Gujarati News

Gujarati News

News of Tuesday, 13th September 2022

લાભુભાઇ ત્રિવેદી એન્‍જિનિયરીંગ કોલેજમાં ૧૫મીથી ત્રણ દિ'જીટીયુનો યુવક મહોત્‍સવ ક્ષિતિજ-૨૨

રાજકોટ-સૌરાષ્‍ટ્રભરની વિવિધ કોલેજોના ૫૦૦ છાત્રો ભાગ લેશેઃ મ્‍યુઝીક, થિયેટર, ડાન્‍સ સહિત ૨૫થી વધુ સ્‍પર્ધાઓ

રાજકોટઃ વર્તમાન સમયમાં ભારરૂપ ભણતર સાથે વિદ્યાર્થી વર્ગમાં દિવસેને દિવસે ઇતર પ્રવૃતિમાં રસપૂર્વક ભાગ લેવાનો ઉત્‍સાહ કયાંકને કયાંક ઓસરતો જતો હોય તેવું નજરે પડે છે ત્‍યારે જેમ ગમત સાથે જ્ઞાન મળે અને જો કયાંક વિવિધ સ્‍પર્ધાઓ યોજાય તો સૌ છાત્રો ખીલી ઉઠે છે. કોરોના મહામારીને કારણે બે વર્ષથી જીટીયુમા યુવક મહોત્‍સવ યોજી શકાયો ન હતો. પરંતુ હવે જયારે સ્‍થિતિ કાબુમાં છે ત્‍યારે આગામી તા.૧૫ સપ્‍ટેમ્‍બરથી ત્રણ દિવસ સુધી જીટીયુનો ૧૦મો યુવક મહોત્‍સવ શહેરની નામાંકિત તેમજ મહાત્‍માગાંધી ચેરીટેબલ ટ્રસ્‍ટ સંચાલિત શ્રીલાભુભાઇ ત્રિવેદી એન્‍જિનિયરીંગ કોલેજ (કણકોટ)ના યજમાન પદે યુવક મહોત્‍સવ ક્ષિતિજ-૨૨નું આયોજન કરવામાં આવ્‍યુ છે. જીટીયુ સંલગ્ન સૌરાષ્‍ટ્રભરની વિવિધ કોલેજોના વિદ્યાર્થીઓ યુવક મહોત્‍સવમાં જુદી જુદી સ્‍પર્ધાઓમાં ભાગ લેશે.

આ યુવક મહોત્‍સવમાં મુખ્‍ય પાંચ કેટેગરી જેવીકે મ્‍યુઝિક, થિયેટર, ડાન્‍સ, ફાઇન આર્ટસ, અને લિટરેચર અંતર્ગત જુદી જુદી ૨૫થી વધારે સ્‍પર્ધાઓ યોજાનાર છે સમગ્ર સૌરાષ્‍ટ્રમાંથી ઇજનેરી તેમજ ફાર્મસીના યુવાનો અને યુવતીઓ દ્વારા કળા શિક્ષણ અને સંસ્‍કૃતિને લગતી આવડતો રજૂ કરવામાં આવશે.

યુવક મહોત્‍સવમાં મુખ્‍ય અતિથિવિશેષ તરીકે રાજયસભાના સંસદસભ્‍ય શ્રીરામભાઇ મોકરીયા, જીટીયુના કુલપતિ ડો. નવીન શેઠ, ગુજરાતી ફિલ્‍મના અભિનેતા તેમજ યુવક વકતા શ્રીહર્ષઁલભાઇ માંકડ, બ્રાઇટ ફિઝીયોથેરાપી સેન્‍ટરના ન્‍યુરો મસ્‍કયુલર કન્‍ડિશનના ડો. શિવાંગી માંડલીયા, મહાત્‍મા ગાંધી ચેરીટેબલ ટ્રસ્‍ટના મેનેજિંગ ટ્રસ્‍ટી શ્રીમનસુખભાઇ જોશી, ટ્રસ્‍ટી શ્રીડો. અલ્‍પાબેન ત્રિવેદી(હેલીબેન) ઉપરાંત કોલેજના પ્રિન્‍સિપાલ ડો.બી.એમ. રામાણી, જીટીયુના રમત ગમતના અધિકારી ડો.આકાશ ગોહિલ જીટીયુના કુલસચિવ ડો.કે.એન.ખેર ઉપસ્‍થિત રહેશે તેમ કોલેજના પ્રિન્‍સિપાલ તેમજ યુવક મહોત્‍સવના અધ્‍યક્ષ ડો.બી.એમ.રામાણીની યાદીમાં જણાવાયું છે.

તસ્‍વીરમાં સર્વશ્રી વિજય પંડયા, સહજ મારૂ, લુસી બગડાઇ ૮૯૮૦૭ ૬૨૦૭૬, હર્ષ ઝીંઝુવાડીયા અને વિશ્વા ગઢવી નજરે પડે છે.

(4:55 pm IST)