Gujarati News

Gujarati News

News of Thursday, 16th February 2023

મહાશિવરાત્રી અને વ્‍યાતિપાત યોગનો દુલર્ભ સંયોગ વ્રત અને દાન માટેનો શ્રેષ્‍ઠ યોગ

શ્રી બ્રહ્મા, વિષ્‍ણુ તથા માતા પાર્વતીએ શ્રી શંકરને પૂછ્‍યુ કે, કયા વ્રતથી સંતુષ્‍ટ થઈ આપ ભોગ તથા મોક્ષને આપો છો?

ત્‍યારે શ્રી ભગવાન શંકર બોલ્‍યા કે ભોગ તથા મોક્ષ આપનારા મારા ઘણા વ્રતો છે. તેમાં મુખ્‍ય દસ જાણવા. આમા શિવરાત્રીનું વ્રત વધારે બળવાન છે. માટે ભોગ તથા મોક્ષ ઈચ્‍છનારાઓએ આ વ્રત અવશ્‍ય કરવા જેવું છે.

મહાશિવરાત્રીનું વ્રત

માધ માસ - કૃષ્‍ણ પક્ષ - તિથિ ચતુર્દશી તા.૧૮ ફેબ્રુઆરી ૨૦૨૩ શનિવાર મહાનિશીથ કાળ રાત્રીના ૧૨ ક.-૩૬ મિ.થી રાત્રીના ૧ ક. - ૨૬ મિ. સુધી.

શિવરાત્રીની વ્રત - વિધિ

શ્રી ભગવાન શંકર બોલ્‍યા કે હે કેશવ ! તે (શિવરાત્રીના) દિવસે સવાર થી માંડી જે ખાસ કરવુ જોઈએ તે હું તમને કહું છું. તેને મન લગાડીને ખૂબ પ્રેમથી તમે સાંભળો. બુદ્ધિમાન મનુષ્‍યે સવારમાં ઉઠીને પરમ આનંદયુકત અને આળસરહિત થઈ સ્‍નાનાદી નિત્‍ય કર્મો કરવા.

પછી શિવાલયમાં જઈ વિધિપૂર્વક શિવ - પૂજન અને શ્રી ભગવાનને નમસ્‍કાર કરવા તે વખતે શ્રી ભગવાન શંકર સમક્ષ આવો સંકલ્‍પ કરવો.

સંકલ્‍પ

હે દેવોના દેવ મહાદેવ ! હે નિલકંઠ ! આપને નમસ્‍કાર હો, હે દેવ ! હું આપનું શિવરાત્રી વ્રત કરવા ઈચ્‍છુ છું, હે દેવેશ્વર ! આપના પ્રભાવથી આ વ્રત નિર્વિઘ્‍ન થાઓ અને કામ, ક્રોધ, લોભ વગેરે શત્રુઓ મને પીડા ન જ કરો.

પછી પૂજાના દ્રવ્‍યો લેવા જવા વ્રત કરનારે શાષાની આજ્ઞા મુજબ ઉપવાસ કરવો.

રાત્રીએ જાગરણ કરવું. શાષાની આજ્ઞા મુજબ રાત્રીના ચારેય પ્રહરોમાં શિવની વિશેષ કરીને પૂજા કરવી. પંચાક્ષર મંત્ર ઓમ નમઃ શિવાયનો જાપ કરવો. બિલીપત્રથી શિવનું પૂજન કરવું. શકિત પ્રમાણે બ્રહ્મભોજન વગેરેનો સંકલ્‍પ કરવો. ભકિતભાવથી શિવના ગીતો, સંગીત, તાંડવ, નૃત્‍ય વગેરે કરવા.

શિવરાત્રીનો આ મહોત્‍સવ, સૂર્યોદય થાય ત્‍યાં સુધીનો તે કાળ ભકત લોકો સાથે પસાર કરવો.

સૂર્યોદય પછી શાષાની આજ્ઞા મુજબ સ્‍નાન, શિવ પૂજન, બ્રહ્મણો - સાધુ - તપસ્‍વીઓને અન્‍નદાન - દક્ષિણા વગેરે ધર્મકાર્ય કરવા.

શ્રી ભગવાન શંકરને પ્રાર્થના કરવી, ‘.... હે ભૂતપતિ ! મેં અજ્ઞાનથી કે જ્ઞાનથી જપ તથા પૂજા આદિ જે કર્યુ હોય તેને આપે જાણ્‍યુ જ છે, તો આપ કૃપાના ભંડાર હોવાથી મારા પર પ્રસન્‍ન થાઓ. આ ઉપવાસથી જે ફળ થયુ હોય તેથી શિવ સુખદાયક જ થઈ મારા પર પ્રસન્‍ન થાઓ...'

એ રીતે જેણે વ્રત કર્યુ હોય તેનાથી શ્રી ભગવાન શંકર કહે છે કે હું દૂર જ નથી. તેનું ફળ કહી શકાતુ નથી, આ ઉત્તમ વ્રત જો અનાયાસે કર્યુ હોય તો તેનું મુકિત બીજ પ્રકટ થઈ જ ચૂકયુ છે. એમાં કંઈ વિચારવા જેવુ નથી...'

આ ભરત ખંડમાં જે મનુષ્‍ય શિવરાત્રીનું વ્રત કરે છે, તે સાત મન્‍વંતરો (૧ મન્‍વંતર બરાબર માનવ વર્ષની ગણના પ્રમાણે ૩૦,૬૭,૨૦,૦૦૦ વર્ષ એટલે કે ત્રીસ કરોડ સડસઠ લાખ વીસ હજાર વર્ષ) સુધી શિવલોકમાં આનંદ કરે છે.

બિલીપત્રનું ફળ

જે મનુષ્‍ય શિવરાત્રીના દિવસે, જેટલા બિલીપત્રો શિવને ચડાવે છે તેટલા યુગો સુધી શિવલોકમાં આનંદ કરે છે.

વ્‍યાતિપાત યોગ પ્રારંભ તા.૧૭ ફેબ્રુઆરી ૨૦૨૩ને શુક્રવારે રાત્રે ૧૧ કલાક અને ૪૫ મિનિટે થાય છે તથા વ્‍યાતિપાત યોગ તા.૧૮ ફેબ્રુઆરી ૨૦૨૩ને શનિવારે શિવરાત્રીના પવિત્ર દિવસે સાંજના ૭ કલાક અને ૩૬ મિનિટે પૂર્ણ થાય છે.

નોંધ :- આ લેખમાં આપેલી માહિતી શ્રી શિવ મહાપુરાણ, સ્‍કંદમહાપુરાણ, શ્રીમદ્દ ભગવતી ભાગવત અને અન્‍ય ધર્મ ગ્રંથો વગેરેમાંથી અતિ સંક્ષેપમાં સાર રૂપે લખેલી છે. ભગવદ્દ ભકતો તેમજ શ્રદ્ધાળુઓને ઉપયોગી થાય ફકત તે જ આ સંકલનનો લેખનો હેતુ છે.

:: સંકલન :: શ્રી નિશીથભાઈ ઉપાધ્‍યાય

સ્‍પીરીચ્‍યુઅલ કન્‍સલટન્‍ટ અને એસ્‍ટ્રોલોજર

મો.૭૮૭૪૨ ૯૫૦૭૪, ૯૩૧૩૬ ૯૨૪૪૧

(4:29 pm IST)