Gujarati News

Gujarati News

News of Tuesday, 13th September 2022

આનંદો... આજી છલકુ છલકુ ૨૪મી વખત છલકાયો ભાદર

આજી-૧ ડેમ ૧૮મી વખત ઓવરફલો થવામાં ૦.૫ ફૂટનું છેટુ : હાલ આવક બંધ : ભાદર-૧ ડેમના ૮ દરવાજા ૨ ફુટ ખોલવામાં આવ્‍યા

રાજકોટ તા. ૧૩ : રાજકોટ સહીત સમગ્ર સૌરાષ્ટ્રમાં છેલ્લા ત્રણ દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો છે. અવિરત વરસાદના પગલે રાજકોટ શહેર અને જિલ્લાના મોટાભાગના તમામ જળાશયોમાં નવાનીરની નોંધપાત્ર આવક થવા પામી છે. તેમાં પણ ખાસ કરી રાજકોટ શહેરને પાણી પૂરું પડતા આજી ન્‍યારી અને ભાદર એમ કુલ ત્રણે ડેમમાં પૂરતા પ્રમાણમાં આવક થતા રાજકોટવાસીઓનું આખા વર્ષનું જળ સંકટ તણાઈ ગયું છે. સૌરાષ્ટ્રનો બીજા નંબરનો સૌથી મોરો ભાદર ૧ ડેમ પણ ઓવરફલો થતા ડેમના ૮ દરવાજા ૨ ફૂટ ખોલવામાં આવ્‍યા છે. ૧૯,૫૮૩ ક્‍યુસેક પાણી છોડાવામાં આવ્‍યું છે. જ્‍યારે આજી ડેમ ઓવરફલો થવામાં ૦.૫ ફુટનું છેટુ છે. ડેમના ઉપરવાસમાં સાંજ સુધીમાં વરસાદનું એક ઝાપટુ વરસશે તો ડેમ ૧૮મી વખત ઓવરફલો થશે.

શ્રાવણ માસ પૂરો થયા બાદ ભાદરવામાં ભરપૂર વરસાદે રાજકોટ સહીત સમગ્ર સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક વરસાદ પગલે એક ઝાટકે ૬૦થી વધુ ડેમમાં જળ સપાટી ઉપર આવતા જળ સંકટ તણાઇ ગયું છે. ભાદર ડેમમાં સતત ધીમે ધીમે પાણી આવક ચાલુ રહેતા હાલ ડેમની સપાટી છલોછલ જોવા મળી રહી છે. ગોંડલ નજીક આવેલ ભાદર-૧ ડેમની સપાટી રાત્રીના સમયે ૩૪ ફૂટે પહોંચી જતા ડેમ છલોછલ જોવા મળી રહ્યો છે. સતત બીજા વર્ષે ભાદર ડેમ ભાદરવે ભરપૂર છલોછલ થતા રાત્રીના સમયે તંત્ર દ્વારા ડેમના ૮ દરવાજા ૨ ફૂટ ખોલી દેવામાં આવ્‍યા છે. અને ડેમમાં હાલ ૨૭૦૦૦ ક્‍યુસેક પાણીની આવક સામે ૧૯,૫૮૩ ક્‍યુસેક પાણી છોડાવામાં આવી રહ્યું છે. રાજકોટની જીવાદોરી સમાન આજી-૧ ડેમની હાલની સપાટી ૨૮.૯૫ ફૂટે પહોંચી જવા પામી છે. આ ડેમ ૧૮મી વખત ઓવરફલો થવામાં ૦.૫ ફૂટનું છેટુ છે ત્‍યારે મનપાની ફાયરની ઇમરજન્‍સી સર્વિસ શાખા દ્વારા આજી નદીના કાંઠા પરના નીચાણવાળા વિસ્‍તાર જેવા કે ભવાનીનગર, રામનાથપરા, ચુનારાવાડની બાજુમાં ઘાંચીવાડ, જંગલેશ્વર, ૮૦ ફુટ રોડ, તવકલ ચોક, હુસેની ચોક, રૂખડીયાપરા તથા ભગવતીપરા સહિતના વિસ્‍તારમાં ભારે વરસાદના પગલે સાવચેતીના ભાગરૂપે સ્‍થળાંતરીત થવા સુચના આપવામાં આવી હતી. 

(3:48 pm IST)