Gujarati News

Gujarati News

News of Thursday, 16th March 2023

કારવાળો બાઇક ચાલકને ઝાપટ મારી ભાગ્‍યો, રિક્ષા અને બીજી બે કારને ઠોકરે ચડાવતો ગયો

કાલાવડ રોડ સ્‍પીડવેલ પાર્ટી પ્‍લોટ પાસે બનાવ : સામે જવા મામલે ડખ્‍ખોઃ રિક્ષાચાલક રણજીતસિંહની ફરિયાદ પરથી કરણ સામે ગુનો નોંધાયો

રાજકોટ,તા. ૧૬ : કાલાવડ રોડ પર સ્‍પીડવેલ પાર્ટી પ્‍લોટ પાસે બાઇક સવારને ‘સામે કેમ જોવે છે' કહી વર્નાકાર ચાલક ભાગ વાજતા એક રીક્ષા અને બીજી બે કાર સાથે અકસ્‍માત સર્જી રૂા. ૩.૧૦ લાખનું નુકસાન કરતા તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ થઇ છે.

મળતી વિગત મુજબ મુળ ભાવનગર થલસર હાલ લોધીકાના હરીપરમાં રીપીનભાઇ ગોકાણીના ફાર્મ હાઉસમાં રહેતા રણજીતસિંહ દેસળજી ગોહિલ (ઉવ.૪૦)એ તાલુકા પોલીસ મથકમાં જીજે-૨-કેએચ-૨૨૭૧ નંબરની વર્ના કાર ચાલક કરણ પટેલ સામે ફરિયાદ નોંધાવી છે. રણજીતસિંહ ફરિયાદમાં જણાવ્‍યું છે કે, પોતે જીજે-૩૬યુ-૩૦૨૫ નંબરની રીક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. ગત તા. ૧૨ના રોજ બપોરે પોતે રીક્ષા લઇને સ્‍પીડવેલ પાર્ટી પ્‍લોટ પાસે સુવર્ણભૂમિ એપાર્ટમેન્‍ટમાં અમૃત હાર્ડવેર નામે દુકાને રીક્ષાના ફેરા માટે ગયા હતા. રીક્ષા ત્‍યાં પાર્ક કરી પોતે અમૃત હાર્ડવેરની દુકાનમાં ગયા હતા. ત્‍યારે જોરથી અવાજ આવતા પોતે તથા દુકાન માલીક બંને દુકાનની બહાર નીકળીને જોયુ તો એક સફેદ કલરની વર્નાકારના ચાલકે પોતાની સી.એન.જી. રીક્ષાને ઠોકર મારી અકસ્‍માત કરી તેમજ રીક્ષાની આગળ દુકાનના માલીક અનુજભાઇની જીજે-૩એમબી-૫૨૬૨ નંબરની સેલટોઝ કાર સાથે પોતાની રીક્ષા ભટકાડેલ અને કાર સુવર્ણભૂમિ એપાર્ટમેન્‍ટની દીવાલ સાથે અથડાઇ હતી. અકસ્‍માતમાં રીક્ષામાં આશરે રૂા. ૬૦ હજાર અને સેલટોઝ કારમાં આશરે રૂા. ૧.૫૦ લાખનું નુકસાન કરી વર્નાકાર ચાલક ભાગી ગયો હતો. પોતે તપાસ કરતા એક કુશાલભાઇ નામની વ્‍યકિતએ આવીને કહેલ કે ‘આ વર્ના કારનો ચાલક સુવર્ણભુમી એપાર્ટમેન્‍ટ પાસે એકસીસ બેંક સામે મારા બાઇક આડે પોતાની કાર ઉભી રાખી કારના ચાલકે મારી પાસે આવી ‘સામે કેમ જોવે છે' તેમ કહી મારી સાથે બોલાચાલી કરી ઝઘડો કરવા લાગેલદ અને મને બે ઝાપટ મારી દીધેલ આસપાસના લોકો એકઠા થતા આ કાર ચાલક ત્‍યાંથી ભાગવા જતા અહીં તમારી રીક્ષા સાથે અકસ્‍માત કરી ભાગી ગયેલ છે. ત્‍યારબાદ કેવીનભાઇ વડગામા પોતાની પાસે આવીને કહેલ કે એક સફેદ કલરની વર્ના કાર ચાલકે અંબીકા ટાઉનશીપમાં કેવલમ પાર્ક મેઇન રોડ પર પોતાની જીજે-૧-કેએમ-૭૫૮૮ નંબરની મહિન્‍દ્ર વેરીટોક કારમાં અકસ્‍માત સર્જી રૂા. ૧ લાખની નુકશાની કરી ભાગી ગયો હોવાનું જણાવ્‍યું હતું. આ બનાવમાં અકસ્‍માત સર્જનાર વર્ના કારના ચાલકનું નામ કરણ પટેલ હોવાનું જાણવા મળ્‍યું હતું. આ અંગે પોતે તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા હેડ કોન્‍સ. ક્રીપાલસિંહ ઝાલાએ તપાસ હાથ ધરી હતી.

(3:42 pm IST)