Gujarati News

Gujarati News

News of Thursday, 15th October 2020

પરસાણાનગરના હત્યાની કોશિષના ગુનામાં આરોપીની આગોતરા જામીન અરજી મંજુર

રાજકોટ તા. ૧પઃ પરસાણાનગરના ચકચારી હત્યાની કોશીષના ગુન્હામાં બે આરોપીના આગોતરા જામીન અરજીને ગુજરાત હાઇકોર્ટે મંજુર કરી હતી.

આ અંગે પોલીસ કેસની ફરીયાદ પ્રમાણેની ટુંકી વિગત એવી છે. કે, આ કામના ફરીયાદી મુસ્તાક હુશેનભાઇ ખીયાણીને આરોપી નં. ૧ અલ્તાફ સાથે છેલ્લા બે-ત્રણ દિવસથી પૈસાની લેતીદેતી બાબતે બોલાચાલી થયેલ હોય તે બાબતનો ખાર રાખી તા. ૪/૦૭/ર૦ર૦ ના રોજ સાંજે પાંચ સાડા-પાંચ વાગ્યાના અરસામાં ફરીયાદી તેના ઘર પાસે ઉભો હતો ત્યારે આરોપી (૧) અલ્તાફ ખીયાણી (ર) બશીર ખીયાણી (૩) અનવર ખીયાણી (૪) શબીર ખીયાણી (પ) મોસીન મોટાણી (૬) સીકંદર (૭) ઇસ્માઇલ ખીયાણી તથા સોહીલ ખીયાણીએ રાતના ગેરકાયદેસર ટોળું ભેગું કરી લોખંડના ધારીયા તથા લોખંડના પાઇપ લઇ ફરીયાદી મુસ્તાકભાઇને તથા તેના બન્ને મામા હુશેનભાઇ તથા નુરમામદભાઇને જાનથી મારી નાખવા માટે માથામાં ગંભીર ઇજાઓ કરેલ તેમજ ફરીયાદીના બહેનને તથા માતૃશ્રીને પણ માથાના ભાગે ઇજા કરી ગુન્હો કર્યા અંગે હત્યાની કોશીષ રાયોટીંગ, ગેરકાયદેસર મંડળી વિગેરે અન્વયે ઇ.પી.કો. કલમ ૩૦૭, ૩ર૩, ૩ર૪, પ૦૪, ૧૪૩, ૧૪૭, ૧૪૮ વિગેરે કલમો અન્વયે પ્ર.નગર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ દાખલ કરેલી. આ કામમાં નાસતા ફરતા આરોપી ઇસ્માઇલભાઇ હસનભાઇ ખીયાણી તથા સોહીલભાઇ ઇસ્માઇલભાઇ ખીયાણીએ પોતાની સંભવિત ધરપકડ સામે ગુજરાત હાઇકોર્ટમાં પોતાના વકીલ મારફત આગોતરા જામીન અરજી કરેલી હતી.

ગુજરાત હાઇકોર્ટમાં સદરહું આગોતરા જામીન અરજી ચાલી જતાં બચાવ પક્ષના વકીલની બન્ને પક્ષોની રજુઆતો તથા કેસના સંજોગો જેવા કે સી.સી.ટી.વી. ફુટેજમાં આરોપીઓ બનાવ વખતે પોતાના ઘરે હાજર હોવાનો પુરાવો તથા પોલીસ કમિશ્નરશ્રીને કરેલ રજુઆત વિગેરે મતલબની દલીલોના અંતે ગુજરાત હાઇકોર્ટે બન્ને આરોપીઓની આગોતરા જામીન અરજી મંજુર કરેલ છે.

આ કામે આરોપી વતી ગુજરાત હાઇકોર્ટના વકીલ શ્રી વીરાટ પોપટ તથા રાજકોટના વકીલશ્રી રૂપરાજસિંહ પરમાર, અજીત પરમાર તથા ભરત સોમાણી રોકાયેલ હતા.

(2:41 pm IST)