Gujarati News

Gujarati News

News of Thursday, 16th March 2023

રાજકોટમાં ફરી કોરોનાનો ફુંફાડોઃ નોંધાયા નવા ૮ કેસ

મવડી, અંબિકા ટાઉનશીપ, યાજ્ઞિક રોડની હોટલ, રેસકોર્સ પાર્ક સહિતના વિસ્‍તારમાં છ પુરૂષ અને બે મહિલા કોરોના સંક્રમિત :દરરોજના ૪૦૦ થી પ૦૦ કોરોના ટેસ્‍ટ કરવા અને કોરોનાગ્રસ્‍ત વિસ્‍તારોમાં તાત્‍કાલીક ધોરણે સર્વે કરવા મ્‍યુનિ. કમિશ્નર અમિત અરોરાની આરોગ્‍ય વિભાગને સુચના

રાજકોટ તા. ૧૬ : વૈશ્વીક મહામારી કોરોનાએ રાજકોટમાં માથુ ઉચકયું છે. મંગળવારે ૪ કેસ નોંધાયા બાદ ગઇકાલે બુધવારે ૮ કેસ આવ્‍યા છે. જેમાં બે મહિલા અને ૬ પુરૂષો સંક્રમતિ થયા છે. જેમાંથી બે ની ટ્રાવેલ હીસ્‍ટ્રી છે. જયારે એક પુરૂષ અન્‍ય દર્દીના સંપર્કમાં આવેલ છે. જો કે ૮ માંથી ૪ લોકોએ ર તથા ૪ લોકોએ કોરોના રસીના ત્રણ ડોઝ લીધેલા છે.

મનપાની આરોગ્‍ય શાખા દ્વારા જાહેર કરાયેલ વિગત મુજબ અંબિકા ટાઉનશીપ વિસ્‍તારના રપ વર્ષીય મહિલા સંક્રમીત થયા છે. તેમની કોઇ ટ્રાવેલ હીસ્‍ટ્રી નથી અને વેકસીનના ૩ ડોઝ લીધેલા છે. જયારે મવડી ચોકડી વિસ્‍તારના ર૭ વર્ષીય પુરૂષને અન્‍ય દર્દીના સંપર્કમાં આવવાથી કોરોના વળગ્‍યો છે. તેમણે પણ કોરોના વેકસીનના ૩ ડોઝ લીધોલ છે.

શહેરના જાગનાથ પ્‍લોટ વિસ્‍તારના ૬૧ અને ૬૮ વર્ષીય ટ્રાવેલ હીસ્‍ટ્રી ધરાવતા અને બે ડોઝ લીધેલ બે પુરૂષનો રિપોર્ટ પણ પોઝીટીવ આવ્‍યો છે. ઉપરાંત નાના મૌવા રોડ સ્‍થિત ૩ વેકસીન લીધેલ રપ વર્ષીય યુવક પણ સંક્રમતિ બન્‍યા છે.

જયારે રેસકોર્સ પાર્ક પાસેના વિસ્‍તારના પ૮ વર્ષીય પુરૂષનો કોરોના રિપોર્ટ પણ પોઝીટીવ આવ્‍યો છે. તેમણે પણ રસીના ૩ ડોઝ લીધેલા છે. નાના મૌવા મેઇન રોડ, પરના નહેરૂનગર સોસાયટીના ૩૪ વર્ષીય બે કોરોના રસીના ડોઝ લીધેલ પુરૂષ સંક્રમતિ બન્‍યા છે. ઉપરાંત સંત કબીર રોડની સોસાયટીના બે ડોઝ લીધેલ ૪૭ વર્ષીય મહિલા પણ કોરોના પોઝીટીવ આવ્‍યા છે.

શહેરમાં બે દિ' માં કોરોનાના કેસ ડબલ થતા અને સાથે જ  H3N2 વાયરસના ફફડાટ વચ્‍ચે  તંત્રને દરરોજ ટેસ્‍ટ વધારવા મ્‍યુ. કમિશ્નર અમિત અરોરાએ સુચના આપી છે. આ અઠવાડીયામાં રોજના ૪૦૦ ઉપર ટેસ્‍ટ કરવા આદેશ આપવામાં આવ્‍યો છે.

(3:28 pm IST)