Gujarati News

Gujarati News

News of Tuesday, 13th September 2022

લીંબુના ભાવમાં સતત ઉછાળોઃ મણના ૧૯૦૦ રૂા.

અઠવાડીયામાં મણે ૭૦૦ રૂા.નો ભાવવધારોઃ આવકો ઘટતા ભાવ સળગ્‍યાઃ છુટકમાં ૧ કિલોના ૧૫૦ થી ૨૦૦ રૂપીયામાં વેચાય છે

રાજકોટ, તા., ૧૩:લીંબુમાં ગત સપ્તાહથી શરૂ થયેલ તેજી યથાવત રહી છે.  છેલ્લા એક સપ્તાહમાં લીંબુમાં મણે ૭૦૦ રૂપીયાનો તોતીંગ ઉછાળો થયો છે. છુટક બજારમાં કિલોએ ૩૫ થી ૫૦ રૂપીયાનો વધારો થયો છે.

રાજકોટ માર્કેટ યાર્ડમાં આજે લીંબુની  ૩૦૫ કવીન્‍ટલની આવક હતી. લીંબુ એક મણનો ભાવ ૯૦૦ થી ૧૯૦૦ રૂપીયાના ભાવે સોદા પડયા હતા. ગત તા.૭ના રોજ લીંબુ એક મણના ભાવ ૫૦૦ થી ૧૨૦૦ રૂા. હતા છેલ્લા એક સપ્તાહમાં લીંબુમાં મણે ૭૦૦ રૂપીયાનો ભાવવધારો થયો છે. હોલસેલમાં લીંબુ એક કિલોનો ભાવ ૫૦ થી ૯પ રૂપીયા છે. છુટક બજારમાં પહોંચતા ૧પ૦ થી ૨૦૦ રૂપીયાનો ભાવ થઇ જાય છે. લીંબુના ભાવ આસમાને પહોંચતા લીંબુના વપરાશમાં ઓછો કરવો પડે તેવી સ્‍થિતિ છે.

વેપારી સુત્રોના જણાવ્‍યા મુજબ લોકલ લેવલે લીંબુની આવક ઘટતા ભાવમાં ઉછાળો  થયો છે. લીંબુના પાકમાં અત્‍યારે કટીંગની સીઝન હોય લીંબુની ઓછી આવક થાય છે.  હજુ એકાદ મહિનો લીંબુના ભાવ ઉંચા રહેશે ત્‍યાર બાદ લોકલ તથા બહારથી આવકો શરૂ થતા ભાવ ઘટશે.

અત્રે એ નોંધનીય છે કે, ગત વર્ષે લીંબુ એક મણના ભાવ ૩૦૦૦ થી ૩૫૦૦ના વિક્રમજનક ભાવે સોદા પડયા હતા.

(2:01 pm IST)