Gujarati News

Gujarati News

News of Thursday, 16th March 2023

મોટા મવામાં આવેલો અમેરિકા સ્‍થિત અરવિંદભાઇ ગાંધીનો ૨૦૦ વારનો પ્‍લોટ બારોબાર વેંચી નખાયો!

મુળ મુંબઇના વૃધ્‍ધ રાજકોટ સ્‍વાધ્‍યાય પ્રવૃતિમાં આવતાં હોઇ ૧૯૮૮માં પાંડુરંગ શાષાીજી ઉપવન નજીક રોકાણ માટે પ્‍લોટ ખરીદ કર્યો હતોઃ ૨૦૧૭માં પ્‍લોટ વેંચવા કાઢતાં ખબર પડી કે એ અગાઉથી જ વેંચાઇ ગયો છે! :કલેકટરે લેન્‍ડ ગ્રેબીંગ એક્‍ટ હેઠળ કાર્યવાહીની સુચના આપતાં તાલુકા પોલીસે કેવડાવાડીના સંજય ઉર્ફ લાલો પાલીયા, હરી મનુ, રૈયાધાર શાંતિનગરના હિતેશ ઉર્ફ પ્રકાશ દવે, સંજયનગરના પ્રશાંત નિર્મળ અને કેશોદના લાભુબેન ચોૈહાણ વિરૂધ્‍ધ ગુનો નોંધ્‍યોઃ એસીપી બી. જે. ચોૈધરી, પીઆઇ એમ. આર. ગોંડલીયાએ તપાસ આદરી :સંજય ઉર્ફ લાલાએ જમીન માલિકના ડમી તરીકે હરી મનુને હાજર રાખી પોતાના નામે દસ્‍તાવેજ કરાવી લીધોઃ તેમાં હિતેષ અને પ્રકાશે સાક્ષીમાં સહીઓ કરીઃ ૨૮ લાખમાં કેશોદના લાભુબેનને વેંચી માર્યોઃ આ મહિલાના પતિ કેશોદ એરપોર્ટના કર્મચારી

રાજકોટ તા. ૧૬: શહેરમાં પારકી જમીન પચાવી પાડવાના કિસ્‍સાઓમાં વધુ એકનો ઉમેરો થયો છે. કાલાવડ રોડ પર પાંડુરંગ શાષાીજી ઉપવન પાસે આવેલી મુળ મુંબઇના અને હાલ અમેરિકા સ્‍થાયી થયેલા વૃધ્‍ધનો અતિ કિંમતી એવો ૨૦૦ ચો.વારનો પ્‍લોટ રાજકોટના ચાર શખ્‍સોએ કાવત્રુ ઘડી ખોટો દસ્‍તાવેજ ઉભો કરી તેમજ વૃધ્‍ધના નામે ડમી શખ્‍સ ઉભો કરી તેના દ્વારા સહીઓ કરાવી કેશોદના મહિલાને બારોબાર ૨૮ લાખમાં વેંચી મારતાં આ મામલે કલેક્‍ટર કચેરી દ્વારા લેન્‍ડગ્રેબીંગ એક્‍ટ હેઠળ કાર્યવાહી કરવા આદેશ થતાં તાલુકા પોલીસે રાજકોટના ચાર શખ્‍સો, કેશોદના એક મહિલા સહિત પાંચ વિરૂધ્‍ધ લેન્‍ડગ્રેબીંગ એક્‍ટ હેઠળ ગુનો દાખલ કર્યો છે.

