Gujarati News

Gujarati News

News of Tuesday, 13th September 2022

વ્‍યાજખોરના ત્રાસથી કંટાળી આપઘાતની ફરજ પાડવા અંગે આરોપીના જામીન મંજુર

રાજકોટ તા. ૧૩ : આટકોટના પ્રતાપપુર ગામે રહેતા પટેલ વૃઘ્‍ધ કેશુભાઈ પારખીયાએ વયાજખોરના ત્રાસથી ઝેરી દવા પી આપઘાત કરતા નોંધાયેલ ગુન્‍હાના કામે પકડાયેલ આરોપી કીશોર અગ્રાવતના જામીન સેશન્‍સ અદાલત દ્વારા મંજુર કરવામાં આવેલ છે.

આ કેસની હકીકત એવી છે કે, જસદણ તાલુકાના પ્રતાપપુર ગામે રહેતા કલપેશ કેશુભાઈ પારખીયાએ આટકોટ પોલીસ સ્‍ટેશનમાં ફરીયાદ આપતા જણાવેલ હતુ કે ફરીયાદીના પિતા કેશુભાઈ પારખીયા (ગુજરનાર) પ્રતાપપુર ગામમાં રહી ખેતી કામ કરતા હતા અને તેમની પોતાની જરૂરીયાત માટે તેના ગામમાં જ રહેતા કીશોરભાઈ બિહારીદાસ અગ્રાવત પાસેથી રૂપીયા પંદર હજાર લીધેલ હતા જે પેટે વ્‍યાજ સહિત રૂપીયા સતર લાખ જેવી રકમ ચુકવેલ હોવા છતા આરોપી પઠાણી ઉઘરાણી કરી જો પૈસા નહી ચુકવે તો ભડાકે દેવાની અને વંશ વારસને પતાવી દેવાની ધમકી આપતા મરણ જનારને ડર લાગતા તા. ર૧/૦૮/ર૦રર ના રોજ પોતાની ઘરે ઝેરી દવા પી જઈ આપઘાત કરી લીધેલ હોવાથી ફરીયાદીએ આપઘાતને દુષ્‍પ્રેરણ પુરૂ પાડવા તથા મની લેન્‍ડીંગ એકટની ગંભીર કલમો હેઠળ આટકોટ પોલીસ સ્‍ટેશનમાં ફરીયાદ આપેલ હતી. ફરીયાદીએ ફરીયાદ આપતા પોલીસે ગણતરીની કલાકોમાં જ આરોપીને પકડી જેલ હવાલે કરતા આરોપીએ તેમના એડવોકેટ તુષાર ગોકાણી મારફત રાજકોટની સેશન્‍સ અદાલતમાં જામીન અરજી દાખલ કરેલ હતી.

બંન્‍ને પક્ષકારોની રજુઆતોના અંતે અદાલતે આરોપી પક્ષે થયેલ દલીલો સાથે સંમતી દર્શાવી પોતાના હુકમમાં નોંધેલ હતુ કે મરણજનારે તા.ર૧/૦૮/ર૦રર ના રોજ ઝેરી દવા પી લીધા બાદ પણ પોતે આરોપી સંદર્ભેની કોઈ હકીકત કોઈ સગા વ્‍હાલાને કે ડોકટરને જણાવેલ નથી અને તેના બે દિવસ બાદ કોઈ દુરના સગાને સ્‍યુસાઈડ નોટ મળેલ હોવાનું જણાવી તારીખ વગરની સ્‍યુસાઈડ નોટ રજુ કરેલી છે અને તેના પણ બે દિવસ બાદ ગંભીર કલમોનો ગુન્‍હો દાખલ કરાવેલ છે તે તમામ હકીકત જોતા પોલીસ મજબુત પ્રથમ દર્શનીય કેસ બતાવી શકેલ ન હોવાની આરોપીની દલીલો ગ્રાહય રાખી આરોપી કિશોર અગ્રાવતને જામીન મુકત કરવા આદેશ કરેલ હતો.

આ કામમાં આરોપી વતી ધારાશાસ્‍ત્રી તુષાર ગોકાણી, રીપન ગોકાણી, કેવલ પટેલ, હાર્દિક શેઠ, ઉઝેર કુરેશી, જશપાલસિંહ જાડેજા, યશ વૈષ્‍ણવ, ઈશાન ભટ્ટ, વિરમ ધ્રાંગીયા, નદીમ ધંધુકીયા રોકાયેલ હતા.

(4:13 pm IST)