Gujarati News

Gujarati News

News of Thursday, 16th February 2023

બીએસએનએલ ના રિચાર્જના નામે વ્‍હોટ્‍સએપમાં લિંક આવી, ઓપન કરી અને ખાતામાંથી રૂપિયા ઉપડી ગયા

લાઇટ બીલ, ફોન રિચાર્જના નામે સાઇબર ક્રાઇમ આચરનારા ગઠીયાઓનું વધુ એક કારસ્‍તાનઃ લોકો જાગૃત બને તે જરૂરીઃ ઇન્‍ટરનેટનો ઉપયોગ સાવધાનીથી કરો

રાજકોટ તા. ૧૬: સાયબર ક્રાઇમની દુનિયામાં એક ભુલો ને બીજો નુસ્‍ખો લોકોને છેતરવા માટે તૈયાર રખાતો હોય છે. એક આખી ટોળકી આ પ્રકારના ગુના આચરતી હોય છે. નવી નવી તરકીબોનો ઉપયોગ કરી લોકો સાથે ઓનલાઇન છેતરપીંડી કરી તેમના બેંક એકાઉન્‍ટમાંથી બારોબાર નાણા ઉપાડી લેવામાં આવતાં હોય છે. પીજીવીસીએલનું બીલ બાકી છે, ભરપાઇ કરી દેજો નહિતર લાઇટ કનેક્‍શન કપાઇ જશે, તમારું બીએસએનએલ રિચાર્જ ખતમ થવા પર છે, તુરંત રિચાર્જ કરજો નહિતર  કોલ સુવિધા બંધ થઇ જશે...આ પ્રકારના મેસેજીસ મોકલીને લોકોને ગભરાવી તેઓને ઓનલાઇન રિચાર્જ કરાવવા માટે તૈયાર કરી વ્‍હોટ્‍સએપમાં લિંક મોકલી ઓપન કરાવી બારોબાર જે તે વ્‍યક્‍તિના એકાઉન્‍ટમાંથી નાણા ઉપાડી લેવામાં આવે છે. રાજકોટમાં વધુ એક આવી ઘટના બની છે. જેમાં બીએસએનએલના રિચાર્જના નામે એક મહિલા સાથે અંદાજે સાંઇઠ હજારથી વધુની ઠગાઇ થઇ છે.

જાણવા મળ્‍યા મુજબ શહેરના એક પરિવારના મહિલા બીએસએનએલનું સીમકાર્ડ વાપરતાં હોઇ તેમને કાર્ડ રિચાર્જ કરાવવા માટેનો એક મેસેજ વ્‍હોટ્‍સએપથી મળ્‍યો હતો. તેઓ વધુ કંઇ વિચાર્યા વગર આ મેસેજ કંપની તરફથી જ આવ્‍યો હશે તેમ સમજી મેસેજની સુચનાને અનુસરવા માંડયા હતાં. એ પછી સાયબર ફ્રોડ કરનારે તેમને એક દસ રૂપિયાનું રિચાર્જ કરવા મેસેજ મોકલી એક લિંક મોકલી હતી. મહિલાએ આ લિંક ઓપન કરી દસ રૂપિયાનું રિચાર્જ કર્યુ હતું. એ પછી થોડી જ વારમાં તેમના બેંક એકાઉન્‍ટમાંથી હજારો રૂપિયા બારોબાર ઉપડી જતાં તે ચોંકી ગયા હતાં. સાયબર ફ્રોડ થયાની બાદમાં તેમને ખબર પડતાં પોલીસને જાણ કરવા તજવીજ કરી હતી.

અવાર-નવાર ગઠીયાઓ સાયબર ક્રાઇમ આચરી લોકોને શિકાર બનાવતાં હોય છે.  વિજળીનું બીલ ભરવાના નામે પણ મેસેજ મોકલીને ઠગાઇ કરવામાં આવતી હોય છે. બેંકના નામે પણ ફોન કરીને છેતરપીંડી થતી હોય છે. લોકો આવા ચીટરોથી સાવચેત રહે તે માટે સાયબર ક્રાઇમ પોલીસ સતત લોકોને જાગૃત રહેવા અપીલ કરતી રહે છે. લોકોએ ઇન્‍ટરનેટનો ઉપયોગ કરવામાં સાવધાની રાખવી જોઇએ અને ખાસ કરીને અજાણ્‍યા મેસેજ કે જે ટેક્‍સ્‍ટ સ્‍વરૂપે હોય કે પછી વ્‍હોટ્‍સએપ અથવા બીજા કોઇ માધ્‍યમથી આવ્‍યા હોઇ તેની ચકાસણી કર્યા વગર અનુસરવું જોઇએ નહિ. સાયબર કઇમથી બચવા લોકોએ જાતે જાગૃત બનવું જરૂરી છે.

(4:59 pm IST)