Gujarati News

Gujarati News

News of Thursday, 16th February 2023

એકનો એક કંધોતર ગુમાવનારા પિતા ૨૧ દિવસ પછી પણ ન્‍યાયથી અળગાઃ મોતનો ખાડો ખોદનારા જવાબદારો પોલીસ પક્કડથી દૂર

રૈયા ટેલિફોન એક્ષચેન્‍જ પાસે મ્‍યુ. કોર્પોરેશન દ્વારા પિલોર બનાવવા માટે ખોદેલા ખાડામાં બાઇક સહિત પટકાતાં થયું હતું યુવાનનું મોત : દિકરા હર્ષને ગુમાવનારા પિતા અશ્વિનભાઇ ઠક્કર કહે છે-ખાડા આડે આડસ હોત તો કદાચ મારા દિકરાને માત્ર ઇજાઓ થઇ હોત, તેનો જીવ તો ન જ ગયો હતોઃ મ્‍યુ. કોર્પોરેશને રણજીત બીલકોનને કોન્‍ટ્રાક્‍ટ આપ્‍યો હતોઃ પોલીસ સત્‍વરે તપાસ કરી ન્‍યાય અપાવેઃ સાંસદ રામભાઇ મોકરીયાએ પણ ડીસીપી દેસાઇને તુરંત કાર્યવાહી માટે રજૂઆત કરી

મ્‍યુ. કોર્પોરેશનના લાપરવાહ કોન્‍ટ્રાક્‍ટર સહિતની બેદરકારીને કારણે એકનો એક દિકરો ગુમાવનારા લાચાર પિતાએ અકિલા'ના મોભીશ્રી કિરીટભાઇ ગણાત્રા સમક્ષ પોતાની વ્‍યથા ઠાલવી હતી (ફોટોઃ સંદિપ બગથરીયા)

આશાસ્‍પદ એકનો એક આધારસ્‍તંભ હર્ષ ઠક્કર

આ છે મોતનો ખાડો

રાજકોટ તા. ૧૬: આજે એકવીસ દિવસ વીતી ગયા છે છતાં મારા દિકરાના મોત માટે જવાબદાર એવા મોતના ખાડાને ખોદનારા કોણ? એ તંત્રવાહકો જાણી શક્‍યા નથી. મારા એકના એક દિકરાના મોત માટે જવાબદાર લોકો હજુ પણ બહાર ઘુમી રહ્યા છે, પોલીસ પક્કડથી દૂર છે. જો એ ખાડા ફરતે કોન્‍ટ્રાક્‍ટર કે જે તે જવાબદાર વ્‍યક્‍તિએ આડસ મુકી હોત તો કદાચ મારા દિકરાને માત્ર ઇજાઓ થઇ હોત અને એ કદાચ આજે જીવતો હોત, ખાડા ફરતે કોઇ આડસ ન હોવાથી મારો દિકરો બાઇક સહિત અંદર પડી ગયો હતો અને તેને સળીયા ખુંચી જતાં તેનું મોત થયું હતું. મેં આ બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાવી છે પરંતુ આજે ઘટનાના ૨૧ દિવસ પછી પણ મને ન્‍યાય મળ્‍યો નથી'...આવો વલોપાત આજે રૈયા ટેલિફોન એક્ષચેન્‍જ પાસે અકસ્‍માતમાં મૃત્‍યુ પામનાર આશાસ્‍પદ યુવાન હર્ષ ઠક્કરના પિતા અશ્વિનભાઇ રમેશચંદ્ર ઠક્કર (ઉ.વ.૫૪)એ અકિલાના મોભીશ્રી કિરીટભાઇ ગણાત્રા સમક્ષ ઠાલવ્‍યો હતો અને પોતાને ઝડપથી ન્‍યાય મળે તે માટે તંત્રવાહકો યોગ્‍ય કાર્યવાહી કરે તેવી આશા દર્શાવી હતી.

