Gujarati News

Gujarati News

News of Thursday, 15th October 2020

દિનેશ અને જીવણ મુંધવાની વ્યાજખોરીઃ ૨૦ લાખ સામે ૨૧ લાખ દીધા, વધુ ૪૦ લાખ માંગી મુન્નાનું અપહરણ-ધમકી

આજીડેમ ચોકડી માનસરોવર પાર્કના ઢાળીયા પાસે રામપાર્કમાં રહેતાં બંને મુંધવા ભાઇઓ વિરૂધ્ધ સંત કબીર રોડના રિક્ષાચાલક મુન્ના જોગહવાની થોરાળા પોલીસમાં ફરિયાદઃ હરેશ સકંજામાં: મકાન માટે વ્યાજે નાણા લીધા બાદ ભરવાડ યુવાન ફસાઇ ગયો હતો : રૂપિયા નહિ આપ તો મારીને લાશ ડેમમાં નાંખી દઇશ...તું દવા પીને મરી જાજે, મારું નામ લખતો જાજે...દિનેશની ધમકીથી ડરી ગામ છોડવું પડ્યું હતું: અરજી પાછી ખેંચી લેવા પણ ધમકી અપાતી હતી

રાજકોટ તા. ૧૫: વ્યાજખોરીના વધુ એક કિસ્સામાં આજીડેમ ચોકડી પાસે માનસરોવરના ઢાળીયા નજીક રહેતાં મુંધવા (ભરવાડ) બંધુએ સંત કબીર રોડ પર રહેતાં રિક્ષાચાલક ભરવાડ યુવાનને વ્યાજે આપેલા ૨૦ લાખ સામે ૨૧ લાખ જેવી રકમ વ્યાજથી વસુલી લીધા પછી હજુ પણ ૨૦ લાખ મુદ્દલ અને ૨૦ લાખ વ્યાજની ઉઘરાણી ચાલુ રાખી આજીડેમ ચોકડી પાસેથી સ્કોર્પિયોમાં અપહરણ કરી અંદરની તરફ લઇ જઇ મારી નાંખવાની ધમકી આપતાં અને બળજબરીથી તેનો મોબાઇલ ફોન પડાવી લેતાં આ યુવાને થોરાળા પોલીસનો આશરો લેતાં પોલીસે બંને ભાઇઓ સામે મનીલેન્ડ એકટ, અપહરણ, બળજબરી, ધાકધમકી સહિતનો કલમો હેઠળ ગુનો નોંધી એકને સકંજામાં લઇ લીધો છે અને બીજા આરોપીની શોધખોળ હાથ ધરી છે.

બનાવ અંગે થોરાળા પોલીસે સંત કબીર રોડ પર બાલકૃષ્ણ સોસાયટી-૧૧માં મુળુભાઇ જોગહવાના મકાનમાં ભાડેથી રહેતાં રિક્ષાચાલક મુન્ના સવાભાઇ જોગહવા (ભરવાડ) (ઉ.વ.૩૩)ની ફરિયાદ પરથી માનસરોવર પાર્કના ઢાળીયા પાસે રામ પાર્કમાં રહેતાં દિનેશ જીવણભાઇ મુંધવા અને હરેશ જીવણભાઇ મુંધવા નામના બે ભરવાડ ભાઇઓ સામે આઇપીસી ૩૮૬, ૩૮૭, ૩૬૫, ૫૦૬ (૨), ૫૦૪, ૧૧૪, મનીલેન્ડ એકટની કલમ ૩, ૪૦, ૪૨ મુજબ ગુનો નોંધી હરેશને સકંજામાં લઇ લીધો છે.

મુન્નાએ ફરિયાદમાં જણાવ્યું છે કે બે વર્ષ પહેલા મેં માનસરોવર પાસે મફતીયાપરામાં મકાન બનાવેલ ત્યારે પૈસાની જરૂર હોઇ માનસરોવરમાં રહેતાં મિત્ર મારફત દિનેશ અને તેના ભાઇ હરેશ મુંધવાનો સંપર્ક કરી પહેલા દિનેશ પાસેથી રૂ. ૫ લાખ હાથ ઉછીના લીધા હતાં. મકાન બનાવ્યા બાદ તે વેંચવા કાઢ્યું હતું. પણ તે ન વેંચાતા સમયસર પૈસા પાછા ચુકવી શકેલ નહિ. આથી દિનેશે ૧૦ ટકા વ્યાજ વસુલવાનું ચાલુ કર્યુ હતું. જેનું વ્યાજ મેં નિયમીત દર મહિને ભર્યુ હતું. એ પછી ફરીથી નાણાની જરૂર પડતાં દિનેશ પાસેથી બીજા ૬ લાખ લીધા હતાં. જેનું વ્યાજ પણ ચડત થઇ જતાં દિનેશના ભાઇ હરેશ પાસેથી ૯ લાખ લીધા હતાં.

