Gujarati News

Gujarati News

News of Thursday, 16th February 2023

રાજકોટના નગરજનો આનંદો... પ્રોપર્ટી ટેક્ષમાં નવો જંત્રી દર ૩ વર્ષ લાગુ નહીં થાય

શહેરીજનોને મળશે ૨૦૦ થી ૨૫૦ કરોડની રાહતઃ મ્‍યુનિ. ટેક્ષ બીલમાં જંત્રીના દરમાં થયેલા વધારાનો અમલ ૩ વર્ષ સુધી મુલત્‍વીઃ અમદાવાદના પગલે રાજકોટના શહેરીજનોને પણ રાહત આપતા શાસકો : શહેરીજનો પર વધારાનો બોજ નહીં નાખીને વધારાની કરોડોની સંભવિત આવક જતી કરી પ્રજાલક્ષી નિર્ણય લેતા મનપાના શાસકો

પ્રજાની ચિંતા હળવી કરતા શાસકો:મનપા દ્વારા નવા જંત્રી દર મુજબ મિલ્‍કત વેરો વસુલવાની દરખાસ્‍ત ૩ વર્ષ માટે પાછી ઠેલી છે. જે અંગે આજે મેયર ડો. પ્રદીપ ડવ, સ્‍ટેન્‍ડીંગ ચેરમેન પુષ્‍કર પટેલ તથા શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીએ પત્રકારોને માહિતી આપી હતી અને પ્રજાની ચિંતા હળવી કરી હતી ત્‍યારની તસ્‍વીર. (તસ્‍વીર : સંદીપ બગથરિયા)

રાજકોટ તા. ૧૬ : અમદાવાદ કોર્પોરેશનની પહેલ બાદ રાજકોટ મનપાએ પણ જંત્રીના દર વધે તો પણ ૩ વર્ષ સુધી મિલ્‍કત વેરો જુના દરે જ લેવાનો નિર્ણય કર્યો છે. જેથી શહેરીજનોને વધારાનો બોજો આવવાની ચિંતા કમિશનર અમિત અરોરા, મેયર ડો. પ્રદીપ ડવ, સ્‍ટેન્‍ડીંગ ચેરમેન પુષ્‍કર પટેલ તથા શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીએ પાછી ઠેલી છે.

આ અંગે પદાધિકારીઓએ વિગતો આપતા જણાવેલ કે, શહેરમાં કુલ ૫.૫૭ લાખ મિલ્‍કતો મનપાના ચોપડે નોંધાયેલી છે. જો નવા જંત્રી દર મુજબ મિલ્‍કત વેરો લેવામાં આવે તો મનપાને લગભગ ૨૦૦ થી ૨૫૦ કરોડની વધુ આવક થવાની પણ શકયતાઓ હતી. પણ પ્રજા ઉપર વધારાનો બોજ લાદવાનો શાસકોનો હેતુ ન હોય તેથી મિલ્‍કત વેરો ૩ વર્ષ જુના જંત્રી દર મુજબ જ વસુલવાનું નક્કી કરાયું છે.

સરકાર દ્વારા જંત્રી દર વધારો તાત્‍કાલિક અસરથી એપ્રીલ સુધી મોકુફ રાખ્‍યો છે. જો જંત્રી દરમાં બમણો વધારો આવે તો મનપાને પણ મિલ્‍કત વેરામાં બમણી આવક થાય. પણ શાસકો દ્વારા આ નવા જંત્રી દરનો મિલ્‍કત વેરામાં વધારો ૩ વર્ષ માટે મુલત્‍વી રાખ્‍યો છે.

રાજકોટ શહેરમાં કાર્પેટ એરિયા પધ્‍ધતિ લાગુ થઇ ત્‍યારથી મિલ્‍કત વેરો ૪ ફેકટરમાં ગણવામાં આવે છે. જેમાં ફેકટર ૧માં વિસ્‍તાર (રહેણાંક અને કોમર્શિયલ), ફેકટર ૨ માં મિલ્‍કતની ઉંમર પ્રમાણે, ફેકટર ૩માં મિલ્‍કતનો વપરાશ મુજબ તથા ફેકટર ૪માં ભાડે તથા પોતાની આ રીતના ફેકટર મુજબ તંત્રએ નક્કી કરેલા દર મુજબ જનરલ ટેકસ ગણવામાં આવે છે. સામાન્‍ય રીતે રહેણાંકમાં બેઝીક જનરલ ટેકસ એક ચો.મી.એ ૧૧ રૂપિયા તથા કોમર્શિયલમાં ૧ ચો.મી.એ ૨૨ રૂપિયા વસુલવામાં આવે છે. નવા નાણાકીય વર્ષથી એટલે કે એપ્રિલ માસ બાદ કોમર્શિયલ મિલ્‍કતમાં ૧ ચો.મી.એ ૨૫ રૂપિયા વસુલવામાં આવશે અને ફેકટરની એજમાં પણ ૫ ના બદલે ૩ અને દરમાં પણ ફેરફાર કરવામાં આવ્‍યો છે. જ્‍યારે ગર્વમેન્‍ટ ઓફિસો, પાર્ટી પ્‍લોટ, શૈક્ષણિક સંસ્‍થાઓ, હોસ્‍પિટલ તથા બેંક, ફાઇનાન્‍સીયલ સંસ્‍થાઓ સહિતની મિલ્‍કતોના દર અલગ-અલગ નક્કી કરવામાં આવેલ છે.

જો જંત્રી મુજબ ફેકટર ૧માં વિસ્‍તાર મિલ્‍કત વેરો વસુલવામાં આવે છે. સરકાર દ્વારા હાલ એપ્રિલ મહિના સુધી જંત્રી દર વધારો મુલત્‍વી રાખવામાં આવ્‍યો છે. જો બાદ જંત્રી દર વધારવામાં આવે તો અને બમણો થાય તો રાજકોટ મહાનગરપાલિકાને વેરાની અંદાજીત ૨૦૦ થી ૨૫૦ કરોડ સુધીની આવક થાય તેમ છે પરંતુ શહેરીજનો પર વધારાનો બોજ ન પડે તે માટે શાસકો દ્વારા ત્રણ વર્ષ સુધી જંત્રી દર લાગુ નહિ કરવા નિર્ણય કરવામાં આવ્‍યો છે જે અંગે પદાધિકારીઓ અને અધિકારીઓ દ્વારા આજે જાહેરાત કરવામાં આવી હતી.

(3:29 pm IST)