Gujarati News

Gujarati News

News of Thursday, 16th February 2023

દવા ઉત્‍પાદક સંગઠન દ્વારા ડો.કોશિયાનું સન્‍માનઃ કમિશનર તરીકે ૧૪ વર્ષનો કાર્યકાળ

મુંબઇમાં આઇ.ડી.એમ.એ. દ્વારા ગૌરવપૂર્ણ સમારંભ

મુંબઇમાં ઇન્‍ડીયન ડ્રગ મેન્‍યુફેકચરર્સ આયોજિત સમારોહમાં ગુજરાતના ખોરાક અને ઔષધ નિયમન કમિશનર ડો.એચ.જી.કોશિયાનું વિનોદ કોટવાલના હસ્‍તે સન્‍માન કરાયેલ તે પ્રસંગની તસ્‍વીર.

રાજકોટ,તા. ૧૬: તાજેતરમાં મુંબઇ ખાતે યોજાયેલ ઇન્‍ડીયન ડ્રગ મેન્‍યુફેક્‍ચર્સ એશો.નાં ૬૧માં સ્‍થાપના દિનની ઉજવણીનાં ભાગરૂપે યોજાયેલ સમારંભમાં રાજયનાં ડ્રગ કમિશનર ડો. એચ.જી.કોશિયાની નિરંતર ૧૪ વર્ષ રાજયના ખોરાક અને ઔષધ કમિશનર તરીકેની સેવાને બિરદાવીને IDMA દ્વારા નેશનલ ફાર્માસ્‍યુટીકલ પ્રીસીંગ ઓથોરીટીના સભ્‍ય સચિવ ડો.વિનોદ કોટવાલના હસ્‍તે સન્‍માનિત કરવામાં આવ્‍યાં કાર્યક્રમમાં IDMA નાં નેશનલ પ્રેસીડેન્‍ટ ડો. વિરાંચી શાહ દેશની અને દુનિયાની અગ્રણી ફાર્મા કંપની સન ફાર્માના એમ.ડી. ડો. દિલીપ સંઘવી, ફાર્માસ્‍યુટીકલ વિભાગના સંયુકત સચિવ યુવરાજસિંહ, મહારાષ્ટ્ર  ફુડનાં કમિશનર શ્રી કાલે તથા દેશનાં ફાર્મા ઉદ્યોગ જગતનાં અગ્રણીઓ મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહ્યા હતાં.

ડો. કોશિયાએ જાન્‍યુઆરી, ૨૦૦૯થી કમિશ્નર, ખોરાક અને ઔષધ નિયમન તંત્રનો કાર્યભાર સંભાળ્‍યા બાદ રાજયમાં ફાર્મા ઉદ્યોગનો સતત વિકાસ થાય તે માટે         ઇ-ગવર્નન્‍સ, ગુડ ગવર્નન્‍સ, એમ- ગવર્નન્‍સ અને રેગ્‍યુલેટરી કોમ્‍પ્‍લાયંસ અને રાજયમાં મળતી દવાઓની ગણવત્તા ઉપર સતત ચાંપતી નજર રાખીને દેશ અને દુનિયામાં ગુજરાતનું ફાર્મા ક્ષેત્રે અને ખાસ કરીને રેગ્‍યુલેટરી ક્ષેત્રે આગવું નામ બનાવેલ છે તથા પ્રધાનમંત્રીશ્રી નરેન્‍દ્રભાઇ મોદીનાં મેક ઇન ઇન્‍ડિયા કન્‍સેપ્‍ટને મેક ઇન ગુજરાત થકી સુનિશ્ચિત કરવા સતત કામગીરી કરી રહેલ છે. વાયબ્રન્‍ટ ગુજરાત, ગ્‍લોબલ ઇન્‍વેસ્‍ટર સમીટ થકી રાજયમાં ફાર્મા સેકટરમાં MoU કરાવી અને તેને કાર્યવંત કરવામાં મદદ કરીને ગુજરાતને ફાર્માક્ષેત્રમાં દેશનાં અગ્રીમ રાજયમાં સ્‍થાન અપાવવામાં મહત્‍વની ભૂમિકા ભજવેલ છે તથા ગુજરાતને  દવાની ગુણવત્તા બાબતે અને ઉત્‍પાદનક્ષેત્રે દેશમાં મોખરાનું સ્‍થાન જાળવી રાખેલ છે.

કોરોના વૈશ્વિક મહામારીમાં દિન-રાત રાજય સરકાર સાથે અવિરત કામગીરી ચાલુ રાખીને રાજયનાં નાગરિકોને હેન્‍ડ સેનેટાઇઝર, દવાઓ, મેડિકલ ઓક્‍સીજન વગેરે નિયત સમયમાં પર્યાપ્ત માત્રામાં ઉપલબ્‍ધ કરાવવામાં પણ Policy Decision થકી મહત્‍વની ભૂમિકા નિભાવેલ હતી તથા આ વૈશ્વિક મહામારીમાં બનાવટી દવા, બ્‍લેક માર્કેટીંગ દ્વારા લોકોનાં સ્‍વાસ્‍થ્‍ય સાથે છેડાં કરી રહેલ ઇસમો સામે રાજયવ્‍યાપી ગુજરાત પોલીસની મદદ  લઇને દરોડા પડાવી ૫૦ જેટલાં કોર્ટકેસ કરીને અને ૧૦૦થી વધારે વ્‍યક્‍તિઓ સામે પાસા હેઠળ કેસ દાખલ કરીને સમાજમાં દાખલો બેસે તે પ્રકારનાં શિક્ષાત્‍મક પગલાં લેવડાવેલ છે.

રાજયના ખોરાક અને ઔષધ નિયમન તંત્રના સુકાની તરીકે એક દાયકાથી વધુ સેવા આપી ચુકેલ બી.વી.પટેલ, ડો એમ.એ. પટેલ તથા ડો. એસ.પી. આદેશરા બાદ ડો. કોશિયા રાજયના ખોરાક અને ઔષધ નિયમન તંત્રના વડા તરીકે કામગીરી સંભાળી રહેલ છે.

ઉપરોક્‍ત સમગ્ર કામગીરી તથા લાંબા સમયની સેવાઓને બિરદાવી  આઇ.ડી.એમ.એ. દ્વારા ડો. કોશિયાને એવોર્ડ આપી સન્‍માનિત કરેલ છે જે રાજય માટે ગૌરવની બાબત છે. ડો.કોશિયાને મો. ૯૯૭૮૪ ૦૫૦૫૪ ઉપર સતત અભિનંદન મળી રહ્યા છે.

(10:45 am IST)