ગત તા. ૨૭/૧/૨૩ના રોજ રૈયા રોડ ટેલિફોન એક્ષચેન્‍જ પાસે સવારે જીવલેણ અકસ્‍માત સર્જાયો હતો. માધાપર ચોકડી નજીક રહેતો ઠક્કર પરિવારનો યુવાન પુત્ર હર્ષ (ઉ.વ.૨૧) બાઇક સહિત ખાડામાં ખાબકતાં માથામાં પિલોરની ખિલાસરીનો સળીયો ખૂંપી જતાં ઘટના સ્‍થળે જ કમકમાટીભર્યુ મોત નિપજ્‍યું હતું. જ્‍યારે અન્‍ય એક યુવાનને ઇજા થતાં હાથ ભાંગી જતાં સારવાર માટે ખાનગી હોસ્‍પિટલમાં દાખલ કરવામાં આવ્‍યો હતો. યુવાન જે ખાડામાં ખાબક્‍યો તે મહાનગર પાલિકા દ્વારા પિલોર ઉભા કરવાની કામગીરી માટેનો હતો. તેના ફરતે બેરીકેટ પણ રાખવામાં આવી ન હોઇ બેદરકારીને કારણે જીવલેણ અકસ્‍માત સર્જાયાનો અને પુત્ર ગુમાવ્‍યાનો આક્રોશ મૃતકના પિતાએ વ્‍યક્‍ત કર્યો હતો. આ બનાવમાં ગાંધીગ્રામ પોલીસે મૃતક યુવાનના પિતાની ફરિયાદને આધારે મહાનગર પાલિકાના જવાબદાર કર્મચારીઓ તથા તપાસમાં ખુલે તેની વિરૂધ્‍ધ ગુનો નોંધ્‍યો હતો.

મૃત્‍યુ પામનાર હર્ષ ઠક્કર એક બહેનથી મોટો અને માતા-પિતાનો એકનો એક આધારસ્‍તંભ પુત્ર હતો. તેનું મૃત્‍યુ થયું તેના ચાર દિવસ પહેલા જ તેણે ઇન્‍દિરા સર્કલ પાસે ચશ્‍માની દૂકાનમાં નોકરી જોઇન કરી હતી. નોકરી પર જતી વખતે જ તે આગળ જઇ રહેલો બાઇક ચાલક છકડા પાછળથી અચાનક જમણી સાઇડમાં આવતાં તેની સાથે અથડાયા બાદ રોડ પર ખોદાયેલા ખાડામાં બાઇક સહિત પડી ગયો હતો અને મોત થયું હતું.

હર્ષના મૃત્‍યુના બનાવમાં ગાંધીગ્રામ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. પરંતુ આજે એકવીસ દિવસ પછી પણ જવાબદારો પોલીસ પક્કડથી દૂર છે. આ અંગે પિતા અશ્વિનભાઇ રમેશચંદ્ર ઠક્કરે ગઇકાલે સાંસદ રામભાઇ મોકરીયાને મળી રજૂઆતો કરતાં સાંસદશ્રીએ ડીસીપી સુધીરકુમાર દેસાઇને આ મામલે તુરંત તપાસ પુરી થાય અને ન્‍યાય મળે તથા વળતર મળે તેવી કાર્યવાહી કરવા રજૂઆત કરી હતી. તેમજ મ્‍યુ. કમિશનરશ્રી અરોરોને પણ આ બાબતે રજૂઆત કરી હતી.

દરમિયાન અશ્વિનભાઇ ઠક્કરે આજે અકિલા ખાતે વ્‍યથા ઠાલવતાં કહ્યું હતું કે એકવીસ દિવસ પછી પણ હજુ મને ન્‍યાય મળ્‍યો નથી. મારા દિકરાના મોત માટે નિમીત બનેલો ખાડો કોણે ખોદયો હતોખાડા ફરતે આડસ-બેરીકેટ મુકવાની જવાબદારી કોની હતી? કોની બેદરકારી હતી? તેની ખબર આજ સુધી પડી શકી નથી. મહાનગર પાલિકાએ રણજીત બીલકોનને કોન્‍ટ્રાક્‍ટક આપ્‍યો હોવાનું મને પોલીસ પાસેથી જાણવા મળ્‍યું છે. મહાનગર પાલિકાએ તપાસ કમીટી રચી હતી. તેનો રિપોર્ટ હવે આવશે તેવું પણ મને જાણવા મળ્‍યું છે. પરંતુ હવે તુરંત ન્‍યાયી કાર્યવાહી થાય અને જે કોઇ જવાબદાર છે તેની ધરપકડ થાય તેવી મારી માંગણી છે. તેમ વધુમાં અશ્વિનભાઇ ઠક્કરે વધુમાં જણાવ્‍યું હતું.

(4:16 pm IST)