Gujarati News

Gujarati News

News of Thursday, 16th February 2023

મયુરસિંહ રાણા ઉપર હુમલા પ્રકરણમાં લોકસાહિત્‍યકાર દેવાયત ખવડ સહિત ત્રણના જામીન અરજી નામંજૂર કરતી અદાલત

કાર પાર્કીંગના ડખ્‍ખામાં મયુરસિંહ રાણા ઉપરના હુમલા પ્રકરણમાં રેગ્‍યુલર જામીન અરજી ફગાવતી કોર્ટ

રાજકોટ, તા. ૧૫ : રાજકોટમાં ઘર પાસે કાર ર્પાકિંગના ડખ્‍ખાની અદાવતમાં સર્વેશ્વર ચોકમાં મયુરસિંહ રાણા પર પાઇપ વડે જીવલેણ હુમલો કરવાના ગુનામાં હાલ જેલહવાલે રહેલા લોકસાહિત્‍યકાર દેવાયત ખવડ સહિત ત્રણેય આરોપીઓએ કરેલી  રેગ્‍યુલર જામીન અરજી ફગાવી દેવાઇ છે.

આ અંગેની હકીકત મુજબ શહેરમાં  ઘર પાસે કાર ર્પાકિંગના ડખ્‍ખાનો ખાર રાખીને લોકસાહિત્‍યકાર દેવાયત ખવડ અને તેના સાગરીતે મયુરસિંહ સંપતસિંહ રાણા ઉપર પાઇપ વડે હુમલો કરી નાસી છૂટયા હોવાની પોલીસફરિયાદ હુમલામાં ઘવાયેલા મયુરસિંહ રાણાએ એ ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવી હતી.

જેમાં લોકસાહિત્‍યકાર દેવાયત ખવડ અને તેના સાગરીત હરેશ ઉર્ફે કનો રબારી તેમજ કાર ડ્રાઈવર કિશન દિલીપભાઈ કુંભરવાડિયા વિરુદ્ધ હત્‍યાની કોશિશ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી લાંબી કાનુની કાર્યવાહી બાદ ત્રણેની ધરપકડ થઈ હતી.

દરમિયાન તપાસના અંતે પોલીસે કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી દીધું છે, દરમિયાન ત્રણેય આરોપીઓએ સેશન્‍સ અદાલતમાં કરેલી જામીન અરજી સંદર્ભે સરકારી વકીલ અને બચાવ પક્ષની દલીલો બે દિવસ પહેલા પૂર્ણ થઈ ગઈ હતી. દરમિયાન આજે એડિશનલ સેશન્‍સ જજ એસ. વી. શર્માએ ત્રણેય આરોપીઓની જામીન અરજી નામંજુરનો હુકમ કર્યો છે. આ કામમાં સરકાર પક્ષે એપીપી મહેશભાઈ જોષી અને સ્‍મિતાબેન અત્રીએ રજૂઆતો કરી હતી.

(3:59 pm IST)