Gujarati News

Gujarati News

News of Tuesday, 13th September 2022

મ્‍યુનિ. કર્મચારીને મારકૂટના ગુનામાં પકડાયેલ આરોપીઓનો નિર્દોષ છૂટકારો

કોર્પોરેશન દ્વારા ઢોર ડબ્‍બામાં પુરી સારસંભાળ નહિ રાખવાના મુદ્દે

રાજકોટ,તા. ૧૩ : અત્રે કોર્પો.ના ઢોરના ડબ્‍બામાં ગેરાકાયદેસર મંડળ રચી માથાકૂટ કરવાના ગુન્‍હામાં આરોપીઓનો નિર્દોષ છૂટકારો કોર્ટે ફરમાવેલ હતો.

રાજકોટમાં પ્રાઇવેટ સીકયુરીટી ગાર્ડ તરીકે કોર્પોરેશનના ઢોરના ડબ્‍બામાં નોકરી કરતા જયંતીભાઇ રમેશભાઇએ વર્ષ ૨૦૧૫માં થોરાળા પોલીસ સ્‍ટેશનમાં ૧૫ થી ૨૦ અજાણ્‍યા શખ્‍સો વિરૂધ્‍ધ ફરીયાદ નોંધાવેલ હતી. જેમાં જણાવેલ કે પોતે રાજકોટ મહાનગરપાલીકાના ભાવનગર રોડ ઉપર આવેલ કંજરવન્‍સી ઢોર ડબ્‍બામાં સીક્‍યુરીટી તરીકે હાજર રહ્યા ત્‍યારે આરોપીઓએ એક સંપ કરીને ઢોર ડબ્‍બામાં પ્રવેશ તરીકે ‘તમે ગાયોની સારસંભાળ સારી રીતે રાખતા નથી.' તેમ કહી બોલાચાલી કરેલ અને પોતાને તથા અન્‍ય હાજર કર્મચારી રામજીભાઇને લાકડી તથા ઢીકાપાટુ વડે માર મારેલ હતો. અને ઢોર ડબ્‍બાનો ગેઇટ ખુલ્લો હોય ૧૦ થી ૧૫ ગાયો નીકળી ગયેલ હતી. જે મુજબ આઇ.પી.સી. ની જુદી-જુદી કલમો હેઠળ ફરીયાદ નોંધાવેલ હતી.

પોલીસ દ્વારા ફરીયાદમાં ગેરકાયદેસર મંડળી રચી, માર મારી, ગાળો આપી નુકશનન પહોંચાડવાની કલમો લગાડવામાં આવેલ હતી. જે તપાસ દરમ્‍યાન થોરાળા પોલીસ દ્વારા ધવલ પંડયા, અનિરૂધ્‍ધ બોરીચા, પિન્‍ટુ રૈયાણી, દિનેશ ગોહિલ, પ્રદ્યુમનસિંહ સરવૈયા, જયદીપભાઇ ડવ, ધવલભાઇ રાતડીયા, રોહીતભાઇ આહિર, જયેશભાઇ સોરઠીયા, અર્જુનભાઇ ડવ સહીતના ૧૭ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ અને તેઓ વિરૂધ્‍ધ નામદાર અદાલતમાં પુરતો પુરાવો હોય ૧૭ સાહેદો અને દસ્‍તાવેજો પુરાવાઓ સાથેનું ચાર્જશીટ રજુ કરેલ હતું.

સદરહું કેસ અદાલતમાં ચાલવા ઉપર આવેલ અને જેમાં સાહેદોની જુબાની લેવામાં આવેલ હતી. જેમાં મુખ્‍ય સાહેદોએ ફરીયાદ પક્ષના કેસને સમર્થન કરતા જુબાની આપેલ નહી અને ફરીયાદથી વિરોધાભાસી જુબાની આપેલ હતી. ઉપરોકત સંજોગોમાં પોલીસ તપાસનો કાગળો, ફરીયાદપક્ષના સાહેદોની જુબાની અને બચાવપક્ષની દલીલો રજુઆતને ધ્‍યાને લઇ આરોપીઓ અનિરૂધ્‍ધ બોરીચા, પિન્‍ટુ રૈયાણી, દિનેશ ગોહિલ, પ્રદ્યુમનસિંહ સરવૈયા, જયદીપભાઇ ડવ, રોહીતભાઇ આહિર, જયેશભાઇ સોરઠીયા, અર્જુનભાઇ ડવ વિગેરેને સદરહું ગુન્‍હામાં નિર્દોષ ઠરાવી છોડી મુકવા હુકમ ફરમાવેલ છે.

આ કામમાં બચાવપક્ષે યુવા લો એસોસીએટ એડવોકેટ હેમાંશુ પારેખ, કિરીટ નકુમ, હિમાલય મીઠાણી, વિક્રાંત વ્‍યાસ, કુલદીપ ચૌહાણ, યશપાલ ચૌહાણ, નીધી રાયચુરા સહિતના એડવોકેટ ટીમ રોકાયેલ હતી. 

(4:16 pm IST)