Gujarati News

Gujarati News

News of Wednesday, 15th June 2022

ભારત - આફ્રિકા મેચ સંદર્ભે કલેકટર તંત્રે હેવી વાહનો માટે બહાર પાડેલા જાહેરનામા સામે ધારાસભ્‍ય લલીતભાઇનો ઉગ્ર વિરોધ

એડી. કલેકટર સમક્ષ કગથરા ઉપરાંત અર્જુન ખાટરીયા - પ્રદિપ ત્રિવેદી દોડી આવ્‍યા : જામનગર - રાજકોટથી આવતા ટ્રક - ટ્રેલર - ટ્રેકટરને ૫૦ કિમી ફરવું પડશે : ડીઝલનો ભાવ ૧૦૦ રૂા. થઇ ગયો છે : દર કલાકે ૨૦૦ ટ્રક આ નેશનલ હાઇવે ઉપર નીકળે છે : તંત્ર લોકોને ભારે હાલાકી પડશે તે પણ જૂએ

કલેકટર તંત્રે મેચ અંગે બહાર પાડેલા જાહેરનામા સામે વિરોધ દર્શાવી ધારાસભ્‍ય લલીતભાઇ કગથરા તથા અન્‍ય આગેવાનોએ ઉગ્ર વિરોધ દર્શાવ્‍યો તે નજરે પડે છે.

રાજકોટ તા. ૧૫ : રાજકોટના ખંઢેરી સ્‍ટેડીયમમાં તા. ૧૭ના રોજ રમાનારી ભારત અને સાઉથ આફ્રિકાની ટીમ વચ્‍ચેના ટી-૨૦ મેચમાં રાજકોટ-જામનગર નેશનલ હાઈ-વે આઠ કલાક સુધી બંધ કરવા માટે તંત્ર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્‍યું છે. જેનો ટંકારાના ધારાસભ્‍ય  લલીતભાઈ કગથરાએ જિલ્લા કલેકટર તથા પ્રાંત અધિકારીને રજૂઆત કરીને વિરોધ નોંધાવ્‍યો હતો.

આ અંગે ધારાસભ્‍ય લલીતભાઈ કગથરાએ જિલ્લા કલેક્‍ટર અરૂણ બાબુ અને પ્રાંત અધિકારી ઠાકરને જણાવ્‍યું હતું કે, ખંઢેરી સ્‍ટેડીયમમાં ભારત અને સાઉથ આફ્રિકાની ટીમ વચ્‍ચે તા. ૧૭ના રોજ ટી-૨૦ મેચ રમાવાનો છે. જેના પગલે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રાજકોટ-જામનગર હાઈ-વેને આઠ કલાક સુધી બંધ કરી દેવાનું જાહેરનામું બહાર પાડ્‍યું છે. જે જાહેરનામું લોકોને મુશ્‍કેલીઓમાં વધારારૂપ સાબિત થયું છે. રાજકોટ-જામનગર હાઈ-વે પરથી રોજના હજારોની સંખ્‍યામાં મોટા ટ્રકો પરિવહન કરી રહ્યાં છે. તંત્ર દ્વારા આ હાઈવેને આઠ કલાક સુધી બંધ કરવાનું જાહેરનામું બહાર પાડીને ડાઈવર્ઝન કર્યું છે. ડાઈવર્ઝનના પગલે મોટા ટ્રકોને મીતાણા સુધીનો અંદાજે ૫૦ કિલોમીટર સુધી જવું પડે છે. જેનાથી ટ્રક ચાલકોને મુશ્‍કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

ધારાસભ્‍ય લલીતભાઈ કગથરાએ વધુમાં જણાવ્‍યું હતું કે, એક તરફ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થઈ રહ્યો છે. વર્તમાન સ્‍થિતિમાં ડીઝલનો ભાવ રૂપિયા ૧૦૦ની નજીક પહોંચી ગયો છે. લોકો મોંઘવારીથી પરેશાન થઈ રહ્યાં છે. ત્‍યારે માત્ર એક મેચ માટે થઈને હાઈ-વેને આઠ કલાક સુધી બંધ રાખવામાં આવે તે કેટલું વ્‍યાજબી ગણાય ? ટ્રક ૫૦ કિલોમીટર સુધી લાંબુ થવું પડે છે ત્‍યારે દેશની કુદરતી સંપતિનો અને સમયનો પણ વ્‍યય થઈ રહ્યો છે.

આ અંગે જિલ્લા કોંગ્રેસના પ્રમુખ  અર્જુનભાઈ ખાટરિયાએ જણાવ્‍યું હતું કે, વહીવટી તંત્ર દ્વારા જે જાહેરનામું બહાર પાડવામાં આવ્‍યું છે તેનાથી સામાન્‍ય જનતા અને આસપાસના વિસ્‍તારોમાં રહેતી પ્રજાને હાલાકીનો સામનો કરવાનો સમય આવ્‍યો છે. ખંઢેરી સ્‍ટેડીયમની નજીક આવેલા ગ્રામ્‍ય વિસ્‍તારોની પ્રજાને શહેરમાં આવવા માટે ૫૦ કિલોમીટર સુધી લાંબો રસ્‍તો કાપવો પડે છે.

જેનાથી પ્રજાનો સમય અને દેશની કુદરતી સંપતિનો વ્‍યય થઈ રહ્યો છે. જો તંત્ર મેચ શરૂ થયાના એક કલાક પહેલા અને મેચ પૂર્ણ થયાના એક કલાકના સમયગાળામાં હાઈ-વેને બંધ કરવો જોઈએ. જેનાથી લોકોનો સમય અને દેશની કુદરતી સંપતિનો વ્‍યય થતો બચાવી શકાય અને સામાન્‍ય પ્રજાજનોને હાલાકીનો સામનો કરવો પડે નહીં.

ધારાસભ્‍ય લલીતભાઈ કગથરાની આગેવાનીમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અર્જુનભાઈ ખાટરીયા, શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રદિપભાઈ ત્રિવેદી, માજી ધારાસભ્‍ય ભોળાભાઈ ગોહીલ, પ્રદેશ કોંગ્રેસ અગ્રણી દેવેન્‍દ્રભાઈ ધામીએ જિલ્લા કલેક્‍ટર, એડી. કલેકટર શ્રી કેતન ઠક્કરને રજૂઆત કરી હતી

(3:51 pm IST)