Gujarati News

Gujarati News

News of Thursday, 16th February 2023

અમુલ ઇન્‍ડસ્‍ટ્રીઝના ત્રણ કામદારોએ કંપનીના માલિકના ઘર પાસે ફિનાઇલ ગટગટાવી આપઘાતનો પ્રયાસ કર્યો

ત્રણ મહિનાનો પગાર અને બાવીસ મહિનાનું પી.એફ. ન અપાતાં કલેક્‍ટર કચેરીએ ગઇકાલે રજૂઆત કરી હતી : ગોવિંદભાઇ કદાવલા, અશોકભાઇ ચાવડા અને જગદીશભાઇ ઝાલા સારવાર હેઠળઃ માલવીયાનગર પોલીસે પાંચની અટકાયત કરી : હોસ્‍પિટલના બિછાનેથી અશોકભાઇ ચાવડાએ કહ્યું-અગાઉ અમને ખાત્રી અપાઇ હતી કે ૨૫મીએ પગાર મળી જશે ત્‍યારે આંદોલન પુરુ કર્યુ હતું: પણ તારીખ આવતાં માત્ર ૫-૫ હજાર જ આપ્‍યા આથી ફરી આંદોલન કરવું પડયું

રાજકોટ તા. ૧૬ : શહેરની આજી જીઆઇડીસીમાં આવેલી અમુલ ઇન્‍ડસ્‍ટ્રીઝના ૪૦૦ જેટલા કામદારો છેલ્લા ઘણા દિવસોથી પગાર અને પીએફના મુદ્દે હેરાન થઇ રહ્યા છે. મકર સંક્રાંતિના તહેવારના દિવસે ઇન્‍ડસ્‍ટ્રીઝ ખાતે આ મુદ્દે કામદારોએ ધરણા  શરૂ કરી આંદોલનના મંડાણ કર્યા હતાં. જે તે વખતે લેબર કમિશનર દ્વારા દરમિયાનગીરી કરવામાં આવતાં ફેક્‍ટરી તરફથી ખાત્રી અપાઇ હતી કે આગામી ૨૫ જાન્‍યુઆરી-૨૦૨૩ના રોજ બધાને પગાર મળી જશે. પરંતુ આ તારીખે પુરતા પગારને બદલે માત્ર ૫-૫ હજાર જ આપવામાં આવતાં અન્‍યાય થયાની લાગણી સાથે ગઇકાલે આ ઇન્‍ડસ્‍ટ્રીના કામદારોએ કલેક્‍ટરને આવેદન આપ્‍યું હતું. અહિ ત્રણ દિવસથી ભુખ હડતાલ પણ ચાલુ હતી. એ પછી ગત રાતે અગિયારેક વાગ્‍યે કામદારો કંપનીના એમડી દોઢસો ફુટ રીંગ રોડ પર સિલ્‍વર હાઇટ્‍સ ખાતેના નિવાસ સ્‍થાને પહોંચી ગયા હતાં અને ત્‍યાં ધરણા શરૂ કર્યા હતાં. એ દરમિયાન ત્રણ કામદારોએ ફિનાઇલ પી લેતાં હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. જ્‍યારે પોલીસે કામદારોની અટકાયત કરી બાદમાં મુક્‍ત કર્યા હતાં.

જાણવા મળ્‍યા મુજબ કોઠારીયાના ગણેશનગરમાં રહેતાં ગોવિંદભાઇ કાનાભાઇ કદાવલા (ઉ.વ.૩૮), ખોડિયારનગર આજી વસાહતના અશોકભાઇ મુળુભાઇ ચાવડા (ઉ.વ.૩૨) અને થોરાળા સર્વોદય સોસાયટીના જગદીશભાઇ રામજીભાઇ ઝાલા (ઉ.વ.૩૭)એ રાતે નાના મવા રોડ સિલ્‍વર હાઇટ્‍સના ગેઇટ પાસે ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ કરતાં ત્રણેયને સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાતાં હોસ્‍પિટલ ચોકીના તોૈફિકભાઇ જૂણાચે માલવીયાનગર પોલીસને જાણ કરી હતી.

