Gujarati News

Gujarati News

News of Tuesday, 13th September 2022

ભૂપતભાઇ રાઠોડ ઝબકીને જાગ્‍યા ત્‍યાં હાથ ચુંદડીથી બાંધેલા હતાં, ઓચીંતા જ પત્‍નિ છરીથી તૂટી પડી!

મવડીના પટેલનગરની ઘટનાઃ ચાર મહિના પહેલા જ આહિર યુવાને મુળ ઉપલેટાની મંજુ સાથે લગ્ન કર્યા છેઃ મંજુનું આ ત્રીજુ ઘરઃ હુમલો કર્યા બાદ રૂમમાંથી નીચે આવી પરિવારજનોને કહ્યું-મારાથી એમને લાગી ગયું છે!

રાજકોટ તા. ૧૩: મવડીના પટેલનગર-૧૧ કૈલાસ પાનવાળી શેરીમાં રહેતાં અને ટેમ્‍પો ડ્રાઇવીંગ કરી ગુજરાન ચલાવતાં ભૂપતભાઇ કરસનભાઇ રાઠોડ (આહિર) (ઉ.વ.૩૨) નામના યુવાન પર રાત્રીના અગિયારેક વાગ્‍યે તેના પત્‍નિ મંજૂબેને ચુંદડીથી તેના હાથ બાંધી દઇ છરીથી હુમલો કરી ખભા, વાંસામાં ઇજાઓ પહોંચાડતાં સિવિલ હોસ્‍પિટલમાં દાખલ કરવામાં આવતાં હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂએ તાલુકા પોલીસ સ્‍ટેશનમાં નોંધ કરાવી હતી.

ભૂપતભાઇ રાઠોડ બે ભાઇમાં નાના છે. તેઓ ત્રણ માળના મકાનમાં વચ્‍ચેના માળે રહે છે. ઉપરના માળે તેના મોટાભાઇ અરવિંદભાઇ તેના પરિવાર સાથે રહે છે. નીચેના માળે માતા-પિતા રહે છે. ભૂપતભાઇના લગ્ન ચારેક મહિના પહેલા ઉપલેટાની મંજૂબેન સાથે થયા છે. તેણીના અગાઉ બે છુટાછેડા થઇ ગયા છે. ભૂપતભાઇ સાથે ત્રીજુ ઘર છે. આગલા ઘરની તેને એક દિકરી છે.  ભૂપતભાઇના ભાઇ અરવિંદભાઇએ કહ્યું હતું કે રાતે બધા સાથે મળીને જમ્‍યા હતાં અને એ પછી ભૂપતભાઇ અને તેના પત્‍નિ તેના રૂમમાં ગયા હતાં. ત્‍યારબાદ મંજૂબેને નીચે આવીને કહ્યું હતું કે તેનાથી પતિને લાગી ગયું છે. અરવિંદભાઇએ વધુમાં જણાવ્‍યું હતું કે ભૂપતભાઇ જમીને રૂમમાં ગયા પછી પત્‍નિએ તેમના પગ દબાવ્‍યા હતાં અને તેને ઉંઘ ચડી ગઇ હતી. પણ ઓચીંતા ઝબકીને જાગ્‍યા ત્‍યારે તેના બંને હાથ ચૂંદડીથી બાંધેલા હતાં, એ કંઇ વિચારે એ પહેલા જ પત્‍નિએ છરીથી હુમલો કરી દીધો હતો અને ખભા-વાંસામાં ઘા ઝીંકી દીધા હતાં. હુમલો શા માટે થયો તે અંગે ભૂપતભાઇ પોતે પણ અજાણ છે. આ મામલે કોઇ ફરિયાદ નોંધાવાઇ નથી અને ઘરનો મામલો હોઇ ઘરમેળે પતાવટ કરી લીધાનું જણાવાયું હતું.

(4:34 pm IST)