Gujarati News

Gujarati News

News of Tuesday, 13th September 2022

‘‘સોમા'' સામેના કાનુની જંગમાં નવેસરથી ચુકાદો આપવા ચેરીટી કમીશ્નરને આદેશ

જોઇન્‍ટ ચેરીટી કમીશ્નર રાજકોટનો ઓર્ડર રદ કરતી હાઇકોર્ટ : ‘‘સોમાની'' હાલની બોડી ચાલુ રહી શકશે પણ નીતિવિષયક નિર્ણયો લઇ નહિ શકે

રાજકોટ, તા. ૧૩:  સોમા સાથેની લડાઇમાં પૂર્વ પ્રમુખ સમીરભાઇ શાહ-શ્‍યામભાઇ શાહનો પ્રથમ તબક્કાની કાનૂની લડાઇમાં વિજય થયો છે. ગુજરાત હાઇકોર્ટ જોઇન્‍ટ ચેરીટી કમીશનરશ્રી રાજકોટના આદેશને રદ કરી તમામ પાસાઓનો અભ્‍યાસ કરી નવેસરથી કાર્યવાહી કરવાનો આદેશ આપતા ‘‘સોમા''ને પ્રથમ દ્રષ્‍ટીએ પછડાટ લાગી હોવાના નિર્દેશો મળે છે.

જાણવા મળતી વિગત અનુસાર ગુજરાત હાઇકોર્ટે જોઇન્‍ટ ચેરીટી કમીશનર રાજકોટને અરજદાર એટલે કે સમીરભાઇ શાહે જે દાદ માંગી હતી તેના પર વકીલની દલીલ અને સબમીશન  ઉપર યોગ્‍ય વિચાર કરી વ્‍યવસ્‍થિત જવાબ આપવા પણ જણાવ્‍યું છે.

આ મામલે કાર્યવાહી ૩૧-૩-ર૦ર૩ સુધીમાં પૂર્ણ કરવા પણ કોર્ટ જણાવ્‍યું છે.

આ મામલે હાઇકોર્ટે વધુમાં જણાવ્‍યું છે કે અરજદારે (સમીર શાહે) જે અરજ કરી છે  તથા હજુ સુધી કોઇએ પડકારેલ નહી પણ હવે જો પડકારવા માંગે તો ૩૦-૯-ર૦રર સુધીમાં માનનીય જોઇન્‍ટ ચેરીટી કમીશનર સમક્ષ વાંધા રજુ કરી શકશે. આ અંગે બંને પક્ષના વકીલોએ સહકાર ભર્યુ વલણ દાખવવા સહમતી દર્શાવી છે.

અરજદારની અરજ અને બાકીના પક્ષકાર તરફથી કોઇ રજુઆત આવે તો તેમને  પુરી તક આપી જોઇન્‍ટ ચેરીટી કમિશ્નરે કારણ દર્શાવતા ઓર્ડર આપવાના રહેશે.

વર્તમાન બોડીએ અત્‍યાર સુધી કોઇ નિર્ણય લીધા હશે તો તેમાં અંતિમ ચુકાદા મુજબના ફેરફાર કરવાના રહેશે.

બંને પક્ષોની સહમતિથી અત્‍યારની જે બોડી છે તે આ કેસના નિકાલ સુધી પદ પર ચાલુ રહેશે પણ કોઇ નીતિ વિષયક નિર્ણય લઇ શકશે નહીં. માત્ર રૂટીન વહીવટને ખર્ચ કરવાના રહેશે જેનો જુદા હિસાબ રાખવાનો રહેશે.  તેમ કોર્ટે જણાવ્‍યું છે.

(4:55 pm IST)