Gujarati News

Gujarati News

News of Tuesday, 13th September 2022

ફૂડ ડિલીવરીમેન પ્રતિપાલસિંહનું અપહરણ કરી મેટોડા, રાતૈયા લઇ ગયા -બાંધીને ધોલધપાટ

અગાઉ સામ સામે વાહન અથડાયા હોઇ ખાર રાખી બી. એમ. જાડેજા સહિતના કારમાં નાંખી મેટોડા, રાતૈયા લઇ ગયા બાદ મોડી રાતે રામાપીર ચોકડીએ ફેંકી દીધોઃ ઓનલાઇન પૈસા પણ પડાવ્‍યાનો આક્ષેપ

રાજકોટ તા. ૧૩: માયાણીનગર આવાસ ક્‍વાર્ટરમાં રહેતાં અને સ્‍વીગીમાં ફૂડ ડિલીવરીમેન તરીકે કામ કરતાં યુવાનને વાહન અથડાવાના જુના ડખ્‍ખામાં રામપીર ચોકડી દેવજીવન હોટલ પાસેથી કારમાં નાંખી મેટોડા, રાતૈયા તરફ લઇ જઇ બાંધીને માર મારી ઓનલાઇન પૈસા મંગાવડાવી છેલ્લે મારકુટ કરી ફરી રામાપીર ચોકડીએ મોડી રાતે ફેંકી જવાતાં સારવાર માટે સિવિલ હોસ્‍પિટલમાં દાખલ કરવામાં આવ્‍યો છે.

બનાવની જાણવા મળેલી વિગત મુજબ માયાણી ક્‍વાર્ટરમાં રહેતો પ્રતિપાલસિંહ અજયસિંહ ચુડાસમા (ઉ.૨૭) નામના યુવાનને મોડી રાતે સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો હતો. તેને બી. એમ. જાડેજા સહિતે લાકડી-પાઇપથી માર માર્યાનું જણાવતાં તબિબે પોલીસને જાણ કરી હતી. પ્રતિપાલસિંહે હોસ્‍પિટલના બિછાનેથી જણાવ્‍યું હતું કે પોતાને એક પુત્રી છે અને પોતે સ્‍વીગીમાં નોકરી કરે છે. પંદરેક દિવસ પહેલા મેટોડા બાઇક લઇને ગયેલ ત્‍યારે તેના બાઇક સાથે બી. એમ. જાડેજાનું બાઇક અથડાતાં સામેના બાઇકમાં નુકસાની થઇ હતી. જે તે વખતે બીજા મધ્‍યસ્‍થી બનતાં સમાધાન થઇ ગયું હતું. ગઇકાલે સાંજે પોતાને ફરીથી વાત કરવાના બહાને રામાપીર ચોકડી દેવજીવન હોટલ પાસે બોલાવાતાં પોતે બાઇક લઇને ત્‍યાં જતાં સ્‍કોડા કારમાં બેસાડી મેટોડા તરફ લઇ જવાયેલ. જ્‍યાં બહાર કાઢી અજાણ્‍યા શખ્‍સોએ લાકડી, પાઇપથી બેફામ માર માર્યો હતો. એ પછી રાતૈયા તરફ લઇ જવાયેલ જ્‍યાં વાડી વિસ્‍તારમાં બાંધીને માર માર્યો હતો. તેમજ પૈસા માંગતા પોતાની પાસે ન હોઇ બે મિત્રોને ફોન કરી ઓનલાઇન કુલ પંદર હજાર ટ્રાન્‍સફર કરાવડાવી પડાવી લીધા હતાં.

મોડી રાત સુધી પોતાને અલગ અલગ સ્‍થળે ફેરવી બાદમાં મોડી રાતે ફરીથી રામાપીર ચોકડીએ ફેંકી જવાયો હતો.

પ્રતિપાલસિંહે વધુમાં જણાવ્‍યું હતું કે માત્ર વાહન અથડાયા તેનું જ મનદુઃખ હતું. બીજી કોઇ માથાકુટ નહોતી. પોતાને વાત કરવાના બહાને બોલાવી અપહરણ કરી લઇ જવાયા બાદ સિતમ ગુજારાયો હતો. પોલીસે આક્ષેપો અંગે વિશેષ તપાસ હાથ ધરી છે. પ્રતિપાલસિંહ પોતે પણ અગાઉ મારામારીના બે ત્રણ ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુકેલ છે. હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે લોધીકા પોલીસને જાણ કરી હતી. પરંતુ હદ રાજકોટ ગાંધીગ્રામ વિસ્‍તારની હોઇ સ્‍થાનિક પોલીસે વિશેષ તપાસ હાથ ધરી છે.

(12:33 pm IST)