Gujarati News

Gujarati News

News of Thursday, 16th February 2023

પુણ્‍ય જ પરમાત્‍માની કરન્‍સી : સત્‍કર્મો કરો : પૂ.આ. નયનસાગર મહારાજજી

શહેરની ધરા ઉપર દિગબંર જૈન સંતની પધરામણી : બે - ત્રણ દિવસ સ્‍થિરતા : પૂ.શ્રીનો ૩૨ વર્ષના દીક્ષા પર્યાયમાં ૪૦ હજાર કિ.મી.નો વિહાર : દેશભરમાં અહીંસા પરમો ધર્મનો પ્રસાર મુખ્‍ય મંત્ર

રાજકોટ તા. ૧૬ : શહેરની પુણ્‍યધરા ઉપર ૧૯૯૭ બાદ દીગંબર જૈન મુનિ આચાર્ય નયનસાગર મહારાજજીની પાવન પધરામણી થઇ છે. પૂ.આ. નયનસાગર મહારાજજી ત્રણ વર્ષની જૂનાગઢ ખાતેની સાધના બાદ અહીં પધાર્યા છે. પૂ.શ્રી એક-બે દિવસ શહેરમાં સ્‍થિરતાના ભાવ ધરાવે છે ત્‍યારબાદ પૂ.શ્રી અમદાવાદ તરફ વિહારના ભાવ ધરાવે છે.

પૂ.આ. નયનસાગર મહારાજજીએ પત્રકારો સાથેની વાતચીતમાં વિવિધ મુદ્દે તલસ્‍પર્શી છણાવટ કરી હતી. પૂ.શ્રીએ જણાવેલ કે, મારા ગુરૂ આ.શ્રી ૧૦૮ નિર્મલસાગર મહારાજજીની સમાધીએ દર્શન - વંદન અને સાધના અર્થે પ્રભુ નેમીનાથના મોક્ષ સ્‍થળ ગિરનારજી ખાતે ૩ વર્ષથી વધુ સમયની સ્‍થિરતા કરેલ.

પૂ.શ્રીએ જણાવેલ કે, આગામી ચાતુર્માસ સુધીમાં યુપીના સહરાનપુર ખાતે પહોંચવાના ભાવ છે. છેલ્લા ૩૨ વર્ષથી પૂ.શ્રી અહીંસા, સત્‍ય, શાંતિ, ભાઇચારા અને પ્રેમ વાત્‍સલ્‍યની ભાવનાની આહલેખ લઇને ભારતભરમાં વિહાર કરી રહ્યા છે. પૂ.શ્રી બદ્રીનાથ સુધી વિહાર કરી ચૂક્‍યા છે. દિક્ષા પર્યાયના ૩૨ વર્ષોમાં પૂ.શ્રીએ ૪૦ હજાર કિમીથી વધુનો પદ વિહાર કર્યો છે.

પૂ.શ્રીએ જણાવેલ કે, નાગરિકોએ જાતિ-મજહબથી ઉપર ઉઠીને ઇન્‍સાનીયત અપનાવવી ખૂબ જ આવશ્‍યક છે. હાલના સમયમાં માણસ તો જીવી રહ્યો છે, પણ માણસાઇ મરી રહી છે. અનેક ધાર્મિક પુરૂષોની જેમ હું પણ માણસાઇને જીવીત રાખવા માટે દેશભરમાં સંદેશ ફેલાવી રહ્યો છે.

દિગમ્‍બર જૈન સમાજના ઘરો અને મંદિરો ગુજરાતમાં ઓછા છે, છતાં પણ જૂનાગઢથી રાજકોટ સુધી વિહાર દરમિયાન મને જૈન સાધુ તરીકે અન્‍ય સમાજના લોકોએ સેવા અને પ્રેમભાવ આપ્‍યો છે. ગુજરાતીઓમાં સાધુ-સંતો માટે લાગણી અને ભારતીય સંસ્‍કૃતિ તેમના હૃદયમાં ધબકી રહી છે.

પૂ.શ્રીએ કર્મ અંગે વિશ્‍લેષણ કરી બોધ આપેલ કે, વિશ્વના અલગ-અલગ દેશોમાં જુદા-જુદા ચલણ ચાલે છે, જ્‍યારે પરમાત્‍મા પાસે એક માત્ર પુણ્‍યનું ચલણ જ અમલમાં છે. પુણ્‍ય સીવાય વ્‍યકિત સાથે કશું જ ઉપર જતું નથી. માટે હંમેશા સત્‍કર્મો દ્વારા પુણ્‍યનું ઉર્પાજન કરતા રહેવું જોઇએ.

પૂ.શ્રીએ દેશના ૧૧ રાજ્‍યોમાં વિહાર કરી ધર્મલાભ આપ્‍યો છે. આ દરમિયાન તેઓએ અહીંસા પરમો ધર્મના મંત્ર સાથે દેશભરમાં જીવો અને જીવવા દોની ભાવના જગાડી છે. આપણે આકાશની જેમ અનંત બનવાની શીખ પણ પૂ.શ્રીએ આપેલ હતી.

આ પૂ.શ્રી નયનસાગર મહારાજજીનો જન્‍મ ૧૯૭૨માં મહારાષ્‍ટ્રના ધુલીયામાં થયો હતો. તેમણે પૂ.આ.શ્રી ૧૦૮ નિર્મલસાગર મહારાજજી પાસે ૧૯૯૨માં દિક્ષા ગ્રહણ કરી હતી. પૂ.શ્રીનું સંસારી નામ સંજય જૈન છે. જુનાગઢથી વિહાર દરમિયાન પૂ.શ્રીના ભક્‍તો સર્વેશ્રી નિતીનભાઇ જૈન, જુનાગઢના એડી. કલેકટર એલ.બી.બાંભણીયા, દર્શનભાઇ બાંભણીયા, શોભીતભાઇ જૈન સહિત જોડાયા હતા. (તસ્‍વીર : સંદીપ બગથરિયા)(

(4:28 pm IST)