Gujarati News

Gujarati News

News of Tuesday, 13th September 2022

સરગમી સેવાની ચાવીથી લોકપ્રિયતાનું તાળુ ખોલનાર ગુણુભાઇ ડેલાવાળાનો જન્મદિન

ના સંઘર્ષ, ના તકલીફ (તો) કયા મજા જીનેમેં ? તૂફાન ભી થમ જાએગા, જબ લક્ષ્ય હોગા સિનેમેં

એક શહેરમાં એક તાળાની દુકાનમાં લોકો તાળુ-ચાવી ખરીદવા અને કયારેક ડુપ્‍લીકેટ ચાવી બનાવવા આવતા હતા. તે દુકાનદાર પાસે એક ભારે હથોડો હતો તેનો કયારેક તાળા તોડવામાં ઉપયોગ થતો હતો. હથોડો વિચારતો હતો કે આ નાની-નાની ચાવીઓમાં શું ખૂબી છે કે આટલા મજબૂત  તાળાને પળવારમાં ખોલી નાખે છે. એક દિવસ દુકાનદારની ગેરહાજરીમાં હથોડાએ ચાવીને આ બાબતે પુછી નાખ્‍યુ. ચાવી હસીને બોલી, ‘ તું (હથોડો) તાળુ ખોલવા માટે બળનો પ્રયોગ કરે છે તેના ઉપર પ્રહાર કરે છે આવું કરવાથી તાળુ ખુલતુ નથી પણ તૂટે છે. હું તાળાને બિલકુલ ચોટ નથી પહોંચાડતી. હું તો (ચાવી) તાળાના મનમાં ઉતરીને હૃદયને સ્‍પર્શ કરૂં છું અને એના દિલમાં સ્‍થાન ગ્રહણ કરૂં છું. ત્‍યારપછી હું જ્‍યારે કહું ત્‍યારે તે તરત ખુલી જાય છે.'

આ કાલ્‍પનિક વાત છે પણ તેનો બોધ એ છે કે કોઇ વ્‍યકિતને આપણે આપણી બનાવવા માાંગી છીએ તો તેના હૃદયમાં સ્‍થાને મેળવવું જોઇએ. કોઇ વ્‍યકિત પર પ્રહાર કરવાથી તેની ઉપયોગીતા રહેતી નથી પણ તેની સાથે પ્રેમપૂર્વક વર્તવાથી તેની પાસેથી કામ લઇ શકીએ છીએ. શહેરની પ્રસિધ્‍ધ સરગમ કલબના સુપ્રસિધ્‍ધ સુપ્રીમો શ્રી ગુણવંતભાઇ ડેલાવાળા આ વાત સમજે છે એટલે જ તેમની ‘ચાવીરૂપ' ભૂમિકાએ અનેક ‘તાળા' ખોલી નાખ્‍યા છે. ખોલે સ્‍નેહના તાળા, એવા આપણા ડેલાવાળા...

તા. ૧૩ સપ્‍ટેમ્‍બર ૧૯૫૪ના રોજ જન્‍મેલા ગુણવંતભાઇ ડેલાવાળા જાહેર જીવનનું જાણીતુ નામ છે. સ્‍થાનિક કાર્યકરોથી માંડી દેશ-વિદેશના શ્રેષ્‍ઠીઓ સાથે સંબંધ ધરાવે છે. ગુજરાતમાં સૌથી વધુ સભ્‍ય સંખ્‍યાબળ ધરાવતી સરગમ કલબના તેઓ સ્‍થાપક પ્રમુખ છે. એક સમયે રૂડાના ચેરમેન હતા. સંઘ અને ભાજપની વિચારધારા સાથે જોડાયેલા છે. શ્રી હેમુ ગઢવી હોલનું સંચાલન, રાહતદરના દવાખાના, નિઃશુલ્‍ક આરોગ્‍ય કેમ્‍પ, મુકિતધામ, વાંચનાલય, પ્‍લેનેટોરીયમ, ગોપીરાસ અને શ્રેણીબધ્‍ધ સાંસ્‍કૃતિક કાર્યક્રમો તેની આગવી ઓળખ છે. તેમના સબંધોનું નેટવર્ક વિશાળ છે. લાગણીની લાઇફ ટાઇમ વેલીડીટી ધરાવે છે. સરગમના સીમકાર્ડથી તેમના સેવાનો ‘ફાઇવ-જી' જેવો પ્‍લાન (ઝડપી અને વ્‍યાપક પ્રમાણમાં સવા) વર્ષોથી અમલમાં છે. વાસણના વ્‍યવસાયનો વર્ષોનો અનુભવ છે. એટલે કયા પાત્રનું ‘તળિયુ' કેવું હોય ? તે જાણે છે જે નમે તે સૌને ગમે તે મુજબ તેમનો અભિગમ હકારાત્‍મક રહ્યો છે. તેમનું માનવું છે કે, છત્રી વરસાદ રોકી શકતી નથી પરંતુ વરસાદમાં ઉભા રહેવાની હિંમત જરૂર આપે છે. એ જ રીતે આત્‍મવિશ્વાસએ સફળતાની ખાતરી નથી પરંતુ સંઘર્ષ કરવા માટે પ્રેરણા અવશ્‍ય આપે છે. આજે ૬૯માં વર્ષમાં પ્રવેશ નિમિતે શુભેચ્‍છા માટે સવારથી જ તેમનો ફોન રણકી રહ્યો છે. (૨૨.૮)

ફોન નં. (૦૨૮૧) ૨૪૬૭૭૧૭

મો. ૯૮૨૪૦ ૪૦૮૮૯  રાજકોટ

(12:36 pm IST)