Gujarati News

Gujarati News

News of Tuesday, 13th September 2022

વેચાણ દસ્‍તાવેજ રદ્દ કરવાનો દાવો ખર્ચ સહિત નામંજુર દાવો લાવનારને ૨૫ હજારની રકમ જમા કરાવવા હુકમ

રાજકોટ તા. ૧૩ : વેચાણ દસ્‍તાવેજ રદ્દ કરવાનો દાવો અદાલતે પ્રાથમિક તબક્કે ખર્ચ સહિત રદ્દ કરવાનો હુકમ કર્યો હતો. તેમજ વાદીએ રૂા. ૨૫૦૦૦ ખર્ચ રકમ કાનુની સેવા સત્તા મંડળમા જમા કરાવવાનો હુકમ પણ કોર્ટે કરેલ છે.

રાજકોટના રહીશ શાંતાબેન ડો/ઓ. કલાભાઇ હરસોડાએ કોઠારીયાના સર્વે નં. ૨૫૦ની જમીનનો વેચાણ દસ્‍તાવેજ જે યુનિવર્સલ કોપર એન્‍ડ સ્‍ટીલ રોલીંગ મીલના નામ જોગ તા. ૭-૧૦-૧૯૬૪ના રોજથી ખરીદ કરેલ હતી તે ખેતીની જમીન વડીલોપાર્જીત જમીન હોય તથા તેમા વાદી તથા તેમના ભાઇઓનો જન્‍મથી હિત સંકળાયેલ હોય તેઓ જમીનના કાયદેસરના માલીક છે અને શાંતાબેનના પિતાશ્રી ગુજ. કલાભાઇ હરસોડા જે વેચાણ દસ્‍તાવેજ કરેલ છે તે દસ્‍તાવેજ કરવાનો તેમને કોઇ અધિકાર ન હતો અને જયારે દસ્‍તાવેજ થયેલ ત્‍યારે દસ્‍તાવેજ મુજબનો અવેજ ચુકવેલ ન હોય જમીનનો કબ્‍જો પ્રતિવાદીને સોંપવામાં આવેલ ન હતો પરતુ કબ્‍જો તેમની પાસે જ રહેલ હતો. તેમજ જે વેચાણ દસ્‍તાવેજ થયેલ છે તે બિનખેતીના પ્‍લોટનો વેચાણ દસ્‍તાવેજ થયેલ છે જેમા કોમન પ્‍લોટની જગ્‍યાનું વેચાણ કરેલ નથી. એટલે રજી. વેચાણ દસ્‍તાવેજથી માત્ર બિનખેતી પ્‍લોટના માલીક બનેલ છે. અને જયારે વેચાણ દસ્‍તાવેજ કરવામાં આવે ત્‍યારે વાદીને લગ્ન થઇ ગયેલ હતા જેથી તેમને દસ્‍તાવેજ અંગેની જાણ ન હતી તેમ જણાવી તા. ૭-૧૦-૧૯૬૪નો જે યુનિવર્સલ કોપર એન્‍ડ સ્‍ટીલ રોલીંગ મીલ આ નામનો દસ્‍તાવેજ થયેલ હતો તે વેચાણ દસ્‍તાવેજ રદ કરવા તથા મિલ્‍કતના વિભાજન માટેનો દાવો દાખલ કરેલ હતો.

આ દાવામા યુનિવર્સલ કોપર એન્‍ડ સ્‍ટીલ રોલીંગ મીલ વતી પ્રાથમીક તબક્કે દાવો રદ કરવાની અરજી કરવામાં આવેલ જેમા એવી તકરાર લેવામાં આવેલ કે શાંતાબેનના પિતાશ્રી કલાભાઇ હરસોડાએ જે દસ્‍તાવેજ કરી આપેલ છે તે સને ૧૯૬૪ની સાલમા દસ્‍તાવેજ કરી આપેલ છે. એટલે કે જો વેચાણ દસ્‍તાવેજ રદ કરવાનો દાવો દાખલ કરવાનો થાય તો દસ્‍તવોજ રજીસ્‍ટર થયાના ૩ વર્ષ બાદ દાવો દાખલ કરવો જોઇએ. પરંતુ વાદીએ હાલનો દાવો વેચાણ દસ્‍તાવેજ રજી. થયાના પપ વર્ષ બાદ દાવો દાખલ કરેલ છે.તેમજ સને ૧૯૬૪ની સાલમા દસ્‍તાવેજ રજીસ્‍ટર થયા બાદ ૨૦૦૫ની સાલ સુધી વેચાણ દસ્‍તાવેજ કરનાર ગુજ. કલાભાઇ માધાભાઇ હરસોડા આશરે ૪૧ વર્ષ સુધી હૈયાત હતા તેમની હૈયાતી દરમ્‍યાન તેઓએ કયારેય પણ આ જમીનના વેચાણ દસ્‍તાવેજ બાબતે કોઇ તકરાર ઉઠાવેલ ન હતી. જેથી જે વેચાણ દસ્‍તાવેજ થયેલ છે તે કાયદેસરનો છે. વેચાણ દસ્‍તાવેજ થયા બાદ સને ૨૦૦૫ની સાલમા ગુજ. કલા માધાનું અવસાન થયા બાદ પણ નિયત સમય મર્યાદામા આ વેચાણ દસ્‍તાવેજની પડકારવામાં આવેલ ન હોય જેથી પણ વાદીનો દાવો ટકી શકે તેમ નથી તેવી રજુઆત કરવામાં આવેલ તેમજ વાદીએ જે દાવો દાખલ કરેલ તેમા પણ વેચાણ દસ્‍તાવેજ થયાનું સમર્થન આપેલ હતું. આમ સમય મર્યાદાના કારણસર વાદીનો દાવો રદ કરવા રજુઆત કરેલ.

 આ તમામ રજુઆતોને ધ્‍યાને લઇ અદાલતે પ્રતિવાદીની દાવો રદ કરવાની અરજી મંજુર કરી શાંતાબેન કલાભાઇ હરસોડાનો દાવો રદ કરવાનો હુકમ કરેલ અને સાથે સાથે રૂા. ૨૫૦૦૦ ખર્ચની રકમ કાનુની સેવા સત્તા મંડળમા જમા કરાવાનો હુકમ કરેલ હતો.

આ કામે પ્રતિવાદી યુનિવર્સલ કોપર એન્‍ડ સ્‍ટીલ રોલીંગ મીલ્‍સના નામથી ચાલતી ભાગીદારી પેઢી વતી એડવોકેટ તરીકે રાજકોટના જતીન વી. યાજ્ઞિક રોકાયેલા હતા.

(4:14 pm IST)