Gujarati News

Gujarati News

News of Thursday, 15th October 2020

ઇન્જેકશનના કાળાબજારની 'સોય'હજુ પણ કેટલાકને 'ખુંચશે': પ્રયાગ ઉર્ફ લાલા નારીયાના રિમાન્ડ મંગાયા

મોટી ટાંકી ચોકની રાજેન્દ્ર ફાર્મસીના ભાગીદારે ૨૮૦૦વાળા ૬ ઇન્જેકશન ક્રાઇસ્ટ હોસ્પિટલના કોરોનાના દર્દીને વધુ ભાવે વેંચી ૧૦,૨૦૦નો નફો રળ્યો'તોઃ જેલમાં ધકેલાયેલા એમઆર રજનીકાંત ફળદુ પાસેથી લીધા'તા

રાજકોટ તા. ૧૫: કોરોનાના દર્દીઓની સારવારમાં ઉપયોગી ઇન્જેકશનના કાળાબજાર કરવાના કોૈભાંડનો ક્રાઇમ બ્રાંચે પર્દાફાશ કર્યા બાદ એક પછી એક નવા ચહેરા આ કોૈભાંડમાં સામે આવી રહ્યા છે. પોલીસને આશા છે કે હજુ આગળ તપાસમાં બીજા કેટલાકને પણ તપાસની સોંય ખુંચી શકે તેમ છે. ગઇકાલે પોલીસે મોટી ટાંકી ચોકમાં આવેલી રાજેન્દ્ર ફાર્મા પેઢીના ભાગીદાર પ્રયાગ ઉર્ફ લાલો ધીરૂભાઇ નારીયા (ઉ.વ.૩૨-રહે. તંતી પાર્ક, એસ્ટ્રોન સોસાયટી)ની ધરપકડ કરી છે. તેણે ક્રાઇસ્ટમાં દાખલ કોરોનાના દર્દી માટે રૂ. ૨૮૦૦ની એમઆરપી ધરાવતાં ઇન્જેકશન ૪૫૦૦ લેખે વેંચી રૂ. ૨૭૦૦૦ પડાવ્યા હતાં. આ રીતે કાળાબજારથી રૂ. ૧૦૨૦૦નો નફો રળી લીધો હતો. આ શખ્સની વધુ પુછતાછ માટે રિમાન્ડ મેળવવા તજવીજ થઇ રહી છે.

ઇન્જેકશનના ખોટા બીલ બનાવી બારોબાર વેંચી નાંખવાના કોૈભાંડમાં ક્રાઇમ બ્રાંચે અગાઉ ન્યુ આઇડિયલ પેઢીના પરેશ લક્ષમણભાઇ ઝાલાવડીયા અને ઝાયડસ હેલ્થકેરના એમઆર રજનીકાંત પરષોત્તમભાઇ ફળદુની ધરપકડ કરી હતી. આ બંનેએ ૧૯ ડોકટરોને ઇન્જેકશન આપ્યાના ખોટા બીલો બનાવી ૬૪ જેટલા દર્દીઓને બારોબાર વધુ ભાવે ઇન્જેકશન આપી પોતાના ખિસ્સા ભારે કરી લીધા હતાં. ૧૬ તબિબોના નિવેદન નોંધાતા તેમણે આવા કોઇ ઇન્જેકશન પરેશ અને રજનીકાંત પાસેથી લીધા જ નહિ હોવાનું કહ્યું હતું. જે દર્દીઓને ઇન્જેકશન અપાયા હતાં તેવા દર્દીઓના પણ પોલીસે નિવેદન લેવાનું શરૂ કર્યુ હતું.

જેમાં તુલસીભાઇ શેરડીયા નામના દર્દી કે જે ક્રાઇસ્ટમાં કોરોનાની સારવાર માટે દાખલ હતાં તેની પુછતાછ કરતાં તેમણે મિત્ર મારફત રાજેન્દ્ર ફાર્મસીના ભાગીદાર પ્રયાગ ઉર્ફ લાલો પાસેથી ઇન્જેકશન લીધાનું અને છ ઇન્જેકશનના રૂ. ૨૭ હજાર ચુકવ્યાનું કબુલ્યું હતું. એક ઇન્જેશનની બજાર કિંમત રૂ. ૨૮૦૦ હોઇ છતાં તેણે રૂ. ૪૫૦૦ના ભાવથી વેંચી કાળાબજાર કર્યા હોઇ તેની પણ ધરપકડ કરવામાં આવી છે.

પીઆઇ વી. કે. ગઢવીની રાહબરીમાં પીએસઆઇ એમ.વી. રબારી, જયુભા પરમાર, જગદીશભાઇ મેવાડા, પ્રતાપસિંહ ઝાલા, હરદેવસિંહ જાડેજા, યોગેન્દ્રસિંહ જાડેજા, એભલભાઇ બરાલીયા, વિરેન્દ્રસ્િંહ જાડેજા, સોકતભાઇ ખોરમ અને તોરલબેન જોષી વધુ તપાસ કરે છે.

(2:40 pm IST)