તાલુકા પોલીસે આ બનાવમાં હાલ અમેરિકાના ટેક્‍સાસ ખાતે રેઇન ટ્રી સર્કલ સુગર લેન્‍ડ ખાતે રહેતાં અને મુળ મુંબઇ ખાતે બોમ્‍બે સેન્‍ટ્રલ તાળદેવ રોડ મણિયાર બિલ્‍ડીંગ બ્‍લોક નં. ૧૪ના વતની અરવિંદભાઇ હરિલાલ ગાંધી (ઉ.વ.૭૫)ની ફરિયાદ પરથી રાજકોટ કેવડાવાડી કિરણ એપાર્ટમેન્‍ટ ફલેટ નં. ૧૨માં ત્રીજા માળે રહેતાં સંજય ઉર્ફ લાલો ધનાભાઇ પાલીયા, રાજકોટના હરિભાઇ મનુભાઇ, રૈયાધાર શાંતિનગર શ્‍યામલરાજ એપાર્ટમેન્‍ટ ફલેટ નં. ૩૦૨માં રહેતાં હિતેશ ઉર્ફ પ્રકાશ છોટાલાલ દવે, સંત કબીર રોડ સંજયનગર-૪માં રહેતાં પ્રશાંત હસમુખભાઇ નિર્મળ તથા કેશોદમાં એરપોર્ટ પાસે ગવર્નમેન્‍ટ સ્‍ટાફ ક્‍વાર્ટર કોલોની બી-૩ ખાતે રહેતાં લાભુબેન પ્રવિણભાઇ ચોૈહાણ વિરૂધ્‍ધ આઇપીસી ૪૬૫, ૪૬૭, ૪૬૮, ૪૭૧, ૧૨૦ (બી) તથા લેન્‍ડ ગ્રેબીંગ એક્‍ટ હેઠળ ગુનો નોંધ્‍યો છે.

અરવિંદભાઇ ગાંધીએ જણાવ્‍યું છે કે હાલમાં હુ઼ નિવૃત જીવન જીવુ છું અને પરિવાર સાથે અમેરિકા સ્‍થાયી થયો છું. મુંબઇમાં હું મારા રહેણાંકે કામ સબબ આવ જા કરતો રહુ છું. સ્‍વાધ્‍યાય પરિવાર સાથે હું જોડાયેલો હોવાથી ૧૯૮૮માં અવાર-નવાર રાજકોટ કાલાવડ રોડ પર પાંડુરંગ શાષાીજીના ઉપવન ખાતે આવવાનું થતું હતું. અહિ સ્‍વાધ્‍યાય પરિવાર સાથે જોડાયેલા ઘણા લોકો સાથે મારે ઓળખાણ  થઇ હતી. ત્‍યારે મને ખબર પડી હતી કે ઉપવનની આજુબાજુમાં બીનખેતી પ્‍લોટોનું વેંચાણ થઇ રહ્યું છે અને તેમાં રોકાણ કરી શકાય તેમ છે. આથી મેં મોટા મવાની સીમમાં આવેલા સર્વૈ નં. ૬૫ની બીન ખેતી અને ઇમારત બાંધવાની મંજુરીવાળા પ્‍લોટ નં. ૮૭ની જમીન ચો.વાર ૨૦૦ની તા. ૨૫/૩/૧૯૮૮ના રોજ ભુસાભાઇ ધરસીભાઇ કોરાટ પાસેથી રૂા. ૬૫૦૦માં ખરીદ કરી હતી. આ દસ્‍તાવેજ ૩૨-કમાં જતાં પ્રાંત અધિકારીએ તા. ૨/૫/૨૦૧૩ના રોજ અમારી પાસેથી ૩૨-કની ફી વસુલ કરી દસ્‍તાવેજ મુક્‍ત કર્યો હતો.

