Gujarati News

Gujarati News

News of Thursday, 16th February 2023

આશુતોષને પ્રસન્ન કરવાનો પર્વ એટલે મહાશિવરાત્રી

વિશ્વાસ સ્‍થાન મેકમ શીડ સ્‍વપ્ને અનંત પાયોથી ત્રસ્‍ત જીવને જયાં મુકિત-વિશ્રામ મળે એ શિવ

અન્‍ન સમાન નહી ઔષધિ. ઔમ સમાન નહી જાપ, શિવ સમાન નહી કો દાતાર, નિંદા સમાન નહી પાપ

ભગવાન ભોળાનાથની આરાધના, સાધના કરવાથી સઘળા, પાપ, તાપ, સંતાપ, આધિ, વ્‍યાધિ, ઉપાધિ દુર થાય છે. મરકટ અને મલીન મન મિંદડું બની અજબ શાતા અનુભવે છે. ચંચળ અને ચલિત ચિંતવન ચંદનવનમાં ફેરવાય છે. દુર કહેતા હર પ્રકારની પીડા દુર થાય છે. યસ, માન, પ્રતિષ્‍ઠા, પ્રભાવ વધે છે, વિજય મળે છે. જીવનનો ફેરો ફળે છે. આવાગમન ટળે છે.

ભગવાન શંકર શકિતના મહાપુંજ છે, અતઃ એની પુજા, અર્ચના, આરાધના કરવાથી અંગ અંગમાં અજબ આભા ઉભરે છે. જીવન મંગલમય બને છે.

ભગવાન મહાદેવ મૃત્‍યુંજયી છે. અતઃ દરેક પ્રકારના અકસ્‍માત તથા અકાળ મૃત્‍યુનો ભય ટળે છે, મોક્ષ મળે છે.(એટલે જ મહામૃત્‍યુંજય-મંત્રની આટલી મહિમા અને મહતા છે.)

શિવ-શકિત યાને અર્ધનારેશ્વરની ઉભય ઉપાસના કરવાથી ગૃહસ્‍થ જીવન, આનંદમય બને છે. ૐ સામ્‍બસદાશિવાય નમઃ નું અવિરત રટણ કરવાથી, ગૃહસ્‍થજીવનમાં કદી કોઇ આફત, આપતી આવતી નથી પણ પારિવારિક પ્રેમને પ્રસન્નતા વધે છે.

ભગવાન કૈલાસપતિ કુબેરના અધિપતિ છે. અતઃ એની આરાધના કરવાથી ઘરમાં ધનના અક્ષય ભંડાર ભર્યા રહે છે. હર અધુરપ મધુરપમાં ફેરવાય છે. અને લક્ષ્મી પ્રસન્નતા પુર્વક પધારે છે.

ભગવાન શંભુ સૌ ભાગ્‍ય દાતા છે, મા પાર્વતી ઇચ્‍છિત વરદાતા છે. તેમનું નિત્‍ય પુજન-અર્ચન કરવાથી મનના મનોરથો પૂર્ણ થાય છે આ ભોળા ભંડારીને ભાવથી ભજે એ તુરત રીઝે. આ અઘૌડદાની આશુતોષને પ્રસન્‍ન કરવાનો પર્વ એટલે મહાશિવરાત્રી. મહાશિવરાત્રીએ વાસ્‍તવમાં રુદ્રોત્‍સવ છે. આને જન્‍મથી મૃત્‍યુ સુધીનો આ ઉત્‍સવ કહેવાય છે. આ દિવસે પશુપતિનાથે તાંડન નૃત્‍યુ કર્યુ હતું. એટલે એને પ્રલયકારી યાને મોક્ષરાત્રિ પણ કહેવાય છે. આ દિવસે ભગવાન ભોળાનાથનું લિંગના સ્‍વરૂપમાં અવતરણ થયુ હતું. એટલે એનો મહાશિવરાત્રી તરીકેનો મોંઘેરો મહિમા છે.

અન્‍ય શિવરાત્રીઓ માસ શિવરાત્રી તરીકે ઓળખાય છે. આમા મહાશિવરાત્રી અને શ્રાવણ શિવરાત્રીનું સવિશેષ મહત્‍વ છે. મહાશિવરાત્રીએ, કાલરાત્રી પ્રલયરાત્રી યાને મોક્ષકારી રાત્રી છે જેથી તેને નિર્ગુણ-નિરાકાર ઉપાસના રાત્રી પણ કહેવાય છે. જયારે શ્રાવણી શિવરાત્રી સગુણ- સાકાર-સકામ ઉપાસના માટે છે.

