Gujarati News

Gujarati News

News of Thursday, 16th February 2023

પૂ.દિપકભાઇ દેસાઇ ૧૮મીથી રાજકોટમાં: સત્‍સંગ-જ્ઞાનવિધિ કાર્યક્રમ

પ.પૂ.દાદા ભગવાન દીક્ષિત અને પુ.ડો.નિરૂમાના સહઅધ્‍યાયી આત્‍મજ્ઞાની

રાજકોટઃ જીવનના સુખ અને દુઃખમાંથી કાયમી મુકિતનો અનુભવ કરાવતો પ્રશ્નોતરી સત્‍સંગ અને જ્ઞાનવિધિનો કાર્યક્રમ રાજકોટના આંગણે તા.૧૮થી ૨૦ ફેબ્રુઆરી(શનિથી ૃસોમ) દરમ્‍યાન યોજાયેલ છે.

પોતાના સાચા સ્‍વરૂપની ઓળખાણ થકી જીવનના સુખ અને દુઃખમાંથી કાયમી મુકિતનો અનુભવ કરાવતો સત્‍સંગ અને જ્ઞાનવિધિનો કાર્યક્રમ, રાજકોટમાં ૧૫૦ ફુટ રીંગરોડ ઉપર સ્‍થિત ઓપન ગ્રાઉન્‍ડ, બાલાજી હોલની પાછળ, ધોળકીયા સ્‍કુલની સામે, ૧૫૦ ફુટ રીંગરોડ, રાજકોટના આંગણે તા.૧૮થી ૨૦ ફેબ્રુઆરીના રોજ યોજવામાં આવેલ છે.

સંસ્‍થાની યાદીમાં જણાવ્‍યા મુજબ આ દુષમકાળમાં મનુષ્‍યની શાશ્વત સુખ માટેની શોધ મૃગજળ સમાન રહે છે. ત્‍યાં દુઃખોની પરંપરા જીવનમાં ચાલ્‍યા જ કરે છે. અનંત કાળથી ભટકતા જીવને કયાંય કોઇ વસ્‍તુમાં, કોઇ વ્‍યકિતમાં એ સુખની પ્રાપ્તિ થતી નથી અને આ કાળચક્રમાં સપડાઇ જન્‍મ-મરણના ફેરામાં અટવાયેલો રહે છે. આ કળીકાલના કળયુગી જીવો માટે રણમાં મીઠી વીરડી સમાન અક્રમ વિજ્ઞાની દાદા ભગવાન પ્રગટયા અને લાખો લોકોને આત્‍મજ્ઞાન પમાડી આત્‍યંતિક મુકિતનો સ્‍વાદ ચખાડયો. આ આત્‍મજ્ઞાન મળ્‍યા પછી દેહ અને આત્‍માનો છુટાપો વર્તાય છે. પોતાના દોષો દેખાય છે અને સમતાપુર્વક પોતાના કર્મો ખપાવીને આત્‍માનંદ વર્તાયા કરે છે.

પુજય શ્રી દીપકભાઇ દેસાઇ સાથે અનુક્રમે સુઝ-કોમન સેન્‍સ અને પિછાણ અસલી જ્ઞાની તણી વિષયો ઉપર પ્રશ્નોતરી સત્‍સંગ યોજવામાં આવેલ છે. જેમાં આ વિષયોની ઊંડી છણાવટ સાથે વ્‍યવહાર અને અધ્‍યાત્‍મને લગતા મૂંઝવતા પ્રશ્નોનું સમાધાન મેળવી શકાશે. જ્ઞાનવિધિ એ આત્‍મસાક્ષાત્‍કાર માટેનો બે કલાકનો અદભુત વૈજ્ઞાનિક પ્રયોગ છે. જેમાં સસાંર વ્‍યવહારની ફરજો બજાવવા છતા એકપણ ચિંતા કે દુઃખ સ્‍પર્શે નહી તે રીતે જીવન જીવવાની ઉમદા સમજણ પ્રદાન થાય છે. દેશ વિદેશના લાખો લોકો આ સમજણ પ્રાપ્ત કરીને જીવનને સુખમય બનાવી શકયા છે.

એટલું જ નહી, આપ ઘેર બેઠા જ્ઞાનગંગા માણી શકો તે માટે દુરદર્શન, અરિહંત, આસ્‍થા, રિશ્‍તે, ટીવી એશિયા વગેરે ટીવી ચેનલો ઉપર પુજય નીરુમા અને પુજય દિપકભાઇના પ્રશ્નોતરી સત્‍સંગનું ગુજરાતી અને હિન્‍દી ભાષામાં નિયમિત પ્રસારણ કરવામાં આવે છે. અક્રમ વિજ્ઞાન અને જ્ઞાનવિધિની વધુ વિગત()વેબસાઇટ ઉપર મેળવી શકાશે

પરમ પુજય દાદા ભગવાન દીક્ષિત તથા પુજય ડો.નીરૂમાના સહાધ્‍યાયી આત્‍મજ્ઞાની પુજય દીપકભાઇ દેસાઇ થકી આધ્‍યાત્‍મ અને વ્‍યવહાર સંબંધી ઊંડી સમજણ અને આત્‍મજ્ઞાન પ્રાપ્ત કરવાનો અમુલ્‍ય અવસર સૌના પુણ્‍યોદયથી આવી રહયો હોય સૌને લાભ લેવા અનુરોધ કરાયો છે.

કાર્યક્રમની વિગત

પ્રશ્નોતરી સત્‍સંગ તા.૧૮ અને ૨૦ ફેબ્રુઆરી સાંજે ૭થી ૧૦, અને જ્ઞાનવિધિ કાર્યક્રમ ૧૯ ફેબ્રુઆરી સાંજે ૫.૩૦થી ૯ કલાકે, સ્‍થળઃ ઓપન ગ્રાઉન્‍ડ, બાલાજી હોલની પાછળ, ધોળકીયા સ્‍કુલની સામે, ૧૫૦ ફુટ રીંગરોડ, રાજકોટના આંગણે યોજવામાં આવેલ છે. વધુ માહિતી માટે મો.૯૮૭૯૧ ૩૭૯૭૧

(4:11 pm IST)