Gujarati News

Gujarati News

News of Thursday, 16th February 2023

પાપાચારની દુનિયામાં લોકો ચિંતાની ચિતા ઉપર બેઠા છેઃ બ્રહ્માકુમારી પૂનમબેન

તનાવ મુકત થવા કામ - ક્રોધ - ઈર્ષ્‍યા અને વ્‍યસન જેવા અવગુણોને યજ્ઞકુંડની અગ્નિમાં સ્‍વાહા કરતા શહેરીજનોઃ અલવિદા તનાવ કાર્યક્રમના આજે છેલ્લા દિવસે ‘સંગીત સંધ્‍યા'નું આયોજનઃ રાજકોટવાસીઓ ટેન્‍શનને કહેશે ‘ગુડ બાય'

રાજકોટઃ કામ - ક્રોધ - લોભ - મોહ અને અહંકાર જેવા અવગુણો કારણે આજે મનુષ્‍ય એકબીજાથી ત્રસ્‍ત છે. આ સંસારમાં આપણા જીવનનું લક્ષ્ય શું છે તે અંગે બ્રહ્માકુમારી પૂનમબેન દ્વારા અલવિદા તનાવ કાર્યક્રમના આઠમાં દિવસે ‘વિશ્વ નાટકનું રહસ્‍ય' સમજાવીને વિજય મહોત્‍સવ ઉજવ્‍યો હતો.

સતયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ અને કળિયુગ એમ ચાર યુગથી બનેલ સૃષ્ટિચક્ર વિશે જ્ઞાન આપતા બ્રહ્માકુમારી પૂનમ બેને જણાવ્‍યું હતું કે, આજે દરેક માનવી કળિયુગી દુનિયાના વિકારોથી ત્રસ્‍ત છે. તન, મન, ધન અને સંબંધોની સમસ્‍યાઓથી પીડિત છે. પાપાચારની દુનિયામાં લોકો ચિંતાની ચિતા ઉપર બેઠા છે ત્‍યારે સમય આવી ગયો છે કે ઈશ્વરીય જ્ઞાન પ્રાપ્ત કરીને આપણી જીવનયાત્રા દેવી દેવતા બનવા તરફ લઈ જવાની છે. ભારતને સતયુગ અને ફરીથી સોને કી ચીડિયા બનાવવા માટે પરમપિતા પરમાત્‍માનું જ્ઞાન પ્રાપ્ત કરીને સ્‍વની સાથે વિશ્વની ઉન્‍નતિ કરવા નિમિત્ત બનવાનું છે.

જીવનમાં તનાવથી મુક્‍ત થવા માટે રોજ ઈશ્વરના સાંનિધ્‍યની અનુભૂતિ કરવી જરૂરી છે. તેથી મુલ્‍યભર્યું જીવન જીવવા બ્રહ્માકુમારી સંસ્‍થાના સેવા કેન્‍દ્ર ઉપર આવીને ઉંડાણપૂર્વક ઈશ્વરીય જ્ઞાન સમજવા માટે બી.કે. પૂનમબેને શહેરીજનોને વિનંતી કરી હતી.

નોંધનીય છે કે અલવિદા તનાવ કાર્યક્રમનો આજે છેલ્લો દિવસ છે. જેમાં ગુડ બાય ટેન્‍શનના વિષય અને  અમદાવાદથી  આવેલ. બ્રહ્માકુમારી દામિની બહેનની પ્રેરક ઉપસ્‍થિતિમાં તેમના દ્વારા આધ્‍યાત્‍મિક ગીતો ગાઈને સંગીત સંધ્‍યા યોજવામાં આવશે.

(4:40 pm IST)