Gujarati News

Gujarati News

News of Tuesday, 13th September 2022

ડબલ એન્‍જીન સરકાર દ્વારા રાજ્‍યભરમાં ૧ દિ'માં ૪૫૦૦ કરોડના લોકાર્પણ - ખાતમુહૂર્ત : અરવિંદ રૈયાણી

વિશ્વાસથી વિકાસયાત્રા : લોધીકા - પડધરી તાલુકાના ૩ાા કરોડના વિકાસકામોનું ઇ-લોકાર્પણ - ખાતમુહૂર્ત

રાજકોટ તા. ૧૨ : રાજકોટ જિલ્લામાં આજે ‘વિશ્વાસથી વિકાસયાત્રા'નો મેટોડાથી પ્રારંભ થયો છે. આ અવસરે વાહન-વ્‍યવહાર રાજયમંત્રી અરવિંદભાઈ રૈયાણીના હસ્‍તે લોધિકા અને પડધરી તાલુકાના આશરે રૂપિયા ૩.૫૦ કરોડથી વધુનાં વિકાસકામોનું ઈ-ખાતમુહૂર્ત અને ઈ-લોકાર્પણ કરવામાં આવ્‍યા હતા.

જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મેટોડા જી.આઈ.ડી.સી. ખાતે પ્રાંત કક્ષાનો લોકાર્પણ-ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજવામાં આવ્‍યો હતો. જેમાં લોધિકા તાલુકાના રૂ. ૨૩૭.૪૦ લાખના કામોનું ઈ-લોકાર્પણ તેમજ રૂ. ૫૨.૮૦ લાખનાં વિકાસ કામોનું ખાતમુહૂર્ત, તેમજ પડધરી તાલુકાના રૂ. ૨૦ લાખનાં કામોનું ઈ-લોકાર્પણ તેમજ રૂ. ૪૦ લાખનાં વિકાસકામોનું ઈ-ખાતમુહૂર્ત કરવામાં આવ્‍યા હતા.

આ કાર્યક્રમના અધ્‍યક્ષ તરીકે ઉપસ્‍થિત વાહન-વ્‍યવહાર રાજયમંત્રી અરવિંદભાઈ રૈયાણીએ જણાવ્‍યું હતું કે,  ગુજરાત સરકાર  પ્રજાના વિશ્વાસ સાથે છેલ્લા ૨૭ વર્ષથી લોકોની સુખાકારી માટે અવિરત કામ કરી રહી છે. ગુજરાતની પ્રજાએ સુકાન સોંપ્‍યા પછી છેલ્લા બે દાયકામાં ગુજરાતે વિકાસની હરણફાળ ભરી છે. ‘વિશ્વાસથી વિકાસયાત્રા' અંતર્ગત આજે આખા રાજયમાં એકસાથે ૪૫૦૦ કરોડથી વધુનાં વિકાસકામોંના લોકાર્પણ-ખાતમૂહુર્ત થઈ રહ્યાં છે.

ગુજરાતમાં થયેલાં વિકાસકાર્યો અંગે મંત્રીશ્રી રૈયાણીએ કહ્યું હતું કે, અગાઉ ગામડામાં શૌચાલયો નહોતા. જેના લીધે બહેનોને ખૂબ તકલીફ પડતી. પણ વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઈએ ગામડે ગામડે શૌચાલય બનાવડાવી માતા અને બહેનોનું સન્‍માન વધાર્યું છે.  અને ઘરે ઘર નળથી જળ પહોંચ્‍યાં છે, જયોતિગ્રામ જેવી યોજનાઓ થકી ગામડે ગામડે ૨૪ કલાક વીજળી પહોંચી છે.

રાજકોટ ગ્રામ્‍ય ધારાસભ્‍યશ્રી લાખાભાઈ સાગઠિયાએ આ તકે રાજય સરકાર દ્વારા ગામડાના લોકો તેમજ ખેડૂતોના કલ્‍યાણ માટે સરકારે લીધેલાં વિવિધ પગલાઓ અને યોજનાઓનો ચિતાર આપ્‍યો હતો. જયારે ખીરસરા સ્‍વામિનારાયણ મંદિરના સંતશ્રી ભક્‍તિપ્રસાદ સ્‍વામીએ કહ્યું હતું કે, આપણા દેશને વર્ષો સુધી ગુલામ રાખનારા દેશો આજે ભારતને સલામ કરે છે એ જ આપણે કરેલા વિકાસની પારાશીશી છે.

રાજકોટ ગ્રામ્‍ય પ્રાંત અધિકારી વિવેક ટાંકના સ્‍વાગત પ્રવચન બાદ ‘વિશ્વાસ સાથે ગુજરાતની વિકાસ યાત્રા' દર્શાવતી ફિલ્‍મનું નિદર્શન કરવામાં આવ્‍યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા સામાજિક ન્‍યાય સમિતિના ચેરમેન મોહનભાઈ દાફડા, જિલ્લા પંચાયતના દંડક અલ્‍પાબેન તોગડિયા, લોધિકા તથા પડધરી તાલુકા પંચાયતના હોદ્દેદારો, પૂર્વ ધારાસભ્‍ય બાવનજીભાઈ મેતલિયા, સામાજિક રાજકીય અગ્રણીઓ, અધિકારીઓ, ૧૦૦થી વધુ ગામોના સરપંચો તેમજ બહેનો મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહયા હતા.

(3:41 pm IST)