Gujarati News

Gujarati News

News of Tuesday, 13th September 2022

સહકારી ક્ષેત્રના ભાજપના બે જુથો વચ્ચે 'શરતી' સમાધાનના પ્રયાસો

એક તરફ રાદડિયા જુથ, બીજી તરફ ઢાંકેચા-જાડેજા જુથ

રાજકોટ તા.૧૩ : જિલ્લામાં ભાજપના સહકારી ક્ષેત્રના બે જુથો વચ્ચે લાંબા સમયથી લડત ચાલી રહી છે. જયેશ રાદડિયા જુથ સામે નીતિન ઢાંકેચા અને હરદેવસિંહ જાડેજાનું જુથ મેદાને પડયું છે.

જિલ્લા બેંકની ભરતીની પધ્ધતિના મુદ્દે જયેશ રાદડિયા સામે કાનૂની જંગ ચાલી રહ્યો છે. ધારાસભાની ચૂંટણી ટાણે પક્ષને થનાર સંભવિત નુકશાન નિવારવા બન્ને જુથોને મોટા ગજાના પાટીદાર અગ્રણીની હાજરીમાં સાથે બેસાડી સમાધાનની ભૂમિકા બાંધવા અમૂક અગ્રણીઓ પ્રયાસ કરી રહ્યા છે. મધ્યસ્થી સાથે બન્ને જુથ વારાફરતી અથવા એક સાથે તુર્તમાં બેઠક યોજે તેવી શકયતા છે.

બન્ને જુથ વચ્ચેની લડાઇ ઘણી આગળ વધી ગઇ છે તેથી સમાધાન સહેલુ નથી. ભરતી પ્રક્રિયાનો મુદ્દો છોડી દેવાના બદલામાં સહકારી સંસ્થાઓમાં 'પરિવર્તન' લાવવા સહિતની શરતો ડોકિયા કરી રહી છે સમાધાનથી વિવિધ પ્રકારે ફાયદો અને નુકશાન શું ?  તેની ગણતરી બન્ને જુથ તરફથી માંડવામાં આવી રહ્યાનું ભાજપના આધારભૂત વર્તુળો જણાવે છે. હાલ માત્ર વ્યકિતગત ધોરણે જ સમાધાનની વાર્તા ચાલી રહી છે. જો સમાધાન માટે વિધીસર બેઠક થાય તો તે ફળદાયી નિવડશે? કે નિષ્ફળ જશે? તે તો સમય જ બતાવશે.

(4:21 pm IST)