Gujarati News

Gujarati News

News of Thursday, 16th March 2023

નજર ચુકવી ચોરી કરનારો રીઢો તસ્‍કર વિજય પકડાયોઃ ૪ મોબાઇલ ફોન કબ્‍જે

ઍભલભાઇ બરાલીયા, મહેશભાઇ ચાવડા અને હરપાલસિંહ જાડેજાની બાતમી : અગાઉ ચોરીના ૮ ગુનામાં સંડોવણીઃ બે વખત પાસામાં જઇ આવ્‍યો છેઃ પીઆઇ એલ. એલ. ચાવડા, પીએસઆઇ ગરચર અને ટીમે બાલાજી મંદિર પાસેથી પકડયો

રાજકોટ તા. ૧૬: શહેરના ભૂપેન્‍દ્ર રોડ પર બાલાજી મંદિર પાસે પડયા પાથર્યા રહેતાં રીઢા તસ્‍કરે ચાર મોબાઇલ ફોન ચોરી લીધા હતાં. આ શખ્‍સને ક્રાઇમ બ્રાંચે દબોચી લીધો છે. જે અગાઉ રાજકોટ-મોરબીમાં ચોરીના આઠ ગુનામાં સંડોવાઇ ચુકયો છે અને બે વખત પાસાની હવા ખાઇ આવ્‍યો છે.

ક્રાઇમ બ્રાંચની ટીમ મિલ્‍કત વિરોધી ચોરીના બનાવ અટકાવવા પેટ્રોલીંગમાં હતી ત્‍યારે એભલભાઇ બરાલીયા અને મહેશભાઇ ચાવડા તથા હરપાલસિંહ જાડેજાને મળેલી બાતમી પરથી બાલાજી મંદિર નજીકથી વિજય લઘુશંકર ધામેલ (ઉ.૩૪-રહે. આરટીઓ પાછળ નરસિંહનગર-૭, ગુગીબેનના મકાનમાં ભાડેથી)ને પકડી લેવાયો હતો. તેની પાસે રેડમી, ઓપ્‍પો, વીવો કંપનીના ચાર અલગ અલગ મોબાઇલ ફોન મળતાં તેના આધારપુરાવા માંગતા આપી શક્‍યો નહોતો. આકરી પુછતાછમાં આ ફોન મંદિર આસપાસથી લોકોની નજર ચુકવી ચોરી લીધાનું કબુલતાં પચ્‍ચીસ હજારના ફોન કબ્‍જે કરી તેની અટકાયત કરવામાં આવી હતી.

વિજય અગાઉ ભક્‍તિનગર, પ્ર.નગર, તાલુકા, આજીડેમ, એ-ડિવીઝન, મોરબી એ-ડિવીઝનમાં ચોરીના આઠ ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુક્‍યો છે. તેમજ ભક્‍તિનગર અને ગાંધીગ્રામ પોલીસ દ્વારા બે વખત તેની સામે પાસાની કાર્યવાહી પણ કરવામાં આવી હતી. પોલીસ કમિશનરશ્રી રાજુ ભાર્ગવ, સંયુક્‍ત પોલીસ કમિશનરશ્રી સોૈરભ તોલંબીયા, ડીસીપી ક્રાઇ ડો. પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી બી. બી. બસીયાની સુચના મુજબ પીઆઇ એલ. એલ. ચાવડાની રાહબરીમાં આ કામગીરી પીએસઆઇ એ. એસ. ગરચર, નિલેષભાઇ ડામોર, દિપકભાઇ ચોૈહાણ, એભલભાઇ બરાલીયા, મહેશભાઇ ચાવડા અને હરપાલસિંહ જાડેજાએ કરી હતી.

(2:53 pm IST)