કહેવાય છેકે, લોક કલ્‍યાણ અર્થે વિશ્વનાથ આ દિવસે માતા પાર્વતી સાથે વિવાહ બંધને બંધાયા હતા. દરેક તીથિઓના અલગ, અલગ અિધષ્‍ઠાતાયાને દેવતા હોય છે. ચૌદશના અધિષ્‍ઠાતા યાને દેવતા ભગવાન શિવ છે. એટલે પણ એનું વિશેૅષ મહત્‍વ છે. અન્‍ય અર્થમાં જોઇએ તો, ચૌદશના દિવસે ચંદ્રમાં સુર્યની નજીક હોય છે. ચંદ્ર એટલે, મન યાને જીવ અને સુર્ય એટલે, પરમાત્‍મા યાને શિવ, જીવ અને શિવના મધુર મિલનનું મહાપર્વ એટલે મહાશિવરાત્રી આ દિવસે રાત્રી પુજનનું સવિશેષ મહત્‍વ છે.

શાષા કથન અનુસાર રા દાનાર્થક શબ્‍દથી રાત્રી શબ્‍દ બન્‍યો છે. રાનો અર્થ છે જે સુખ, શાંતિ અર્પે છે. અર્થાત જે માનવીનું કલ્‍યાણ કરે છે. એવી શુભરાત્રી અન્‍ય અર્થમાં જોઇએ તો દિવસ વ્‍યવહાર માટે છે, જયારે રાત્રી પ્રભુ પ્‍યાર માટે છે.

ગીતામાં પણ જે ભગવાન શ્રીકૃષ્‍ણે સ્‍વમુખે કહયુ છે, વિષયાકત સંસારીઓની જે રાત્રી છે, તે યોગીઓ માટે જાગરણ છે. એટલે જ આ રાત્રીનું મહત્‍વ છે. જયારે ઉપાસનનો અર્થ છે. આહાર નિષેધ. આ આહારનો આપણા શાષામાં વ્‍યાપક અર્થ કરવામાં આવ્‍યા છે જે પણ કંઇ સંચિત કરવામાં આવે તે આહાર છે. એ રીતે, મન, બુધ્‍ધિ અને ઇન્‍દ્રિય દ્વારા જે ગ્રહણ કરવામાં આવે છે તે આહાર છે. આ તમામ આહાર છોડી ઊપ એટલે નજીક પાસે અને વાસ એટલે રહેવું, બેસવું એનુ નામ ઉપવાસ પોતાના ઉપાસ્‍ય દેવ પાસે તમામ વિકાર ભાવ છોડી, અહમ તોડી, સમર્પણ ભાવે આર્તનાદે આરાધના કરવી એનું નામ આરાધના ઉપાસના આ આરાધનામાં નિશિથ કાલનું વિશેષ મહત્‍વ છે. વ્‍યાધિગ્રસ્‍થ વ્‍યકિતએ આ સમયે મહામૃત્‍યુજયના જાપ કરવા જોઇએ યા ૐ નમઃશિવાયનું અવિરત રટણ કરવું જોઇએ. આ મંત્ર બહુ નાનો છે પરંતુ એનો પ્રભાવ પ્રચંડ પ્રભાવક છે. એના અર્થનો આછેરો અણસાર માણીએ તો