હોસ્‍પિટલના બિછાનેથી અશોકભાઇ ચાવડાએ જણાવ્‍યું હતું કે અમે વર્ષો જુના અમુલ ઇન્‍ડસ્‍ટ્રીઝના કામદારો છીએ. પરંતુ છેલ્લા ત્રણ મહિનાનો પગાર અમને અપાયો ન હોઇ અને બાવીસ મહિનાનું પી.એફ. પણ મળ્‍યું ન હોઇ આ મામલે અમે અગાઉ અનેક સંબંધીતોને રજૂઆતો કરી હતી. અગાઉ અમે હડતાલ કરી ત્‍યારે અમને માલિકો તરફથી અને લેબર કમિશનર તરફથી ખાત્રી અપાઇ હતી કે ૨૫મીએ પગાર મળી જશે. પરંતુ અમને પગારના નામે માત્ર ૫-૫ હજાર રૂપિયા જ ચુકવાયા હતાં. આ કારણે અમે ચારસો જેટલા કામદારોએ ત્રણ દિવસથી કલેક્‍ટર કચેરી ખાતે ફરીથી ધરણા ચાલુ કર્યા હતાં.

એ પછી અમે બધા રાતે સિલ્‍વર હાઇટ્‍સ ખાતે જ્‍યાં કંપનીના એમડી રહે છે તેમના રહેણાંકના ગેઇટ પાસે પહોંચી ધરણા શરૂ કર્યા હતાં. ત્‍યાં પોલીસ આવી જતાં અને અટકાયત શરૂ થતાં અમે  પાંચ લોકોએ આત્‍મવિલોપનનો પ્રયાસ કરી ફિનાઇલ પી લીધી હતી. જેમાંથી મારા સહિત ત્રણ જણા પી ગયા હતાં અને બાકીના બે પીવે એ પહેલા પોલીસે અટકાવી લીધા હતાં.

માલવીયાનગર પીઆઇ આઇ. એન. સાવલીયા, પીએસઆઇ એમ. એસ. મહેશ્વરી, મસરીભાઇ ભેટારીયા સહિતની ટીમે પહોંચી કેટલાકની અટકાયત કરી હતી. જેમાં જગદીશભાઇ પરબતભાઇ જળુ (રહે. આશાપુરા-૨), રાજેશભાઇ પ્રહલાદભાઇ પ્રજાપતિ (રહે. વેલનાથ પાર્ક કોઠારીયા રોડ), સંદિપભાઇ સુરેશભાઇ ત્રિવેદી (રહે. સ્‍વાતિ પાર્ક કોઠારીયા), બિપીનભાઇ સવજીભાઇ ચોવટીયા (રહે. લક્ષ્મીનગર-૩) અને પરેશભાઇ જીવાભાઇ ચાવડા (ઉરહે. ન્‍યુ સાગર સોસોયટી કોઠારીયા રોડ)ની સામે અટકાયતી પગલા લીધા બાદ મુક્‍ત કરાયા હતાં. બીજી તરફ હોસ્‍પિટલમાં દાખલ થયેલા ગોવિંદભાઇ, અશોકભાઇ અને જગદીશભાઇના નિવેદન નોંધવા પોલીસે તજવીજ કરી હતી.

ઉલ્લેખનિય છે કે અમુલ ઇન્‍ડસ્‍ટ્રીઝના ચારસોથી વધુ કામદારો પગાર અને પી.એફ.ના મુદ્દે લાંબા સમયથી લડત ચલાવી રહ્યા છે. આમ છતાં ન્‍યાય ન મળતાં ફરીથી આંદોલન શરૂ કરતાં અને આ વખતે કામદારોએ આપઘાતનો પ્રયાસ કરતાં ચકચાર જાગી છે. સંબંધીતો સત્‍વરે ન્‍યાયી કાર્યવાહી કરી કામદારોનો પ્રશ્ન ઉકેલે તેવી માંગણી થઇ રહી છે.

(1:54 pm IST)