Gujarati News

Gujarati News

News of Thursday, 14th April 2022

હિંદની એક તૃતીયાંશ જમીન અને એક ચતુર્થાંશ વસ્‍તી પર વારસાગત રાજયસત્તા ૫૬૫ રાજાઓ ભોગવતા હતા, રાજવીઓની આ પરંપરા બ્રિટને ચાલુ રહેવા દીધી હતી

આઝાદી પૂર્વે સ્‍વાતંત્ર્ય સૈનિકોની લડતનો ઈતિહાસ

જ્જ હિંદનાં રાજપુરૂષો દેશનાં ભાગલા કરાવી શકે તો દેશનાં રાજાઓ વિનાશ કરી શકે તેવી શક્‍યતા પણ હતીઃ સરદાર વલભભાઈ અને વી. પી. મેનને સર્વે રાજવીઓ પાસે હિંદમાં જોળાવવા સંમતિ મેળવી જ્જ દિલ્‍હીની કેન્‍દ્રીય સરકારનાં વહિવટ હેઠળનાં પ્રાંતોનું બનેલું એક હિંદ અને બીજું હિંદ રજવાડાઓનું હતું જ્જહિંદમાં કુલ ૫૬૫ રાજાઓ શાસક હતાઃ બ્રિટનની સર્વોપરિતા સ્‍વીકારી હતીઃ માત્ર વિદેશ વ્‍યવહાર અને સંરક્ષણ બ્રિટનને સોંપ્‍યા હતા જ્જ બ્રિટનનાં શાસન દ્વારા મહારાજાઓને તેમનાં ખિતાબો, મહેલો, સાલિયાણું, ઈ. આપવાનું ઠરાવાયું હતું, જે ઈ.સ. ૧૯૭૧ માં કોંગ્રેસની સરકારનાં વડાપ્રધાન ઇન્‍દિરા ગાંધીએ રદ્દ કર્યું જ્જ કેટલાંક સરમુખત્‍યાર રાજવીઓનો ભયાનક ઈતિહાસ નોંધાયેલ છેઃ રાજયની આવકને લોકોનાં કલ્‍યાણમાં નહિ પણ પોતાના ભોગ વિલાસમાં ખર્ચતા હતા

બ્રિટનનાં શહેનશાહે જાહેરાત કરી કે ફેબ્રુઆરી ૧૯૪૭ થી જુન ૧૯૪૮ સુધી હિંદની સત્તા જવાબદાર હિંદવાસીઓને સુપ્રત કરવાની નેમ છે. લોર્ડ માઉન્‍ટબેટનની વાઈસરોય તરીકે નિયુકિત થઇ. ૧૪ માસમાં હિંદની સત્તા સોંપવાની હતી પણ માઉન્‍ટબેટને માત્ર ૫ મહિનામાં જ હિંદને સત્તા સોંપી. માઉન્‍ટબેટન હિંદમાં આવ્‍યા ત્‍યારે જ દેશની ગંભીર સ્‍થિતિનો તેમને ખ્‍યાલ આવી ગયો હતો. બ્રિટનનાં શહેનશાહે તેમને સંપૂર્ણ સત્તા આપી હતી.

માઉન્‍ટબેટને ખૂબ જ સક્રિયતાથી કાર્યવાહી શરૂ કરી અને જુન ૧૯૪૭ માં નહેરૂ અને જિન્‍હાએ પણ ૨ ભાગલા માટે સ્‍વીકૃતિ આપી. આ પ્રક્રિયા બાદ હજુ દ્યણા પ્રશ્નો તેમને ઉકેલવાનાં હતા, જેમાં પ્રથમ મહત્‍વનું હિંદનાં રાજા-રજવાડાઓનાં રાજયો અંગે હતો. હિંદની એક તૃત્‍યાંશ જમીન અને એક ચતુર્થાંશ વસ્‍તીમાં રાજવીઓની સત્તા હતી. રજવાડાઓની પરંપરા બ્રિટને ચાલુ રહેવા દીધી હતી. હકિકતમાં દિલ્‍હીની કેન્‍દ્રીય સરકારનાં વહિવટ હેઠળનાં પ્રાંતોનું એક હિંદ અને બીજું હિંદ હતું આ રજવાડાઓનું હતું.

