Gujarati News

Gujarati News

News of Thursday, 15th October 2020

સુભાષનગરમાં હનુમાનજી મંદિરના પુજારીએ બાજુના સાંઇબાબાના મંદિરમાં ચોરી કરી'તી!

૬૫ વર્ષના જયંતિભાઇ અગ્રાવતની ધરપકડ કરી દાનપેટી કબ્જે કરીઃ બાપા સિતારામ ચોકના શનિદેવ મંદિરમાં થયેલી ચોરીમાં ગુરૂજીનગરના અજયની ધરપકડઃ દાનપેટી અને વાહન કબ્જે : બંનેએ પૈસાની ખેંચ દૂર કરવા મંદિરોમાં હાથ અજમાવ્યાનું કબુલ્યું: ગાંધીગ્રામ અને યુનિવર્સિટી પોલીસે બે મંદિર ચોરીનો ભેદ ઉકેલ્યો

રાજકોટ તા. ૧૫: ગાંધીગ્રામ અને યુનિવર્સિટી પોલીસે બે મંદિરમાં થયેલી ચોરીઓનો ગણતરીના કલાકોમાં ભેદ ખોલી એક વૃધ્ધ પુજારી અને એક યુવાનની ધરપકડ કરી છે. સુભાષનગરમાં સાંઇબાબાના મંદિરમાં ખુદ પુજારી વૈશાલીનગર-૪માં રહેતાં જયંતિભાઇ મોહનભાઇ અગ્રાવત (ઉ.વ.૬૫)એ ચોરી કર્યાનું ખુલતાં તેની ધરપકડ કરવામાં આવી છે.

રૈયા રોડ સુભાષનગર-૬માં આવેલા સાંઇબાબાના મંદિરમાંથી દાનપેટી ચોરાઇ ગઇ હતી. આ અંગે ઉમેશભાઇ અમૃતલાલ દોશીએ ગાંધીગ્રામ પોલીસમાં ફરિયાદ કરી હતી. પીઆઇ કે. એ. વાળા, પીએઅસાઇ આર.એસ. પટેલ, હેડકોન્સ. ખોડુભા જાડેજા, કોન્સ. વનરાજભાઇ લાવડીયા, દિવ્યરાજસ્િંહ જાડેજા, ગોપાલભાઇ પાટીલ, કિશોરભાઇ અને બ્રિજરાજસિંહ ઝાલાએ તપાસ કરતાં ચોરીમાં બાજુમાં આવેલા હનુમાનજી મંદિરના પૂજારી જયંતિભાઇ શંકાના પરીઘમાં આવતાં યુકિત પ્રયુકિતથી પુછતાછ કરતાં તેઓ ભાંગી પડ્યા હતાં અને દાનપેટી ચોરી ગયાનું કબુલી ઘરમાં સ્ંતાડી રાખેલી તાળાબંધ દાનપેટી પોલીસ સમક્ષ રજુ કરી દેતાં તેની ધરપકડ કરવામાં આવી હતી.

વૃધ્ધ પૂજારીએ કહ્યું હતું કે તેના મંદિરમાં હાલમાં ઓછો ચડાવો આવતો હતો અને બાજુના મંદિરમાં દર્શનાર્થીઓ વધુ પૈસા ધરતાં હતાં. પોતે આર્થિક ભીંસમાં હોવાથી દાનપેટી ઉઠાવી લીધી હતી.

જ્યારે યુનિવર્સિટી પોલીસ મથક હેઠળના બાપા સિતારામ ચોકમાં આવેલા શનિદેવ મંદિરની દાનપેટી પણ ચોરાઇ જતાં તપાસ શરૂ થઇ હતી. જેમાં ગુરૂજીનગર આવાસ યોજના કવાર્ટર બ્લોક નં. ૫૭૦ના અજય ચંદ્રકાંતભાઇ પોપટ (ઉ.૩૭)ની ધરપકડ કરવામાં આવી છે. આર્થિક ભીંસ દૂર કરવા ચોરી કર્યાનું તેણે કબુલ્યું હતું. પીઆઇ એ. એસ. ચાવડા, પીએસઆઇ બી. જી. ડાંગર, એએસઆઇ ડી. વી. બાલાસરા, હેડકોન્સ. ફરીદભાઇ શેખ, જુવાનસિંહ ગોહિલ, મહિપાલસિંહ જાડેજા, રવિભાઇ ગઢવી, રાવતભાઇ ડાંગર, દિપકભાઇ ચોૈહાણે આ ભેદ ઉકેલી અજયનું એકસેસ જીજે૦૩એફપી-૮૪૫૭ પણ કબ્જે લીધું હતું.

ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી પી. કે. દિયોરાની રાહબરીમાં બંને પોલીસ સ્ટેશનોની ટીમોએ ડિટેકશન કર્યુ હતું.

(2:39 pm IST)