Gujarati News

Gujarati News

News of Thursday, 16th March 2023

સાળાના બેસણા-કારજમાં રાજકોટ આવેલા પેટલાદના પ્રોૈઢનું રોડ પર ઢળી પડતાં મોત

ભક્‍તિનગર સર્કલ પાસે સહયોગ વાડીમાંથી રાતે ભજન સાંભળી આટો મારવા નીકળ્‍યા અને હાર્ટએટેક આવી ગયોઃ પરિવારજનોમાં ગમગીની

રાજકોટ તા. ૧૬: માનવીની જિંદગીની સફરનો અંત ગમે ત્‍યાં અને ગમે ત્‍યારે આવી જતો હોય છે. આણંદના પેટલાદના સેમરડા ગામેથી રાજકોટ કુટુંબી સાળાના અવસાન નિમીતે બેસણા અને કારજની વિધીમાં સામેલ થવા આવેલા પ્રોૈઢ રાતે ભજન સાંભળી ચા પીવા નીકળ્‍યા બાદ બેભાન થઇ ઢળી પડતાં મોત નિપજતાં દરજી પરિવારજનોમાં અરેરાટી વ્‍યાપી ગઇ હતી.

જાણવા મળ્‍યા મુજબ સેમરડા ગામે રહેતાં રાજુભાઇ દલસુખભાઇ રાઠોડ (ઉ.વ.૫૪) ગઇકાલે રાજકોટ કોઠારીયા રોડ સ્‍વાતિ પાર્કમાં રેહતાં કુટુંબી સાળા હરેશભાઇ ગીરધરભાઇ મકવાણાના અવસાન નિમીતે આજે ગુરૂવારે રખાયેલા બેસણા અને કારજની વિધીમાં હાજરી આપવા આવ્‍યા હતાં. આ ક્રિયા માટે ભક્‍તિનગર સર્કલ નજીક જલારામ ચોક પાસે આવેલી સહયોગ વાડી ભાડે રાખવામાં આવી હતી. વાડીમાં ગત રાતે ભજનનો કાર્યક્રમ હોઇ ભજન સાંભળીને રાજુભાઇ બહાર રોડ પર આટો મારવા અને ચા પાણી પીવા નીકળ્‍યા હતાં. એ દરમિયાન જલારામ ચોકમાં જ એકાએક ચક્કર આવતાં બેશુધ્‍ધ થઇ ઢળી પડયા હતાં.

લોકો ભેગા થઇ જતાં કોઇએ ૧૦૮ બોલાવી હતી. તેના તબિબે તેમને મૃત જાહેર કર્યા હતાં અને પોલીસને જાણ કરી હતી. એ દરમિયાન નજીકની વાડીમાં જ સગા સ્‍વજનો હોઇ તે દોડી આવ્‍યા હતાં. પોલીસે મૃતદેહને પોસ્‍ટમોર્ટમ માટે ખસેડયો હતો. રાજુભાઇ બે ભાઇમાં મોટા હતાં અને પ્રાઇવેટ નોકરી કરતાં હતાં. તેમને સંતાનમાં બે પુત્ર છે.

(11:23 am IST)