જો કે રજવાડાઓએ બ્રિટનની સર્વોપરિતા સ્‍વીકારવી પડી હતી. વાઈસરોયની સર્વોપરિતા સ્‍વીકારી હતી. માત્ર વિદેશ વ્‍યવહાર અને સંરક્ષણબ્રિટનને સોંપ્‍યા હતા. હિંદમાં કુલ ૫૬૫ રાજાઓ, મહારાજાઓ અને નવાબો હતા. હિંદને સ્‍વતંત્રતા પ્રાપ્ત થાય તે પહેલા આ સૌથી વિકટ પ્રશ્ન હતો. જો હિંદનાં રાજપુરૂષો દેશનાં ભાગલા કરાવી શકે તો રાજાઓ દેશનો વિનાશ કરી શકે. હિંદનાં રાજવીઓમાંથી કેટલાક અંધાળિયા સાહસ કરે તેવા હતા.

કેટલાક રાજવીઓ માનતા હતા કે માઉન્‍ટબેટન કોઈ ચમત્‍કાર સર્જશે અને રાજપાટ હેમખેમ રાખશે. પરંતુ માઉન્‍ટબેટને વલ્લભભાઈ પટેલ સમક્ષ આ મુદ્દો રજુ કર્યો. વલ્લભભાઈનાં ખાતા હેઠળ રાજયોની બાબતોને સમાવેશ થતો હતો.

માઉન્‍ટબેટને વલ્લભભાઈને સૂચવ્‍યું કે જો કોંગ્રેસ, રાજવીઓને તેમનાં ખિતાબો, મહેલો, સાલિયાણું, ઈ. ખાસ અધિકારો જાળવી રાખવા મંજુરી આપે તો તેનાં બદલામાં રાજવીઓને સાર્વભોમ હિંદમાં જોડાઈ જવાનું અને સ્‍વતંત્ર થવાનો તેમનો દાવો પડતો મુકવાનું સમજાવી શકાશે. વલ્લભભાઈ મુત્‍સદી હતા. તેમણે માઉન્‍ટબેટનને કહ્યું કે બધા જ રાજવીઓ સામેલ થવા જોઈએ. જો કે ગાંધી, નહેરૂ, સરદાર અને કોંગ્રેસની વિચારધારા એવી હતી કે રાજસત્તાઓનો અંત લાવીને રજવાડાઓને હિંદુસ્‍તાનમાં મેળવી દેવા જોઈએ.

કુલ ૫૬૫ રજવાડાઓમાંથી ૨૦૨ રજવાડાઓ તો માત્ર ગુજરાતમાં હતા. કેટલાક રાજવીઓ હૈદરાબાદનાં નિઝામ, કાશ્‍મીરનાં મહારાજા એવા ૭૫  રાજયો હતા કે જેઓ અત્‍યંત સમૃદ્ધ હતા. ૪૦૦ રાજવીઓ એવા હતા કે જેમનું રાજય ૨૦ ચોરસ માઈલથી મોટું ન્‍હોતું. ઘણા રાજવીઓ સરમુખત્‍યાર વહીવટ કરતા. રાજની આવકને લોકોના કલ્‍યાણમાં નહિ પણ પોતાના ભોગ વિલાસમાં ખરચતા.

