Gujarati News

Gujarati News

News of Thursday, 16th June 2022

મેચ માટે ૪.૫૦ કરોડનો વિમોઃ વરસાદ આવે તો પણ પલકવારમાં જ ગ્રાઉન્‍ડ ચોખ્‍ખુ થઈ જશેઃ હિમાંશુ શાહ

તમામ ટિકિટો વહેચાઈ ગઈ, વરસાદના લીધે એકપણ બોલ ન નખાય તો મેચની ટિકિટ રિફંડ અપાશે : બન્‍ને ટીમોની નેટ પ્રેકટીસઃ બપોરે આફ્રિકન ખેલાડી અને સાંજે હર્ષલ પટેલ પ્રેસ કોન્‍ફરન્‍સ સંબોધશે

રાજકોટઃ ભારત અને સાઉથ આફ્રિકાની ટીમોનું આગમન ગઈસાંજે થયું છે. બન્‍ને ટીમો આજે નેટ પ્રેકટીસ કરશે. આફ્રિકાની ટીમ બપોરે અને ભારતની ટીમ સાંજે નેટપ્રેકટીસ કરશે. દરમિયાન આવતીકાલે વરસાદની સંભાવના હોય તો પણ સૌરાષ્‍ટ્ર ક્રિકેટ એસોસીએશન દ્વારા ડ્રેનેજ સિસ્‍ટમ્‍સ ખૂબ જ સારી હોય થોડીવારમાં જ મેદાનમાંથી પાણીનો નિકાલ કરવામાં આવશે.
સૌરાષ્‍ટ્ર ક્રિકેટ એસોસીએશનના સેક્રેટરી શ્રી હિમાંશુ શાહે જણાવેલ કે ટી-૨૦ મેચ ૪.૫૦ કરોડનો વિમો લેવામાં આવ્‍યો છે. મેચ ખૂબ જ શાનદાર રીતે રમાય તે માટે પૂરતી તકેદારી રાખવામાં આવી છે. ગ્રાઉન્‍ડ તૈયાર કરી દેવામાં આવ્‍યું છે. મેચ સમયસર જ રમાશે. પરંતુ જો વરસાદ આવે તો પણ ગ્રાઉન્‍ડસ સ્‍ટાફ સજજ છે અને ડ્રેનેજ સિસ્‍ટમ્‍સથી થોડીવારમાં જ મેદાનમાંથી પાણીનો નિકાલ કરી દેવામાં આવશે. જેમ બને તેમ જલ્‍દીથી શરૂ કરવામાં આવે તેવા પ્રયત્‍નો કરવામાં આવશે.
હિમાંશુ શાહે વધુમાં જણાવેલ કે લાંબા સમય બાદ ક્રિકેટપ્રેમીઓ મેચની ભરપુર મજા માણશે. સાડાચાર કરોડનો વિમો લેવામાં આવ્‍યો છે. સંજોગો અનુસાર જો વરસાદ વધુ આવે અને મેચ રમાવાની પરીસ્‍થિતિ સાનુકુળ ન હોય તો મેચ દરમ્‍યાન એકપણ બોલ ન નખાય તો ક્રિકેટપ્રેમીઓને મેચની ટિકિટ રીફંડ આપવામાં આવશે.
દરમિયાન આજે આફ્રિકાની ટીમ બપોરે ૧ વાગ્‍યાથી નેટ પ્રેકટીસ કરનાર છે. જયારે ભારતની ટીમ સાંજે ૫ વાગ્‍યાથી નેટ પ્રેકટીસ કરશે. નેટ પ્રેકટીસ સેશન દરમ્‍યાન હર્ષલ પટેલ પ્રેસ કોન્‍ફરન્‍સ સંબોધશે.

 

(11:33 am IST)