મેં અગાઉ રાજકોટ કલેક્‍ટર કચેરીમાં સંજય પાલીયા, પ્રકાશ દવે અને પ્રશાંત નિર્મળ વિરૂધ્‍ધ અરજી કરી હતી. મારા મોટા મવાના ૨૦૦ ચો.વારના પ્‍લોટનો આ શખ્‍સોએ કોઇ ડમી માણસ હાજર રાખી મારી ખોટી બનાવટી સહીઓ કરી આ પ્‍લોટનો સંજય ધનાભાઇ પાલીયાએ પોતાના નામનો બનાવટી દસ્‍તાવેજ ઉભો કરાવી લીધો હતો. જેમાં પ્રકાશ દવે અને પ્રશાંત નિર્મળે સાક્ષી તરીકે સહીઓ કરી હતી. આ કારણે મેં અરજી કરી હોઇ કલેક્‍ટર તંત્રએ ગુનો દાખલ કરાવવા ગત ૧૭/૨/૨૩ના રોજ હુકમ કર્યો હતો. તેથી મેં ફરિયાદ નોંધાવી છે.

મેં રાજકોટમાં પ્‍લોટ ખરીદ કર્યો હોઇ એ પછી હું ૨૦૧૫માં મુંબઇમાં કામ માટે આવ્‍યો હતો. ત્‍યાં કામ પુરુ કરી ૧૧/૩/૧૫ના રોજ અમેરિકા પરત જતો રહ્યો હતો. એ પછી ૨૦૧૭માં ફરી અમેરિકાથી મુંબઇ આવ્‍યો હતો. હવે મારે રાજકોટનો મારો પ્‍લોટ વેંચવો હોઇ જેથી દલાલ જીતુભાઇ શેઠને વાત કરી હતી. આથી જીતુભાઇ શેઠ મામલતદાર ઓફિસે દસ્‍તાવેજ નોંધણી રજીસ્‍ટ્રર શાખાની ઓફિસે ગયા હતાં અને તપાસ કરાવતાં જાણવા મળ્‍યું હતું કે આ પ્‍લોટ તા. ૧૨/૫/૨૦૧૫ના રોજ સંજય પાલીયાએ મારા નામે ડમી માણસ તરીકે હરિભાઇ મનુભાઇને હાજર રખાવી મારી ખોટીસ સહીઓ કરી બનાવટી દસ્‍તાવેજ પોતાના નામે કરી લીધો છે. તેમજ તેમજ આની નોંધ રજીસ્‍ટ્રર ઓફિસ રાજકોટ ખાતે થઇ છે અને તેમાં સાક્ષી તરીકે પ્રકાશ તથા પ્રશાંતના નામ છે. આ દસ્‍તાવેજ નં. ૧૯૫૯/૨૦૧૫ તા. ૧૨/૫/૨૦૧૫નો હતો. આની જાણ દલાલ જીતુભાઇ શેઠે મને કરી હતી. એ પછી મેં મારા પ્‍લટ ખાતે જઇને તપાસ કરતાં ત્‍યાં બારોબાર ફેન્‍સીંગ તારની વાડ પણ બનાવી લેવાઇ હોવાનું જોવા મળ્‍યું હતું.

મેં તપાસ કરતાં ખબર પડી હતી કે સંજય ઉર્ફ લાલો ધનાભાઇ પાલીયા, હરિભાઇ મનુભાઇ, હિતેષ ઉર્ફ પ્રકાશ છોટાલાલ દવે, પ્રશાંત હસમુખભાઇ નિર્મળે મળી મારો આ ૨૦૦ વારનો પ્‍લોટ રૂા. ૨૮ લાખમાં કેશોદના લાભુબેન પ્રવિણભાઇ ચોૈહાણને વેંચી દીધો છે અને પ્‍લોટ ફરતે ફેન્‍સીંગ લાભુબેન દ્વારા કરાવવામાં આવી છે. આ મહિલાના પતિ કેશોદ એરપોર્ટમાં ફરજ બજાવતાં હોવાની વિગતો સામે આવી છે.

એસીપી બી. જે. ચોૈધરી તથા પીઆઇ એમ.આર. ગોંડલીયા અને ટીમે ગુનો દાખલ થતાં આરોપીઓને ઝડપી લેવા તજવીજ શરૂ કરી છે.

(2:50 pm IST)