Gujarati News

Gujarati News

News of Thursday, 16th February 2023

મહાશિવરાત્રીએ ગીતા વિદ્યાલયમાં લઘુરૂદ્ર યજ્ઞ - અભિષેક - શિવપૂજા - ૧૦૮ દીપમાળા

રાજકોટ : શહેરના જંકશન પ્‍લોટ ખાતે શ્રી મનહરલાલજી મહારાજ સ્‍થાપિત સેવા સંસ્‍થા ગીતા વિદ્યાલય ટ્રસ્‍ટના ગીતા મંદિર પરિસરમાં બિરાજમાન શ્રી રામેશ્વર મહાદેવના સાનિધ્‍યમાં ભાવસભર વાતાવરણમાં ભકિતભાવપૂર્વક તા.૧૮ને શનિવારે ભકિતભાવપૂર્વક મહાશિવરાત્રી મહોત્‍સવ ઉજવાશે.

આ તકે વિવિધ શોભા શણગાર અને ઈલેકટ્રીક લાઈટ ડેકોરેશનથી શિવ મંદિરની દર્શનીય શોભા થશે. સવારે ૭ થી ૧૨ સુધી ૧૧ વિદ્વાન બ્રાહ્મણો દ્વારા શુદ્ધ ઘીની આહુતિ સાથે શાષાોકત હોમાત્‍મક લઘુરૂદ્ર યજ્ઞ થશે. શિવપૂજન - રૂદ્રાભિષેક થશે.

બપોરે ૧૨ કલાકે મહાઆરતી બાદ પવિત્ર, સુમધુર ભાંગની પ્રસાદીનું વિતરણ થશે. શિવજીને બિલીપત્ર, જળ, પુષ્‍પો તથા વિવિધ ધાન્‍યોનો અભિષેક થશે. દર્શનનો સમય સવારે ૬ થી બપોરે ૧૨:૩૦ અને સાંજે ૪:૩૦ થી રાત્રીના ૧૦ સુધીનો રહેશે. ધૂપ - દીપ અને પુષ્‍પોની સુવાસથી મહેકતા ગીતા મંદિરમાં બપોરે અને સાંજે રાજકોટ શહેરમાં અજોડ એવી ઓમકાર આકારની ૧૦૮ દીપમાળા સાથે આરતી થશે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે પ્રાણ પ્રતિષ્‍ઠાયુકત મહાદેવજી, પાર્વતીજી, ગણપતિ અને કાર્તીકેય એમ શિવજીના સમસ્‍ત પરીવારના એક સાથે એક જ સ્‍થળે દર્શન થતા હોય તેવુ આ સૌરાષ્‍ટ્રનું સૌપ્રથમ અજોડ શિવમંદિર છે. જયાં છેલ્લા ૫૮ વર્ષોથી સતત ભજન, સત્‍સંગ, ભગવદ્દ ગીતા અને માનવ સેવાનો ગુંજારવ થઈ રહ્યો છે તેવા દેવસ્‍થાન ગીતા વિદ્યાલય ટ્રસ્‍ટ ગીતા મંદિરમાં મહાશિવરાત્રીએ પૂજા, આરતી, દર્શનનો ધર્મલાભ લેવા સર્વે ભાવિકોને ગીતા વિદ્યાલય પરીવારે અનુરોધ કરેલ છે.

(4:47 pm IST)