Gujarati News

Gujarati News

News of Tuesday, 13th September 2022

બેંક, એ.ટી.એમ સેન્‍ટર, દુકાન, ધર્મશાળા, બહુમાળી બીલ્‍ડીંગમાં અને ઔદ્યોગીક એકમોમાં CCTV કેમેરા લગાવવા ફરજીયાત

સીસીટીવી ફુટેજને કારણે મોટાભાગના ગુનાના ભેદ ઉકેલાતા હોય છે : છ પોલીસ મથક હેઠળના વિસ્‍તારમાં પોલીસની ડ્રાઇવ : વેપારીઓને મળીને CCTV કેમેરા અંગેના જાહેરનામાની સમજ અપાઇ : ૨૪ કલાક કેમેરા ચાલુ રાખવા : ૩૦ દિવસ સુધીનુ રોકોર્ડીંગ ડેટા સંગ્રહ રાખવા અંગે સમજ અપાઇ

રાજકોટ,તા. ૧૩ : શહેરમાં બેંકો, એટીએમ સેન્‍ટર, સોના-ચાંદીના વેપારીઓ, હોટલ, રેસ્‍ટોરન્‍ટ, ધર્મશાળા, કરીયાણાની દુકાનો, બહુમાળી બિલ્‍ડીંગો, ઔદ્યોગીક એકમોમાં પોલીસ દ્વારા સી.સી.ટી.વી. કેમેરા ચેકીંગ અંગેની ડ્રાઇવ યોજી વેપારીઅદ તથા સંસ્‍થાઓના સંચાલકોને સીસીટીવી કેમેરા લગાવવા માટેના જાહેરનામા અંગે સમજ આપવામાં આવી હતી. સીસીટીવી કેમેરા લગાવવા માટે પોલીસ કમિશ્‍નરે જાહેરનામું બહાર પાડયુ હતું. જે અંગે પોલીસે કેમેરા નહીં રાખી જાહેરનામાનો ભંગ કરનારાઓ સામે ગુના નોંધવાની શરૂઆત કરી છે.

આ પ્રકારનું જાહેરનામુ પોલીસ કમિશ્‍નર શ્રી રાજુ ભાર્ગવ દ્વારા બહાર પાડવામાં આવ્‍યુ છે. હાલમાં મોટાભાગના ગુનાઓ સીસીટીવી કેમેરાને કારણે ડીટેકટ થતા હોવાથી પોલીસ માટે કોઇ પણ ઘટનાસ્‍થળ પરના સીસીટીવી ફુટેજ ખૂબ જ મહત્‍વના બની ગયા છે. સીસીટીવી કેમેરા અંગેના જાહેરનામાની અમલવારી માટે શહેરના વેસ્‍ટ ઝોનમાં આવતા ગાંધીગ્રામ, યુનિવર્સિટી પોલીસ સ્‍ટેશન અને પ્રદ્યુમનનગર પોલીસ સ્‍ટેશન હેઠળના વિસ્‍તારમાં તેમજ સાઉથ ઝોન વિસ્‍તારમાં એ ડીવીઝન, માલવીયાનગર અને તાલુકા પોલીસ મથક હેઠળના વિસ્‍તારમાં પોલીસ દ્વારા ડ્રાઇવ યોજવામાં આવી હતી. આ છ પોલીસ મથક હેઠળના વિસ્‍તારમાં સીસીટીવી કેમેરા ન લગાવી જાહેરનામાનો ભંગ કરનારા ૩૫ વ્‍યકિતઓ સામે ગુનો દાખલ કરી કાર્યવાહી  કરવામાં આવ્‍યા હતા. આ ઉપરાંત પોલીસે પેટ્રોલીંગ દરમ્‍યાન બેંકો, તમામ એ.ટી.એમ. સેન્‍ટરો, સોના-ચાંદીના વેપારીઓ તથા હોટલ, રેસ્‍ટોરન્‍ટ, ધર્મશાળા, કરીયાણાના વેપારીઓ, બહુમાળી બીલ્‍ડીંગ, ઔદ્યોગીક એકમોના સંચાલકો તથા વેપારીઓને મળીને પોતાના ધંધાના સ્‍થળે પ્રવેશ તથા બહાર નિકળવાના દ્વાર પર, રીશેપ્‍સના કાઉન્‍ટર, લોબી તથા પાર્કિંગની જગ્‍યાએ સારી ગુણવતા વાળા કેમેરા લગાવવા સમજ આપવામાં આવી હતી. અને તેમાં રેકોર્ડીંગ ડેટા વધુમાં વધુ ૩૦ દિવસ સુધી સંગ્રહ રાખવા તથા પોતાના વેપાર-ધંધાના સ્‍થળે લગાડવામાં આવેલા સીસીટીવી કેમેરા ૨૪ કલાક સુધી ચાલુ રાખવા માટે પણ સમજ આપવામાં આવી હતી. શહેરમાં ચોરી, લુંટ, હત્‍યા, મારામારી જેવા બનતા બનાવો પણ અટકી શકે છે. અને વેપારીઓ તથા અલગ અલગ સંસ્‍થાઓના સંચાલકોને પોલીસ કમિશ્‍નરના જાહેરનામાનો અમલ કરવા માટે સમજ આપવામાં આવી હતી અને જાહેરનામાનો ભંગ કરનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવશે તેની પણ સમજ આપવામાં આવી હતી.

(3:49 pm IST)