તત્‍કાલિન સમયનાં કેટલાક સરમુખત્‍યાર રાજવીઓનો ભયાનક ઈતિહાસ લખાયેલો છે, જેનો ઉલ્લેખ કરવાનું જરૂરી નથી. કારણ કે બધા જ તે સમયનાં રાજવીઓ દુનિયામાંથી વિદાય લઇ ગયા છે. ઈતિહાસ વાંચીએ તો કેટલાક રજવાડાઓનાં કમકમાટી ઉપજાવે તેવા કરતુકો હતા. દ્યણા રાજયો પ્રજા હિત માટે સક્રિય હતા.

રાજવીઓનાં હિત જળવાય તે માટે અંગ્રેજ અધિકારી કોન્‍નાડ કોરફિલ્‍ડ સક્રિય હતા. કારણ કે વર્ષોથી તેઓ રાજવીઓ સાથે જોડાયેલા હતા. માઉન્‍ટબેટનનાં રહસ્‍યમંત્રી પણ હતા. કોરફિલ્‍ડ લંડન પહોંચ્‍યા અને તેમણે રજુઆત કરી કે હિંદનાં રાજવીઓએ પોતાની સત્તાઓ ફક્‍ત બ્રિટીશ શહેનશાહને સુપરત કરી હતી. જે મિનીટે હિંદુસ્‍તાન સ્‍વતંત્ર થાય તે ઘડીએ જ સત્તાઓ રાજવીઓને પાછી મળવી જોઈએ. જો તેમ નહિ થાય તો બ્રિટને તેમની સાથે જે સંધિકરારો કરેલા છે, તેનું ઉલ્લંઘન થશે.

આ અંગે રજવાડાનાં રાજાઓને સમજાવવાની જવાબદારી સરદારે લીધી અને વી. પી. મેનન તેમાં જોડાયા. સૌથી કપરૂં કામ કાશ્‍મીરનાં રાજા તથા હૈદરાબાદનાં નિઝામને સમજાવવાનું હતું. જુનાગઢમાં આરઝી હકુમતની લડતનાં કારણે જુનાગઢ હિંદમાં જોડાયું હતું. કાશ્‍મીર ઉપર હુમલો થાય તેમ હતું એટલે કાશ્‍મીરનાં રાજવીએ હિંદ સાથે જોડાવવાની સંમતિ આપી. એ જ રીતે નિઝામને પણ પરિસ્‍થિતિ સમજાઈ હતી. એટલે તેઓ પણ હિંદમાં જોડાયા. સરદારની મુત્‍સદીગીરીથી તમામ રાજવીઓ સંમત થયા.

બ્રિટનનાં શાસન દ્વારા એવી સૂચના મળી કે રાજા-મહારાજાઓને તેમનાં ખિતાબો, મહેલો, સાલિયાણું તો મળવું જોઈએ. જેનો સ્‍વીકાર કોંગ્રેસ દ્વારા થયો અને ભારતનાં બંધારણમાં રાજવીઓને ખાતરી અપાઈ હતી. સૌરાષ્ટ્રનાં જામનગર અને ભાવનગરને ૧૦-૧૦ લાખ, મોરબી, ગોંડલને ૮-૮ લાખ તથા અન્‍ય રાજવીઓને ૧ હજારથી ૧ લાખ સુધી સાલીયાણું મળ્‍યા. ભાવનગર, રાજકોટ અને ગોંડલનાં રાજવીઓ ગાંધીજીથી દ્યણા પ્રભાવિત હતા અને સૌરાષ્ટ્રમાં સત્‍યાગ્રહ ચાલુ હતા ત્‍યારે સહકાર આપેલ.

જો કે ઈ.સ. ૧૯૭૧ માં કોંગ્રેસની સરકાર હતી અને વડાપ્રધાન ઇન્‍દિરા ગાંધી હતા, જેમણે બંધારણનાં આ બધા પ્રબંધો ઉવેખીને રાજવીઓને અપાયેલા આ મોભાનો અંત લાવ્‍યો.

સંકલનઃ નવીન ઠકકર

મો. ૯૮૯૮૩ ૪૫૮૦૦

(3:38 pm IST)