Gujarati News

Gujarati News

News of Tuesday, 13th September 2022

વિશ્વ લેવલે ભારતનું સ્‍થાન મજબૂત બનતા અન્‍ય દેશોએ ભારત તરફ મીટ માંડી છે : રાજકોટમાં ૧૮૦ કરોડના ઇ-લોકાર્પણ

મંત્રીશ્રી અરવિંદ રૈયાણી દ્વારા લોકાર્પણ - ખાતમુહૂર્ત બાદ ૩૨ હેલ્‍થ ઓફિસરને નિમણુંક પત્ર અપાયા : જિલ્લામાં વિશ્વાસથી વિકાસયાત્રા કાર્યક્રમ : ગામડાઓની કાયાપલટ : રાજ્‍યભરમાં ૧૦૮ની સુવિધા ઉપલબ્‍ધ

રાજકોટમાં આજે ૧૮૦ કરોડના ઇ-લોકાર્પણ - ખાતમુહૂર્ત વિશ્વાસથી વિકાસયાત્રા કાર્યક્રમ યોજાયો હતો. તસ્‍વીરમાં મંત્રી શ્રી અરવિંદ રૈયાણી, મેયર ડો. પ્રદિપ ડવ, સાંસદ મોહનભાઇ કુંડારીયા, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ભૂપતભાઇ બોદર, મ્‍યુનિ. કમિશનર શ્રી અમીત અરોરા, કલેકટર શ્રી અરૂણ મહેશ બાબુ દ્વારા હેલ્‍થ ઓફિસરોને નિમણુંક પત્ર અપાયા તે નજરે પડે છે.

રાજકોટ તા. ૧૩ : રાજયભરમાં જનજન સુખાકારીના દર્શન કરાવતી બે દિવસીય ‘વિશ્વાસથી વિકાસયાત્રા' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું છે. જે અન્‍વયે રાજકોટના હેમુ ગઢવી હોલ ખાતે વાહન વ્‍યવહાર રાજયમંત્રીશ્રી અરવિંદભાઈ રૈયાણીના અધ્‍યક્ષસ્‍થાને જિલ્લા કક્ષાના ‘વિશ્વાસથી વિકાસયાત્રા' કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્‍યો હતો. રાજકોટની જનતાને વિકાસકામોની ભેટ અર્પણ કરતાં મંત્રીશ્રી રૈયાણીના હસ્‍તે રૂ. ૧૮૦ કરોડથી વધુના વિકાસકામોનું ઈ-લોકાર્પણ અને ઈ-ખાતમુહૂર્ત કરવામાં આવ્‍યું હતું.

આ અવસરે વાહન વ્‍યવહાર મંત્રીશ્રી અરવિંદભાઈ રૈયાણીએ કહ્યું હતું કે, મુખ્‍યમંત્રીશ્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલની આગેવાની હેઠળની ડબલ એન્‍જીન સરકારે ગુજરાતની જનતાને ‘વિશ્વાસથી વિકાસયાત્રા' કાર્યક્રમ હેઠળ અનેક વિકાસકામોની ભેટ આપી છે.

પરિવારના મોભીની જેમ વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ નાગરિકોના સર્વાંગી વિકાસ માટે કામો કર્યા છે. ગામડાઓના દરેક ઘરોમાં શૌચાલયો બનવાનું શ્રેય વડાપ્રધાનશ્રી મોદીને આભારી છે.  વિશ્વફલક પર ભારતનું સ્‍થાન મજબૂત બનતાં આજે ભારત દેશ ઉપર વિદેશના દેશોએ મીટ માંડી છે. તેમ મંત્રીશ્રી રૈયાણીએ જણાવ્‍યું હતું. મંત્રીશ્રી રૈયાણીએ રાજકોટ મહાનગરપાલિકાના રૂ. ૪૨.૪૮ કરોડના ૨૬ વિકાસ કામો, જેટકોના રૂ. ૪૫.૩૩ કરોડના ૮ વિકાસ કામો, GSRTCના રૂ. ૧૨.૦૨ કરોડના ૩ વિકાસ કામો, માર્ગ અને મકાનના રૂ.૮૨.૬૮ કરોડના ૧૪ વિકાસકામોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ કર્યા હતા.

ગામડાની કાયાપલટ વિશે વાત કરતાં સાંસદશ્રી મોહનભાઈ કુંડારીયાએ જણાવ્‍યું હતું કે, વડાપ્રધાનશ્રી  નરેન્‍દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ ગામડાંની કાયાપલટ થઈ ગઈ છે. રાજયભરમાં ૧૦૮ની સુવિધા ઉપલબ્‍ધ થઇ છે.

આ પ્રસંગે મેયરશ્રી પ્રદીપભાઈ ડવે જણાવ્‍યું હતું કે, આજે દેશભરમાં ગુજરાતનું સ્‍થાન અનેરું છે. અને રાજયભરમાં શાંતિ, સલામતી અને સૌહાર્દનું વાતાવરણ સર્જાયું છે. મહિલાઓની સુરક્ષા વધી છે. ગુજરાતમાં દરેક ક્ષેત્રોમાં નોંધપાત્ર વિકાસ થયો છે.

આ વેળાએ કલેકટરશ્રી અરૂણ મહેશ બાબુએ શાબ્‍દિક સ્‍વાગત કર્યું હતું તેમજ મ્‍યુનિસિપલ કમિશ્નરશ્રી અમિત અરોરાએ સમગ્ર કાર્યક્રમની રૂપરેખા આપી હતી. ઉપરાંત જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી ભૂપતભાઈ બોદર દ્વારા પ્રાસંગીક ઉદ્દબોધન કરવામાં આવ્‍યું હતું.

મહાનુભાવોના હસ્‍તે જિલ્લા પંચાયતના આરોગ્‍ય વિભાગના ૩૨ જેટલા કોમ્‍યુનિટી હેલ્‍થ ઓફિસરને નિમણુંક પત્રો અર્પણ કરવામાં આવ્‍યા હતા.

આ તકે ધારાસભ્‍ય લાખાભાઈ સાગઠીયા, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ સવિતાબેન વસાણી, જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી, અધિક નિવાસી કલેકટર કે. બી. ઠક્કર, ડેપ્‍યુટી મ્‍યુ.કમિશ્નર આશિષ સિંઘ, પ્રાદેશિક નગરપાલિકા કમિશ્નર ધીમંત વ્‍યાસ,  અગ્રણી મનીષભાઈ ચાંગેલા, મનસુખભાઈ રામાણી, મનસુખભાઈ ખાચરિયા સહિતના અધિકારીઓ, પદાધિકારીઓ અને મોટી સંખ્‍યામાં નાગરિકો કાર્યક્રમમાં ઉપસ્‍થિત રહ્યા હતા.

(4:37 pm IST)