ૐ એ પ્રણવમંત્ર છે. પ્ર એટલે પ્રકૃતિ અને નવ એટલે નાવ પ્રકૃતિથી ઉત્‍પન્ન થયેલ અસાર રૂપ સંસાર સાગરને જે નાવ દ્વારા પાર કરાવે તે પ્રણવ જયારે નમઃ શિવાયને વીરશૈવ દર્શનમાં મહામંત્ર દર્શાવાયો છે. આ પંચાક્ષરમાં પાંચ બ્રહ્મ, પાંચ તન્‍માત્રા, પંચ મહાભુત, પાંચ જ્ઞાનેન્‍દ્રિય-કર્મેન્‍દ્રિય વિ.નો સમાવેશ થાય છે. અંતઃ એને મુળમંત્ર કહેવાય છે. જયારે શિવનો સામાન્‍ય અર્થ થાય કલ્‍યાણ કરનાર, સદા સર્વેનું કલ્‍યાણ કરે તે શિવ. શિવનો અન્‍ય અર્થ થાય ‘શ' એટલે નિત્‍યસુખ ઇ એટલે પુરુષ અને ‘વ' એટલે, શકિત આ ત્રણેનો ત્રિવેદી સંગમ એટલે શિવ હજુ જરા ગહેરાઇથી જોઇએ તો, શે તે તિષ્‍ઠતિ સર્વ જગત... જેમાં સમસ્‍ત જગત શયન કરે છે, જે અમંગલનો નાશ કરે છે, જે સદા સર્વદા સર્વેનું કલ્‍યાણ કરે છે, યાને ‘શિ' જે સર્વે પાપોનો નાશ કરવાવાળા ‘વ' એટલે મુકિતદાતા છે, એજ ભગવાન શિવ છે. અને એની સાધના, આરાધના, ઉપાસના, પુજા, અર્ચના કરવાનો મહામુલો અવસર એટલે મહાશિવરાત્રી.

 અનંત પાપોથી ત્રસ્‍ત જીવને જયાં સુખ, શાતા મળે તે શિવ.(૪૦.૨)

સત્‍યમ શિવમ સુન્‍દરમ

ગૌરીશ્વરં શશિશેખરં જટાજુટ સુશોભિતમ

નમસ્‍તે સર્વ પ્રાણાસ્‍તુ સત્‍યં, શિવમ, સુન્‍દરમ

ગંગાધરં ગંગેશ્વરં ભસ્‍માંગે ચ વિભુષિતમ

નમસ્‍તે સર્વ પ્રાણાસ્‍તુ સત્‍યં શિવમ સુંદરમ

ત્રિલોચન ગિરિજાપતિં કંઠે ગરલ ભુષણં

નમસ્‍તે સર્વ પ્રાણાસ્‍તુ સત્‍યં શિવમ સુંદરમ

અર્દ્ધનારીશ્વરં દેવમ સર્વશકિત સમન્‍વિતમ,

નમસ્‍તે સર્વ પ્રાણાસ્‍તુ સત્‍યં શિવમ સુંદરમ

સર્વેશ સર્વકામાના સર્વ રૂપે સમાહિતમ

નમસ્‍તે સર્વ પ્રાણાસ્‍તુ સત્‍યં શિવમ સુંદરમ

અખિલ નિખિલ દેવં અખિલવિશ્વકારણં,

નમસ્‍તે સર્વ પ્રાણાસ્‍તુ સત્‍યં શિવમ સુંદરમ

જયોતિરૂપ સ્‍વયંસિધ્‍ધં સ્‍વયમભુ સ્‍વયંપ્રભુ

નમસ્‍તે સર્વ પ્રાણાસ્‍તુ સત્‍યં શિવમ સુંદરમ

જો યહસ્ત્રોત કરે જો કોઇ,

તુટે બંધન મહાસુખ હોઇ.

વિવિધ ફુલ ચડાવે, વિવિધ ફળ મળે

બિલ્‍લીપત્ર શિવલિંગ ઉપર ચઢાવવાથી લક્ષ્મીપ્રાપ્તી થાય ગૃહશાંતિ માટે દુર્વા  ચડાવાય, આયુ વૃધ્‍ધિ માટે ચંપાના ફુલથી પુજન કરાય, વિદ્યા માટે ચમેલીનું ફુલ ચડાવાય પુત્ર પ્રાપ્તિ માટે કરણના પુષ્‍પો અર્પણ કરાય. શિવ વિષ્‍ણુની પ્રસન્નતા માટે (આમ તો ઉભય અલગ નથી આમા જે ભેદ બુધ્‍ધિ માને છે તે મુર્ખ છે) તુલસીની મંજરી ચડાવાય. આમ વિવિધ વસ્‍તુ (ફુલો) ચડાવવાથી વિવિધ ફળ પ્રદાન થાય(૪૦.૨)

ઘનશ્‍યામ ઠકકર

રગાયત્રી ઉપાસક રાજકોટ

મો. ૯૮૭૯૧ ૨૫૭૨૫

(12:04 pm IST)