Gujarati News

Gujarati News

News of Thursday, 15th October 2020

ગૌરીદડમાં તાલુકા મામલતદારનું દબાણ હટાવ ઓપરેશન ૪૬ દબાણો ઉપર બુલડોઝર ફેરવી દિધુ : ૧ કરોડની જમીન ખુલ્લી

રૂડાને અપાયેલ જમીન ઉપર કાચા મકાનો - ઝુપડા - પ્લીન્થ લેવલના બાંધકામો ઉભા થઇ ગયા હતા

ગૌરીદડમાં ગઇકાલે સાંજે તાલુકા મામલતદારશ્રી કથીરીયા, નાયબ મામલતદાર દેકીવાડીયા તથા અન્ય સ્ટાફે દબાણ હટાવ ઓપરેશન કરી ૩૬૦૦ ચો.મી. જમીન ખુલ્લી કરાવી હતી.

રાજકોટ તા. ૧૫ : રાજકોટ જિલ્લા કલેકટરશ્રી રેમ્યા મોહને માત્ર ૨૦ દિવસના ગાળામાં ત્રીજું દબાણ હટાવ ઓપરેશન પાર પાડી ૧ કરોડ ઉપરાંતની જમીન ખુલ્લી કરાવી હતી.

આ અંગે મળતી વિગતો મુજબ રાજકોટ જિલ્લા કલેકટરના આદેશ બાદ તાલુકા મામલતદારશ્રી કથિરીયા, નાયબ મામલતદારશ્રી વસાણી સર્કલ ઓફિસર શ્રી દેકીવાડીયા તથા અન્યોએ ગઇકાલે સાંજે ઓપરેશન હાથ ધરી ૪૬ દબાણો હટાવી ૧ કરોડની ૩૬૦૦ ચો.મી. જમીન ખુલ્લી કરાવી હતી.

અધિકારી સૂત્રોએ જણાવ્યું હતું કે, કલેકટર તંત્ર દ્વારા ફિલ્ટર પ્લાન્ટ માટે રૂડાને જમીન અપાઇ હતી, પરંતુ આની ઉપર દબાણો ઉભા થઇ જતા, રૂડાએ કલેકટરનું ધ્યાન દોરતા આખરે ગઇકાલે ઓપરેશન હાથ ધરી, જેસીબી - પોલીસના બંદોબસ્ત વચ્ચે કાચા મકાનો, પ્લીન્થ લેવલના બાંધકામો સહિત કુલ ૪૬ દબાણો ઉપર બુલડોઝર ફેરવી દેવાયું હતું.

રૂડાને કલેકટર તંત્રે કુલ ૧૦ એકર જગ્યા ફાળવી છે, તેમાંથી ૧ કરોડની ૩૬૦૦ ચો.મી. જમીન ઉપર દબાણો ઉભા થઇ ગયા હતા, જે દૂર કરી રૂડાને જમીનનો કબ્જો સોંપી દેવાયો હતો, આ જમીનની કિંમત ૧ કરોડ ઉપર થવા જાય છે.

(3:19 pm IST)