Gujarati News

Gujarati News

News of Wednesday, 15th June 2022

ટ્રકમાં ૪૦ ભૂંડને નિર્દયતા પૂર્વક ખીચોખીચ ભરીને નીકળેલા યુપીના બે શખ્‍સ પકડાયા

મોતીલાલ અને રવિ વિરૂધ્‍ધ માલધારી સોસાયટીના ગોૈસેવક પ્રવિણ સાંચલાની ફરિયાદઃ આજીડેમ પોલીસે બંને સામે પશુ પ્રત્‍યે ઘાતકીપણાનો ગુનો નોંધ્‍યો : ગોૈસેવકે શંકા પરથી ટ્રકનો પીછો કરી અટકાવીને જોતાં ઠાઠામાંથી ભૂંડ મળ્‍યા

રાજકોટ તા. ૧૫: ગ્રીનલેન્‍ડ ચોકડી પાસે રહેતાં ગોૈસેવક ભરવાડ યુવાને શંકાને આધારે એક ટ્રકનો પીછો કરી અટકાવીને જોતાં ઠાઠામાં ૪૦ ભૂંડને ખીચોખીચ નિર્દયતા પુર્વક પુરી રાખેલા જોવા માળતાં ટ્રકના ડ્રાઇવર અને ક્‍લીનર યુપીના બંને શખ્‍સો સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ભૂંડને મુક્‍ત કરાવી બંને વિરૂધ્‍ધ કાયદેસરની કાર્યવાહી કરી હતી.
આજીડેમ પોલીસે આ અંગે ગ્રીનલેન્‍ડ ચોકડી પાસે માલધારી સોસાયટીમાં શાળા નં. ૬૭ સામે રહેતાં પ્રવિણ રઘુભાઇ સાંચલા (ભરવાડ) (ઉ.૨૫)ની ફરિયાદ પરથી ટ્રક ચાલક મોતીલાલ રામચંદ્ર યાદવ (ઉ.૪૦-રહે. ફિરોઝપુર ગામ ફતેહગંજ, જોનપુર યુ.પી.) અને ક્‍લીનર રવી મુન્‍નાલાલ સોનકર (ઉ.૩૯-રહે. રવિન્‍દ્રપુરી મકાન નં. ૧૪૮, મેરઠ કેન્‍ટ યુ.પી.) વિરૂધ્‍ધ પશુ પ્રત્‍યે ઘાતકીપણાની કલમો હેઠળ ગુનો નોંધી કાર્યવાહી કરી છે.
પ્રવિણે પોલીસને જણાવ્‍યું હતું કે હું પરિવાર સાથે રહુ છું અને યાર્ડમાં મજૂરી કરવા ઉપરાંત ગોૈસેવક તરીકે કામ કરુ છું. મંગળવારે રાતે હું આજીડેમ ચોકડીએ હતો ત્‍યારે સાડા અગિયારેક વાગ્‍યે ગ્રીનલેન્‍ડ ચોકડી તરફથી આરજે૦૧જીબી-૧૮૬૬ નંબરનો ટ્રક શંકાસ્‍પદ રીતે આવતાં અને કોઠારીયા રીંગ રોડ તરફ જતાં શંકા જતાં મેં પીછો કરી કોઠારીયા ગામ રોડ રોકડીયા પાર્ટી પ્‍લોટ પાસે અટકાવી ચેક કરતાં ટ્રકના ઠાઠામાં ૪૦ ભૂંડ ખીચોખીચ ભરેલા જોવા મળ્‍યા હતાં. જેમાં પાણી કે ઘાંસચારા સહિતના ભોજનની પણ વ્‍યવસ્‍થા નહોતી.
ટ્રકના ડ્રાઇવરનું નામ પુછતાં મોતીલાલ યાદવ અને ક્‍લીનરે પોતાનું નામ રવિ સોનકર જણાવ્‍યા હતાં. બંને યુપીના હોઇ આ ભૂંડ ક્‍યાંથી ભર્યા ક્‍યાં લઇ જાવ છો? તેમ પુછતાં બંનેએ મોરબીથી ભરીને જેતપુર લઇ જતાં હોવાનું કહ્યું હતું. આ ભૂંડની હેરફેર માટેની કોઇ સક્ષમ અધિકારીની મંજૂરી ન હોઇ અને ટ્રકમાં તેને નિર્દયી રીતે પુરી રાખ્‍યા હોઇ બંને સામે ફરિયાદ નોંધાવી હતી. આજીડેમના એએસઆઇ વી. બી. સુખાનંદીએ ગુનો નોંધી બંનેને અટકાયતમાં લઇ ભૂંડને મુક્‍ત કરાવી આજીડેમ પક્ષીઘર ખાતે હાલ પુરતા રાખવા માટે તજવીજ કરી હતી.

 

(4:32 pm IST)