્‍ય સભાની બેઠક રાખવામાં આવેલ હતી. અને ત્‍યારબાદ તા. ૨૩/૮/૨૦૨૨ના રોજ ગુજરાત રાજ્‍ય સંયુકત કર્મચારી મોરચા અને ગુજરાત રાજ્‍ય કર્મચારી મહામંડળની મળેલ સંયુકત બેઠકમાં રાજ્‍યના અધિકારીઓ/કર્મચારીઓના હિતોને લગતા જુની પેન્‍શન યોજના, ફિકસ પગાર નાબુદી, સાતમા પગાર પંચના ભથ્‍થા સહિત આ સાથે જણાવેલ કુલ ૧૭ જેટલી અગત્‍યની મુખ્‍ય માંગણીઓ સરકારશ્રી દ્વારા ઘણા લાંબા સમયથી ઉકેલ નિરાકરણ લાવવા અંગે કોઇ હકારાત્‍મક પ્રતિસાદ મળેલ નથી. આ અંગે તા. ૩૦/૮ સુધીમાં પડતર પ્રશ્‍નોનું હકારાત્‍મ નિરાકરણ ન આવે તો રાજ્‍યના તમામ કર્મચારી મંડળો દ્વારા જલદ કાર્યક્રમો આપવા આદેશ કરવામાં આવેલ. તા. ૩/૯/૨૦૨૨ના રોજ રાજકોટ મુકામે યોજાયેલ કર્મચારીઓની રેલી દરમ્‍યાન કલેકટરશ્રીને રૂબરૂ આવેદનપત્ર આપેલ છતાં કોઇ પ્રત્‍યુતર ન મળતા ન છૂટકે ગુજરાત રાજ્‍ય સંયુકત કર્મચારી મોરચો અને ગુજરાત રાજ્‍ય કર્મચારી મહામંડળ દ્વારા નક્કી કરવામાં આવેલ. આગામી આંદોલનાત્‍મક કાર્યક્રમોની રૂપરેખા મુજબ કાર્યક્રમો આપવામાં આવશે. નક્કી મળેલ આંદોલન મુજબ તા. ૧૭/૯/૨૦૨૨ રાજ્‍યના સમગ્ર કર્મચારીઓની માસ સી.એલ. ઉપર ઉતરી જશે તથા ૨૨/૯/૨૦૨૨ રાજ્‍યના તમામ કેડરના કર્મચારીઓ દ્વારા પેન ડાઉન થશે અને ૩૦/૯/૨૦૨૨ સમગ્ર રાજ્‍યમાં અચોક્કસ મુદતની હડતાલ શરૂ કરાશે.
 મુખ્‍ય માંગણીમાં જુની પેન્‍શન યોજના પુનઃ ચાલુ કરવી. ફિકસ પગાર પ્રથા બાબતે સરકારે સુપ્રિમ કોર્ટમાં દાખલ કરેલ એસપીએલ પીટીશન પરત ખેંચી ફિકસ પગારની પ્રથા મુળ અસરથી બંધ કરી ગુજરાત હાઇકોર્ટના ચુકાદા મુજબ મૂળનિમણુંકથી તમામ લાભ આપવામાં આવે.

 

(3:33 pm IST)