Gujarati News

Gujarati News

News of Thursday, 16th February 2023

સટોડીયાઓ બેકાબુઃ સીંગતેલમાં વધુ ૩૦ રૂા.ના ઉછાળા સાથે ચાર દિ'માં ડબ્‍બે ૧૬૦ રૂા. વધ્‍યા

મગફળીના ભાવ સ્‍થિર અને કાચા માલની અછત ન હોવા છતાં રોજેરોજ સીંગતેલના ભાવમાં છાપાછાપીઃ પુરવઠા તંત્ર જાગશે?

રાજકોટ તા. ૧૬: સિંગતેલના ભાવો વધારવામાં સટોડીયાઓને જાણે કોઇનો ડર ન હોય તેમ બેકાબુ બન્‍યા છે. સતત ચોથા દિવસે આજે સિંગતેલમાં વધુ ૩૦ રૂા.નો ઉછાળો થયો છે.

સ્‍થાનીક બજારમાં કાચા માલની અછતના અહેવાલે આજે પણ સિંગતેલમાં ૩૦ રૂા. વધ્‍યા હતા. સિંગતેલ લુઝ (૧૦ કિ.ગ્રા.) ના ભાવ ૧૭૩પ રૂા. હતા તે વધીને આજે બપોરે ૧૭પ૦ રૂા. ભાવ બોલાયા હતા. સિંગતેલ નવા ટીનના ભાવ ર૮પ૦ થી ર૯૦૦ રૂા. હતા તે વધીને ર૮૮૦ થી ર૯૩૦ રૂા.ની સપાટીએ ભાવ પહોંચ્‍યા છે.

સિંગતેલમાં ચાર દિ' પૂર્વે પ૦ રૂા.ના ઉછાળો થયા બાદ રોજબરોજ સટોડીયાઓ ભાવમાં છાપાછાપી કરી રહ્યા છે. છેલ્લા ચાર દિ'માં સિંગતેલ ડબ્‍બે ૧૬૦ રૂા.નો તોતીંગ ભાવવધારો થયો છે.

રાજકોટ સહિત સૌરાષ્‍ટ્રના યાર્ડોમાં મગફળીના ભાવો સ્‍થિત હોવા છતાં અને કાચા માલની અછત ન હોવા છતાં કાચા માલની અછતના બહાને સટોડીયાઓ ભાવો વધારી રહ્યા હોવાની વેપારી વર્તુળોમાં ચર્ચા થઇ રહી છે.

૪ દિ'માં સીંગતેલ ડબ્‍બે ૧૬૦ રૂા.નો ભાવ વધારો થતા મોંઘવારીના ચક્રમાં પીસાતી પ્રજાને વધુ એક ભાવ વધારો ડામ સહન કરવો પડી રહ્યો છે.

સીંગતેલના સતત ભાવવધારા અંગે પુરવઠા તંત્ર તપાસ કરી યોગ્‍ય પગલા ભરે તેવી લોકલાગણી પ્રવર્તે છે.

(3:33 pm IST)