Gujarati News

Gujarati News

News of Thursday, 14th April 2022

પ્રભુ વિરની જય... રાજમાર્ગો મહાવિરમય બન્‍યા

ભગવાન મહાવિર સ્‍વામીના ૨૬૨૦માં જન્‍મ કલ્‍યાણકની જૈનો દ્વારા ભાવભેર ઉજવણી : રથયાત્રા-ધર્મસભા યોજાઇ : રસ્‍તાઓ ઉપર ગહુલીઓની રચના કરવામાં આવી : વિવિધ ફલોટસ દ્વારા પ્રભુજીની ઝાંખી દર્શાવવામાં આવી

આજરોજ પ્રભુમહાવિર સ્‍વામીના ૨૬૨૦માં જન્‍મકલ્‍યાણક પ્રસંગે સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં જૈનો દ્વારા ભવ્‍ય ઉજવણી કરવામાં આવી હતી. રાજકોટમાં જૈનમ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ વિશાળ રથયાત્રા યોજવામાં આવી હતી. રથયાત્રાની શરૂઆત મણીયાર દેરાસર ખાતે પૂ.જે.પી.ગુરૂજી આર્શીવચન અને માંગલીક સાથે થઇ હતી. આ પ્રસંગે પૂર્વ મુખ્‍યમંત્રી વિજયભાઇ રૂપાણી, જ્‍યોતીન્‍દ્ર મામા, ડે.મેયર દર્શીતાબેન શાહ, જીતુભાઇ ચા વાળા, જીતુભાઇ બેનાણી ચારેય ફિરકાના સંઘોના આગેવાનો, ટીમ જૈનમ તથા મોટી સંખ્‍યામાં શ્રાવક-શ્રાવીકાઓ જોડાયા હતા. વિવિધ ફલોટ્‍સ દ્વારા પ્રભુજીનો સંદેશ આપવામાં આવ્‍યો હતો. પ્રભુજીના રથને શ્રાવકો દ્વારા પુજાના કપડા પહેરી ખેંચવામાં આવ્‍યો હતો. ભવ્‍ય રથયાત્રાનું ઠેર-ઠેર સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું. (તસવીરઃ અશોક બગથરીયા)
રાજકોટ,તા. ૧૪: આજે પ્રભુ મહાવિર જન્‍મકલ્‍યાણક પ્રસંગે સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં નાના-મોટા શહેરોમાં પ્રભુવિરની રથયાત્રા, ધર્મસભા, પ્રભાત ફેરી સહિતના કાર્યક્રમો યોજાયા હતા. બેન્‍ડની સુરાવલી અને ગરબાની રમઝટ સાથે જૈનો મહાવિરમય બન્‍યા હતા. ઠેરઠેર રથયાત્રાનું સ્‍વાગત કરવામાં આવ્‍યુ હતું. રથયાત્રામાં જૈનોના ૨૪ તીર્થકરોની ઝાંખી પ્રભુને કેવલ્‍યજ્ઞાન, અહીંસા પરમો ધર્મ, પ્રભુ વિરનું પારણું સહીતના ફલોટેસે આકર્ષણ જમાવ્‍યું હતું.
ભાવિકોએ સવારે દ્વારા પ્રભુના દર્શન-વંદનનો લાભ લીધો હતો. પૂ.ગુરૂભગવંતો પ્રવચનોમાં પણ પ્રભુ મહાવીરનો સંદેશ આપવામાં આવ્‍યો હતો. આયંબીલ તપ આરાધના સાથે ભગવાન મહાવિર સ્‍વામીના ૨૬૨૦માં જન્‍મ કલ્‍યાણકની ભાવભેર ઉજવણી કરવામાં આવી હતી.
જૈનોની ચૈત્રી માસની આયંબીલ ઓળી પૂર્ણતા તરફ જઇ રહી છે. આકરા તાપમાન વચ્‍ચે જૈનો દ્વારા આયંબિલ તપની આરાધના કરવામાં આવી રહી છે. ૯ દિવસ સ્‍વાદ વિનાનું ભોજન, ધર્મધ્‍યાન દ્વારા જૈનો જિનભકિત કરી રહ્યા છે. શહેરના ઉપાશ્રયોમાં આયંબિલ અર્થે પૂ.ગુરૂભગવંતોના પ્રવચનનો શ્રાવક-શ્રાવિકો બહોળી સંખ્‍યામાં લાભ લઇ રહ્યા છે.
કોરોનાના કપરાકાળમાં બે વર્ષ બાદ નિયમોમાં છુટછાટ મળતા ભાવિકો  જિનભકિતમાં લીન બન્‍યા છે. બાળકોથી લઇ મોટી ઉંમરના શ્રાવક-શ્રાવીકો ધર્મ આરધનાની હેલી સર્જી રહ્યા છે. દેરાસરો-ઉપાશ્રયોમાં ઠેર-ઠેર ધાર્મિક અનુષ્‍ઠાનો યોજાઇ રહ્યા છે.
આજે સવારે મણીયાર દેરાસર ખાતે પૂ.જે.પી. ગુરૂજી આદી સંતો આર્શીવચન અને માંગલીક સાથે રથયાત્રાની શરૂઆત થઇ હતી. આ પ્રસંગે પૂર્વ મુખ્‍યમંત્રી વિજયભાઇ પણ હાજર રહી રથયાત્રાને પ્રસ્‍થાન કરાવ્‍યું હતું. ભગવાન મહાવિર સ્‍વામીના ૨૬૨૦માં જન્‍મ કલ્‍યાણક પ્રસંગે અનેક ધાર્મિક કાર્યક્રમો, શોભાયાત્રા સહિતના આયોજન કરવામાં આવ્‍યા છે. જૈનમ દ્વારા સવારે ૮ કલાકે મણીયાર દેરાસરથી પૂ.ગુરૂભગવંતોના આર્શીવચન અને માંગલીક સાથે અહીંસા પરમો ધર્મના સંદેશ સાથે પ્રભુ મહાવિરની ભવ્‍ય શોભાયાત્રા પ્રસ્‍થાન કર્યું હતું. જે શહેરના રાજમાર્ગો ઉપર ધર્મ સંદેશ પ્રસરાવતી હેમુગઢવી હોલ ખાતે મહાવિર નગરીમાં ધર્મસભામાં પરિવર્તીત થઇ હતી.

 

(4:44 pm IST)