આમ બંને ભાઇઓ પાસેથી કુલ ૨૦ લાખ વ્યાજે લીધા હતાં. આ રકમનું વ્યાજ નિયમીત ભરપાઇ કરીને દિનેશને રૂ. ૧૨,૫૦,૦૦૦ તથા હરેશને રૂ. ૮,૫૦,૦૦૦ ચુકવી દીધા હતાં. પરંતુ આ બંને ભાઇઓ હજુ વધુ વ્યાજ આપવું પડશે તેમ કહી વ્યાજના રૂ. ૨૦ લાખ અને મુદ્દલના રૂ. ૨૦ લાખ મળી કુલ ૪૦ લાખની અવાર-નવાર ઉઘરાણી કરી મારી નાંખવાની ધમકી આપતાં હતાં. દરમિયાન મને ૨૨/૯ના સાંજે દિનેશ કાળા રંગની સ્કોર્પિયોમાં મારા ઘરેથી રોડ પર બોલાવીગાળો દઇ બીજા બે શખ્સોની મદદથી ઢસડીને સ્કોર્પિયોમાં નાંખી આજીડેમથી આગળ સુમસામ જગ્યાએ લઇ ગયા હતાં અને ધમકી આપી હતી કે એક મહિનાની અંદર વ્યાજના રૂપિયા નહિ આપ તો મારી નાંખી લાશ આજીડેમમાં ફેંકી દઇશ, તારે દવા પી મરી જવું હોય તો મરી જાજે અને મારું નામ લખતો જાજે....તેમ કહી મારો સેમસંગ એ-૫૧ મોબાઇલ ફોન પડાવી લીધો હતો. એ પછી મને છોડી દીધો હતો અને ૨૪/૯ના રોજ મેં અરજી કરી હતી. ત્યારબાદ ગભરાઇ જતાં અને જીવવું મુશ્કેલ લાગતાં હું મારા પરિવાર સાથે ઘર છોડી ચોટીલાની એક ધર્મશાળામાં જતો રહ્યો હતો. ત્યારબાદ મને અરજી પાછી ખેંચી લેવા પણ દબાણ કરાયું હતું. અંતે મેં ફરિયાદ નોંધાવી હતી.  પીઆઇ એચ. એમ. હડીયા, પીએસઆઇ જી.એસ. ગઢવી, અજીતભાઇ ડાભી, કેલ્વીનભાઇ સાગર અને ડી. સ્ટાફની ટીમે તપાસ હાથ ધરી હાલ હરેશની ધરપકડ કરી બીજા આરોપીની શોધખોળ હાથ ધરી છે.

હરેશ મુંધવા વિરૂધ્ધ અગાઉ ૮ ગુના નોંધાઇ ચુકયા છે

પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ હરેશ જીવણભાઇ મુંધવા વિરૂધ્ધ અગાઉ અલગ-અલગ પોલીસ સ્ટેશનોમાં આઠ ગુના નોંધાયા છે. જેમાં ડીસીબીમાં રાયોટ, થોરાળામાં આર્મ્સએકટ, ડીસબીના રાયોટ-ધમકી, તાલુકામાં બે ગુના, આજીડેમમાં બે ગુના અને અન્ય એક મળી આઠ ગુના નોંધાઇ ચુકયા છે.

દિનશેે વ્યાજના બદલામાં મારી ૩ વર્ષની દિકરી માંગી લીધી'તી!: મુન્ના જોગહવાએ પોક મુકી

મેં તો પત્નિ-સંતાનો સાથે મરવાનું નક્કી કરી લીધું હતું પણ થોરાળાના પોલીસ ઇન્સ્પેકટર હડીયાએ ખુબ જ સાંત્વના આપી અને તરત ગુનો નોંધ્યો

ફરિયાદી મુન્ના જોગહવાએ ટેલિફોનીક વાતચી દરમિયાન પોક મુકી હતી અને કહ્યું હતું કે-વ્યાજના બદલામાં દિનેશે મારી ત્રણ વર્ષની દિકરી માંગી લીધી હતી! એણે કહ્યું હતું કે તારી દિકરી આપી દે, આપણે વેવાઇ થઇ જઇએ અને તારું વ્યાજ હું માફ કરી દઉ તેમજ તને સામા બીજા પૈસા આપું. તેની આવ વાતથી હું ફફડી ગયો હતો. અત્યાર સુધી હું નિયમીત વ્યાજ ભરતો હતો અને પોલીસ ફરિયાદ પણ કરી નહોતી. પરંતુ ત્રણ વર્ષની દિકરીને લઇ જવાની વાત આવતાં મેં ઘરવાળી અને સંતાનો સાથે મરી જવાનો નિર્ણય કરી લીધો હતો. પરંતુ મિત્રએ થોરાળા પોલીસમાં રજૂઆત કરવા હિમ્મત આપતાં હું ત્યાં ગયો હતો. પોલીસ ઇન્સ્પેકટર હડીયાસાહેબ અને પીએઅસાઇ ગઢવીએ મને શાંતિથી સાંભળ્યો હતો અને ખુબ જ હિમ્મત આપી હતી અને તાત્કાલીક ગુનો નોંધી એક આરોપીને પકડી પણ લીધો હતો. પોલીસે હિમ્મત ન આપી હોત તો કદાચ હું પરિવાર સાથે ખોટુ પગલુ ભરી બેઠો હોત. તેમ જણાવી મુન્ના જોગહવા હિબકે ચડી ગયો હતો. જો કે મુન્નાએ કરેલા આવા ચોંકાવનારા આક્ષેપોની એફઆઇઆરમાં નોંધ નથી. આ વાત તેણે ટેલિફોનીક વાતચીતમાં કરી હતી.

(3:16 pm IST)