Gujarati News

Gujarati News

News of Thursday, 14th April 2022

એક કરોડ ૪૦ લાખ ૪૪ હજારના ચેકરિટર્ન કેસમાં નીચેની કોર્ટ દ્વારા થયેલ સજાનો હુકમ યથાવત રાખતી સેસન્‍સ કોર્ટ

નીચેની કોર્ટે એક વર્ષની સજા અને પુરી રકમ ચુકવવાનો હુકમ કર્યો હતો

રાજકોટ,તા. ૧૪: તે રાજકોટના નામાંકીત ફાઈનાન્‍સર કમ બીઝનેશમેન મહેશ શીવાભાઈ ટીલારાને રકમ રૂા.૧,૪૦,૪૪,૦૦૦/- ના ચેક રીટર્ન કેસમાં નીચેની અદાલતે એક વર્ષની સજા તથા રકમ રૂા.૧,૪૦,૪૪,૦૦૦/- ફરીયાદીને વળતર પેટે એક માસમાં ચુકવી આપવા અને તે વળતર ન ચુકવ્‍યે વધુ છ માસની સજા ફરમાવતો ચુકાદો આપેલ તે આરોપીએ સેશન્‍સ અદાલતમાં અપીલના માઘ્‍યમથી પડકારેલ જે અપીલ ચાલી જતા રાજકોટના મહે. એડી. સેશન્‍સ જજ પી.એન. દવેએ નીચેની અદાલતનો ચુકાદો કાયમ કરી આરોપી મહેશ ટીલારાની આપીલ નામંજુર કરતો ચુકાદો ફરમાવેલ છે.

આ કેસની હકીકત જોઈએ તો, અટીકા ઈન્‍ડસ્‍ટ્રીયલ એરીયામાં ઢેબર રોડ સાઉથમાં રાજકોટ મુકામે શીવમ મશીન ટુલ્‍સના નામે ધંધો કરતા અને મવડીમાં પટેલ બોલ્‍ડીંગ બાજુમાં સરદારનગર, શેરી નં.-૭ ની પાસે આવેલ ‘પરમ' મકાનમાં રહેતા આરોપી મહેશ શીવાભાઈ ટીલાળાએ મવડી પ્‍લોટમાં માયાણીનગરમાં રહેતા ફરીયાદી જગદીશભાઈ લીંબાસીયા પાસેથી રકમ રૂા.૧,૪૦,૪૪,૦૦૦/- સને-ર૦૧૬ ના અરશામાં મેળવી તે સબંધે પહોંચ લખી આપી આરોપીએ ફરીયાદીને જણાવેલ કે આરોપીને શીવમ મશીન ટુલ્‍સ, સદગુરૂ મશીન ટુલ્‍સ, કુવાડવા મુકામે શીંગદાણાની ફેકટરી, ફાઈનાન્‍સ વિગેરે બહોળો ધંધો ફેલાયેલ હોય તેમા નાણાની જરૂરત હોય જેથી આરોપીને નાણા આપે તો નફામાંથી યોગ્‍ય વળતર આપવા વચન, વિશ્‍વાસ અને ખાત્રી આપી સૌરાષ્‍ટ્રમાંથી અનેક લોકો પાસેથી કરોડોની રકમ એકત્રીત કરી લઈ લોકોનું કાયદેસરનું લેણુ પરત અદા કરવા આપેલ ચેકો પણ કલીયર થાય તે પહેલા સ્‍ટોપ પેમેન્‍ટ કરાવી લઈ પ્રથમથી જ નાણા ઓળવી જવાનો ઈરાદો રાખી ફરીયાદીનું લેણુ અદા ન કરતા ફરીયાદીએ રાજકોટની અદાલતમાં દસ્‍તાવેજી પુરાવા સાથે આરોપી વીરૂઘ્‍ધ ફરીયાદ દાખલ કરેલ જે કેસ ચાલી જતા નીચેની અદાલતે ઉપરોકત વિગતે સજા ફરમાવેલ હતી. જેની સામે અપીલ કરી હતી.

નીચેની અદાલતે આરોપી મહેશ ટીલારાને એક વર્ષની સજા તથા રકમ રૂા.૧,૪૦,૪૪,૦૦૦/- એક માસમાં ફરીયાદીને વળતર પેટે ચુકવી આપવા અને તેમા કસુર કરે તો વધુ છ માસની સજા ફરમાવતો હુકમ કાયમ રાખી આરોપીની અપીલ નામંજુર કરતો સીમાચીન્‍હરૂપ ચુકાદો ફરમાવવામાં આવેલ છે.

ઉપરોકત કામમાં ફરીયાદી જગદીશભાઈ લીંબાસીયા વતી રાજકોટના એડવોકેટ સુરેશ ફળદુ, બિમલ જાની, ભુવનેશ શાહી, કૃણાલ શાહી, ચેતન ચોવટીયા, રીપલ ગેવરીયા, પાર્થ સંઘાણી, મંથન વીરડીયા રોકાયેલ હતા. (૨૨.૨૯)

(4:18 pm IST)