Gujarati News

Gujarati News

News of Thursday, 15th October 2020

રાજકોટ શહેર-જીલ્લામાં નવી ૧૦ રેશનીંગ દુકાનો ખોલવા અંગે મંજૂરી : એક દુકાન અંગે સરકારમાં દરખાસ્ત

રાજકોટ-લોધીકા-ધોરાજી-જસદણ-વિંછીયામાં દુકાનો ખુલશે : એડી. કલેકટરના અધ્યક્ષપદે પુરવઠા સલાહકાર કમીટીની મીટીંગ યોજાઇ

રાજકોટ, તા.૧પ : રાજકોટ જીલ્લા પુરવઠા તંત્રના અધિકારી સૂત્રોએ જણાવ્યું હતું કે, આજે જીલ્લા પુરવઠા સલાહકાર સમિતિથી એડી. કલેકટરશ્રી પરિમલ પંડયા તથા ડીએસઓશ્રી પૂજા બાવડાની અધ્યક્ષતામાં મળેલ મીટીંગમાં રાજકોટ શહેર-જીલ્લામાં સસ્તા અનાજની નવી ૧૦ દુકાનો ખોલવા અંગે મંજૂરી અપાઇ છે, જયારે કોટડાસાંગાણી તાલુકાની એક નવી દુકાન અંગે મંજૂરી માટે સરકારમાં દરખાસ્ત મોકલવા અંગે ઠરાવાયું હતું, કારણ કે આ દુકાન ખોલવા અંગે અરજી કરનાર સ્થાનિક નહિ હોવાનું જણાતા સરકારમાં દરખાસ્ત મોકલવાનું નક્કી કરાયું હતું.

અધિકારી સુત્રોએ ઉમેર્યું હતું કે, રાજકોટ તાલુકામાં મોટામવા અને મુંજકા, લોધીકા પંથકમાં ઢોલરા અને કાંગશીયાણી, ધોરાજીમાં મોટી-નાની વાવડી જસદણ તાલુકામાં જશાપર, વિરનગર, જંગવડ, વિંછીયા તાલુકામાં રૂપાવટી, કંધેવાડીયા અને બાંધણી-સોમલપુરનો સમાવેશ થાય છે.

મીટીંગમાં ભાયાવદર નગરપાલિકાના અધિકારી, ગ્રાહક સુરક્ષાના સભ્ય, ડીસ્ટ્રીકટ રજીસ્ટ્રાર, મદદનિશ નિયામક સહિતના સભ્યો ખાસ હાજર રહ્યા હતાં.

(3:18 pm IST)