Gujarati News

Gujarati News

News of Tuesday, 13th September 2022

રાજકોટમાં વધુ ત્રણ ઈંચ, મોસમનો ૪૨ ઈંચ

ગત સાંજે ફરી વિજળીના કડાકા- ભડાકા સાંજે દે ધનાધન તૂટી પડયો, આજે સવારે પણ ઝાપટુ, વરસી ગયું : શહેરના અનેક રાજમાર્ગો ઉપર ગોઠણડૂબ પાણી ભરાયાઃ ટુ વ્‍હીલરો બંધ પડી ગયાઃ આજે સાંજે પણ ફરી દેવાવાળી?

રાજકોટઃ મેઘરાજા દેધનાધન વરસી રહ્યા છે. તેમાં પણ રાજકોટ શહેરમાં તો છેલ્લા ચાર- પાંચ દિવસથી તો દરરોજ સાંજે વિજળીના કડાકા ભડાકા સાથે વરસી  જાય છે. ગઈસાંજથી મોડીરાત સુધી એકધારો વરસાદ પડયો હતો. વધુ ત્રણ ઈંચ સાથે મોસમનો કુલ ૪૨ ઈંચ પાણી પડી ગયું છે.

છેલ્લા ત્રણ દિવસથી શહેરમાં દિવસ દરમ્‍યાન તડકો જોવા મળે છે. સાંજથી  વાતાવરણમાં પલ્‍ટો આવી જાય છે. ગાજવીજ સાથે તૂટી પડે છે. ગઈકાલે પણ નિત્‍યક્રમ મુજબ સાંજે સાતેક વાગ્‍યાની આસપાસ એકાએક ઠંડા પવન ફૂંકાવા લાગ્‍યા હતા. થોડીવારમાં તો એકદમ વરસાદ ચાલુ થઈ ગયો હતો.

જોરદાર વરસાદની સાથોસાથ વિજળીના પ્રચંડ ધડાકા જોવા મળતા હતા. થોડીવારમાં તો રાજમાર્ગો ઉપર પાણી ફરી વળ્‍યા હતા. તેમાં પણ નિચાણવાળા વિસ્‍તારોમાં તો ગોઠણડૂબ પાણી ભરાઈ ગયા હતા. વાહન ચાલકોને ભારે મુશ્‍કેલીનો સામનો કરવો પડયો હતો. અનેક લોકોના ટુ વ્‍હીલરો બંધ થઈ ગયા હતા.

આશરે અડધી પોણી કલાક વરસાદનું જોર રહ્યા બાદ ધીમો પડી ગયો હતો. જો કે મોડીરાત સુધી ધીમીધારે વરસાદ ચાલુ હતો. દરમિયાન આજે સવારે સાતેક વાગ્‍યાની આજુબાજુ ઝાપટુ વરસી ગયું હતું.

ગતરાતે ત્રણ ઈંચ પાણી પડી ગયું હતું. તો મોસમનો કુલ ૧૦૪૭ મી.મી. એટલે કે ૪૨ ઈંચ હવામાન ખાતામાં નોંધાઈ ગયો છે. હવામાન શાષાીઓના જણાવ્‍યા મુજબ આવતા ગુરૂવાર સુધી મેઘરાજાનું જોર રહેશે. આજે સાંજથી ફરી વરસાદનું આગમન થાય તેવી પૂરેપૂરી સંભાવના છે.

 

ઉત્તર- મધ્‍ય અને દ.ગુજરાતમાં ભારે વરસાદની શકયતા

અરબી સમુદ્રમાં સર્કયુલેશનને લીધે વરસાદ પડશેઃ સાથોસાથ ૩૦ થી ૪૦ કિમીની ઝડપે પવન ફૂંકાશેઃ બે દિવસ માટે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના

(3:44 pm IST)